Mon Jul 27 2026

Logo

ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન સૂતરાઉ વણાટ કળાની થીમ પર તૈયાર થશે

2026-07-27 19:22:27
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નિર્માણાધીન ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન એક આધુનિક અને સુવિધાવાળુ સ્ટેશન તરીકે આકાર લઈ રહ્યું છે. પ્રસ્તાવિત બુલેટ ટ્રેનના સ્ટેશનની બાહ્ય રચના અને ડિઝાઇન ભરૂચની પરંપરાગત સૂતરાઉ વણાટ કળાથી પ્રેરિત હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મુસાફરોની સગવડતા માટે અહીં વેઇટિંગ લાઉન્જ, નર્સરી, શૌચાલય અને રિટેલ આઉટલેટ્સ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત, સ્ટેશનની બહાર કાર, બસ, ઓટો અને દ્વિચક્રી વાહનો માટે પેસેન્જર પિક-અપ અને ડ્રોપ-ઓફ, વિશાળ પાર્કિંગ તેમ જ પદયાત્રીઓ માટે વિશેષ પ્લાઝા વિસ્તાર પણ વિકસાવવામાં આવી રહ્યો છે.

મુસાફરોને બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે તેને સીધું રાજ્ય ધોરીમાર્ગ-6 ભરૂચ–દહેજ હાઇવે સાથે જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત, મુંબઈ–દિલ્હી એક્સપ્રેસવે પણ અહીંથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલો છે, જ્યારે મુખ્ય ભરૂચ રેલવે સ્ટેશન અહીંથી અંદાજે 7 કિલોમીટર દૂર છે. 

હાલમાં ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ કાર્યમાં આકર્ષક ફસાડનું નિર્માણ અને પ્લેટફોર્મ ફ્લોરિંગ સહિતની ઝીણવટભરી કામગીરીઓ ઝડપભેર ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતાં જ ભરૂચને એક વર્લ્ડ ક્લાસ બુલેટ ટ્રેન સ્ટેશનની ભેટ મળશે તેવી આશા સરકારે વ્યક્ત કરી હતી.