થાણે: મહિલાના મદદ માટેના કૉલ પછી પહોંચેલા પોલીસ કોન્સ્ટેબલને દારૂના નશામાં ચૂર યુવાને લાકડીથી ફટકાર્યો હોવાની ઘટના કલ્યાણમાં બની હતી. યુવાને કોન્સ્ટેબલ પર છરીથી પણ હુમલો કર્યો હતો, પરંતુ સમયસર નીચે બેસી જતાં કોન્સ્ટેબલ બચી ગયો હતો.કોન્સ્ટેબલની મારપીટની ઘટના શનિવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ કલ્યાણ પશ્ચિમમાં ગવરાઈ પાડા વિસ્તારમાં બની હતી. ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાના ફૂટેજમાં કોન્સ્ટેબલ ગણેશ ચવાણની મારપીટની ઘટના કેદ થઈ હતી. પછીથી એ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.
એક મહિલાએ ખડકપાડા પોલીસ સ્ટેશનમાં કૉલ કરીને મદદ માગી હતી. શ્રી લક્ષ્મી બિલ્ડિંગમાં રહેતો સંબંધી રાહુલ રવીન્દ્ર તાયડે (37) મહિલાના ઘરના દરવાજા પર લાકડી ફટકારી ધમકી આપતો હતો.માહિતી મળતાં જ કોન્સ્ટેબલ ચવાણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાયડેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નશામાં ચૂર તાયડેએ લાકડીથી કોન્સ્ટેબલને ફટકાર્યો હતો. પછી દીવાલ તરફ ધકેલી તેની વરદી ફાડી હતી.
બૂમાબૂમ સાંભળી રહેવાસીઓ દોડી આવ્યા હતા, જેને પગલે આરોપીએ ઘટનાસ્થળેથી કારમાં બેસી રફુચક્કર થવાનો પ્રયત્ન કર્યો હતો. કોન્સ્ટેબલે કાર રોકતાં આરોપી છરી લઈને કોન્સ્ટેબલ તરફ ધસી ગયો હતો. જોકે સમયસર કોન્સ્ટેબલ નીચે બેસી જતાં બચી ગયો હતો. આ પ્રકરણે તાયડે વિરુદ્ધ ખડકપાડા પોલીસે ગુનો નોંધી તેની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)