Sat Sep 05 2026

Logo

ગુજરાત રાજ્ય ફાર્માસીસ્ટ મંડળે સરકાર સમક્ષ શું કરી માંગ? જાણો વિગત

2026-08-31 11:24:00
Author: Mayur Patel
ગુજરાત રાજ્ય ફાર્માસીસ્ટ મંડળે સરકાર સમક્ષ શું કરી માંગ? જાણો વિગત

ગાંધીનગર: ગુજરાત રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના સંતાનોના ઉચ્ચ તેમજ વ્યાવસાયિક શિક્ષણ માટે સરકાર દ્વારા મકાન ખરીદી (HBA - House Building Advance) અને વાહન ખરીદી (MCA - Motor Car Advance) ની જેમ જ "Education Loan Advance (ELA)" ની નવી યોજના શરૂ કરવા માટે ગુજરાત રાજ્ય ફાર્માસીસ્ટ મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય ફાર્માસીસ્ટ મંડળના જણાવ્યા અનુસાર,  ગુજરાત સરકારની સેવામાં જોડાતા વર્ગ-3, વર્ગ-2 કે વર્ગ-1ના ઘણા કર્મચારીઓ/અધિકારીઓએ કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં (5 વર્ષ કે તેથી વધુ) ફિક્સ પગારમાં સેવા આપેલી હોવાથી તેમની પ્રારંભિક બચત અત્યંત મર્યાદિત રહે છે. કર્મચારીઓ સામાન્ય રીતે 25થી 35 વર્ષની વયે નોકરીમાં જોડાય છે. જ્યારે તેમના સંતાનો 12મું ધોરણ પાસ કરી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવે છે, ત્યારે કર્મચારીની વય આશરે 40થી 45 વર્ષની હોય છે. આ ઉંમરે કર્મચારીઓ પર ઘરની હોમ લોન, પારિવારિક જવાબદારીઓ અને મોંઘવારીનું મોટું ભારણ હોય છે. આવા સમયે ઉચ્ચ શિક્ષણ માટે એકસાથે મોટી રકમ ચૂકવવી કર્મચારીઓ માટે અત્યંત મુશ્કેલ બને છે.

MBBS, BDS, BAMS, BHMS, એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં સરકારી બેઠકો મર્યાદિત હોવાને કારણે વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજોમાં પ્રવેશ લેવો પડે છે, જ્યાં શિક્ષણ ખર્ચ સામાન્ય પરિવારની પહોંચ બહાર હોય છે.  બેંકો દ્વારા શિક્ષણ લોન માટે મોંઘી સ્થાવર મિલકત (Collateral Security) માંગવામાં આવે છે. મોટાભાગના કર્મચારીઓનું પોતાનું મકાન હોમ લોન હેઠળ ગીરવે હોવાથી તેઓ પાસે વધારાની સિક્યુરિટી હોતી નથી, જેના લીધે બેંકમાંથી લોન મેળવવી પડકારજનક બની જાય છે.

ફાર્માસીસ્ટ મંડળ દ્વારા સરકાર સમક્ષ કઈ માંગ કરવામાં આવી

  • અભ્યાસક્રમોનો સમાવેશ: માન્ય ઉચ્ચ તથા વ્યાવસાયિક અભ્યાસક્રમો જેવા કે MBBS, BDS, BAMS, BHMS, Engineering, Pharmacy, Nursing વગેરે માટે ELA ની સુવિધા ઉપલબ્ધ કરાવવી.
  • સરળ પરત ચુકવણી (EMI): HBA/MCA ની માફક ELA ની રકમ પણ કર્મચારીના માસિક પગારમાંથી સરળ હપ્તામાં પરત વસૂલવાની જોગવાઈ કરવી.
  • મહત્તમ મર્યાદા અને વ્યાજદર: કોલેજ ફી અને શૈક્ષણિક ખર્ચને ધ્યાને રાખી યોગ્ય મહત્તમ મર્યાદા નક્કી કરવી તેમજ કર્મચારી-મૈત્રીપૂર્ણ વ્યાજદર અને નિયમો ઘડવા.
  • સિક્યોરિટીની સરળતા: બેંકોની કોલેટરલ સિક્યોરિટીની ઝંઝટમાંથી મુક્તિ મળે તેવી સરળ સરકારી પ્રક્રિયા નક્કી કરવી.
  • સંતાનો માટે લાભ: નિર્ધારિત નીતિ-નિયમો મુજબ યોગ્ય સંતાનના ઉચ્ચ શિક્ષણ માટે આ સહાય આપવી.