(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ નાદરવા ગામે આકાશી આફત ત્રાટકતાં એક અત્યંત કરૂણ ઘટના પ્રકાશમાં આવી હતી. બપોરના સમયે ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલી મહિલાઓ પર અચાનક વીજળી પડતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે અન્ય બે મહિલાઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, નાદરવા ગામના બામણીયા ફળિયામાં એક જ ખેડૂત પરિવારના સભ્યો બપોરના સમયે પોતાના બે અલગ-અલગ ખેતરોમાં ડાંગરનું ધરું રોપવાની કામગીરી કરી રહ્યા હતા. આ વાવણીના કામ દરમિયાન આકાશમાંથી વીજળી પડી હતી. આ સમયે ખેતરમાં કામ કરી રહેલા સંતોકબેન, જાજમબેન અને શારદાબેન નામની ત્રણ મહિલાઓ અચાનક પડેલી આ આકાશી વીજળીની ચપેટમાં આવી ગયા હતા.
વીજળી પડવાની આ ભયાનક ઘટનામાં ૬૫ વર્ષીય સંતોકબેન સોમાભાઈ બામણીયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પરિવારની અન્ય બે મહિલાઓ, 65 વર્ષીય જાજમબેન હીરાભાઈ બામણીયા અને 45 વર્ષીય શારદાબેન ભારતસિંહ બામણીયા ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. આ આકાશી આફતનો ભોગ બનેલી આ બે મહિલાઓ પૈકી એકને ગંભીર અને અન્ય એકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.