Thu Sep 10 2026

Logo

જંતર-મંતર આંદોલન: 'બસ હવે બહુ થયું', ઇમ્તિયાઝ જલીલના કેન્દ્ર સરકાર પર પ્રહારો

2026-07-27 20:46:28
Author: Mumbai Samachar Team
જંતર-મંતર આંદોલન: 'બસ હવે બહુ થયું', ઇમ્તિયાઝ જલીલના કેન્દ્ર સરકાર પર પ્રહારો

છત્રપતિ સંભાજી નગર: 'જંતર મંતર ખાતે યુવાનો દ્વારા કરવામાં આવેલા આંદોલને સરમુખત્યાર કેન્દ્ર સરકારને કહી દીધું  છે કે બસ હવે બહુ થયું' એમ ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય  ઇમ્તિયાઝ જલીલે જણાવી ઉમેર્યું હતું કે 'યુવાનોએ આ દેશની સરમુખત્યાર સરકારને સાફ સાફ જણાવી દીધું છે કે લોકોને હળવાશથી ન લેવા જોઈએ. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમજદાર હોત તો તેઓ આંદોલનના શરૂઆતના તબક્કામાં વિદ્યાર્થીઓની લાગણીઓ સમજી શક્યા હોત.

જલીલે આરોપ કર્યો હતો કે કેન્દ્રએ ઈડી અને સીબીઆઈ  જેવી એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષને નબળો પાડ્યો અને લોકોની અપેક્ષાઓની અવગણના કરી. વિરોધ કરનારા પર આરોપ મૂકવા સરળ છે. પરંતુ એમ કરતી વખતે સરકારે મહિલાઓ, વિદ્યાર્થીઓની અપેક્ષાઓનું ધ્યાન રાખવું જોઈતું હતું. જંતર-મંતર પર આંદોલનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ સરકારની ધ્યાન વિચલીટ કરવાની યુક્તિઓ સફળ થવા દીધી નહીં.

પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા અતિરેકનો આરોપ કરી જલીલે કહ્યું કે શાસક પક્ષો આવા કૃત્યોમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવવામાં વ્યસ્ત છે. 

પ્રશ્નપત્રો કરિયાણાની દુકાનમાં વસ્તુઓની જેમ વેચાય છે અને કોઈ જવાબદારી લેતું નથી. કેટલાક લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને નેતાઓ દાવો કરે છે કે તેઓએ આ કેસમાં ભૂમિકા ભજવી હતી. પરંતુ આ કેસમાં સર્વોચ્ચ નેતૃત્વને જવાબદાર ઠેરવવા જોઈએ અને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.'