મુંબઈ: મહારાષ્ટ્રના સૌથી લાંબા એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવે સમૃદ્ધિ મહામાર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લગભગ 4,000 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ ) આધારિત કેમેરા લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. રાજ્ય સરકારના અંદાજે ₹ 1,700 કરોડના ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (આઈટીએમએસ) પ્રોજેક્ટ હેઠળ આ કેમેરા સ્થાપિત કરવાનું કામ હાલ શરૂ છે.
આ અત્યાધુનિક એઆઈ કેમેરા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને આપમેળે ઓળખવામાં સક્ષમ છે. આ યંત્રણા દ્વારા ઓવરસ્પીડિંગ, ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ, અનધિકૃત પાર્કિંગ, ઓવરલોડિંગ, સીટ બેલ્ટ ન પહેરવો અને લેન શિસ્તનું ઉલ્લંઘન સહિત કુલ 17 પ્રકારના ટ્રાફિક નિયમભંગને શોધી શકાશે. આ પ્રોજેક્ટનું બાંધકામ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા કરાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈટીએમએસ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે ₹ 1,700 કરોડ છે, જેમાંથી અત્યાર સુધી રાજ્ય સરકારે લગભગ ₹ 450 કરોડની ફાળવણી કરી છે.
આ પ્રકરણે માહિતી આપતા એમએસઆરડીસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ હવે કેમેરા બેસાડવાના તબક્કામાં પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ઓપ્ટિકલ ફાઈબર અને ઈલેક્ટ્રિકલ કેબલ બેસાડવા તેમ જ કેમેરા અને અન્ય ઉપકરણો માટે ગેન્ટ્રી સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું હતું. હવે સમૃદ્ધિ મહામાર્ગ પર કેમેરા લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, હવે કેમેરા લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને એક્સપ્રેસવે પર તબક્કાવાર રીતે આ કામ આગળ વધારવામાં આવી રહ્યું છે.
કેમેરા ઇન્સ્ટોલેશનનું કામ એક્સપ્રેસવે પર 250 કિલોમીટરના વિભાગ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીની શરૂઆત નાગપુરથી કરવામાં આવી છે. પ્રથમ 250 કિલોમીટરના વિભાગમાં કેમેરા લગાવવાનું કામ આગામી બે મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ત્યારબાદ બીજા 250 કિલોમીટરના વિભાગમાં કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર અને એમએસઆરડીસી દ્વારા આ પ્રોજેક્ટને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રોજેક્ટને શક્ય તેટલી વહેલી તકે કાર્યરત કરવા માટે કામગીરી યુદ્ધના ધોરણે આગળ ધપાવવામાં આવી રહી હોવાનું અધિકારીઓનું કહેવું છે.
આઈટીએમએસ યંત્રણાનો મુખ્ય ઉદ્દેશ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નથી, પરંતુ સમૃદ્ધિ મહામાર્ગ પર માર્ગ સલામતીમાં વધારો કરવો અને અકસ્માત કે અન્ય ઈમરજન્સીની સ્થિતિમાં ઝડપી મદદ પહોંચાડવાનો પણ છે. એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા અનેક પ્રકારના ટ્રાફિક ઉલ્લંઘનોની ઓળખ માનવીય દેખરેખ પર સંપૂર્ણપણે નિર્ભર રહ્યા વિના કરી શકાશે. આ ઉપરાંત, સિસ્ટમ અકસ્માતો અને અન્ય ઘટનાઓની ઓળખ તથા વ્યવસ્થાપનમાં પણ મદદરૂપ થશે. આઈટીએમએસના કારણે એક્સપ્રેસવે પર ટ્રાફિક મોનિટરિંગ વધુ અસરકારક બનવાની સાથે ટ્રાફિક નિયમોનો અમલ, મુસાફરોની સુરક્ષા અને ઇમરજન્સી રિસ્પોન્સમાં પણ સુધારો થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનો હેતુ ટોલ સંબંધિત કામગીરીમાં પણ વધુ ઓટોમેશન લાવવાનો છે.
સમૃદ્ધિ મહામાર્ગના કેટલાક વિસ્તારોમાં લૂંટની બે ઘટનાઓ સામે આવ્યા બાદ એક્સપ્રેસવે પર સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓને પગલે સમગ્ર માર્ગ પર સર્વેલન્સ અને મોનિટરિંગને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. લગભગ 4,000 કેમેરાનું વિશાળ નેટવર્ક એક્સપ્રેસવેના વિવિધ વિસ્તારો પર વધુ સારી દૃશ્યતા આપશે. ખાસ કરીને સંવેદનશીલ અને જોખમી વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આઈટીએમએસ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ જુલાઈ 2024માં આપવામાં આવ્યો હતો. જોકે, પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થયો હતો. હવે કેમેરા ઈન્સ્ટોલેશનનું કામ શરૂ થતાં પ્રોજેક્ટને ફરી વેગ મળ્યો છે અને તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરીને કાર્યરત કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. સમૃદ્ધિ મહામાર્ગ પર આઈટીએમએસ સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર વધુ અસરકારક નજર રાખી શકાશે. સાથે જ માર્ગ સલામતી, સુરક્ષા, ટ્રાફિક મોનિટરિંગ અને અકસ્માત સમયે ઝડપી પ્રતિસાદની વ્યવસ્થા વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.