ન્યૂ યોર્કઃ અમેરિકામાં 2001માં થયેલા 9/11 આતંકવાદી હુમલા બાદ 25 વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે. આ હુમલામાં આશરે 3000 લોકોના મૃત્યુ થયા હતા, જે બાદ અમેરિકામાં મુસ્લિમોને એક અલગ નજરથી જોવામાં આવતા હતા, જોકે આજે અમેરિકાના ધમધમતા શહેર ન્યૂ યોર્કના મેયર મુસ્લિમ છે, ટાઈમ્સ સ્કેવરના જાહેર રસ્તામાં મુસ્લિમો નમાજ પઢે છે. એટલું જ નહીં ન્યૂ યોર્કમાં અમેરિકાની સૌથી મોટી મસ્જિદ પણ બની રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ 9/11 ના આતંકી હુમલા બાદ ન્યૂ યોર્કના મુસ્લિોએ શહેરમાં કેવી રીતે પોતાની જગ્યા બનાવી તે છે.
એક અહેવાલ પ્રમાણે, 9/11 આતંકી હુમલા બાદ મુસ્લિમોને લઈ અમેરિકાના લોકો ડર અને ગુસ્સામાં હતા. મુસ્લિમો સાથે વંશીય ભેદભાવ થતો હતો. અહેવાલ મુજબ, અસદ ડંડિયા ઘટના સમયે 8 વર્ષનો હતો. જ્યારે તે 19 વર્ષનો થયો ત્યારે પોલીસનો એક બાતમીદાર મિત્ર બનીને તેમના પરિવારના ઘર સુધી પહોંચી ગયો હતો. તેનું કામ ડંડિયા અને તેમના પરિવાર પર નજર રાખવાનું હતું. આ ન્યૂ યોર્ક પોલીસની એક એવી સર્વેલન્સ ઝુંબેશનો હિસ્સો હતું, જેનો દાવો ઇસ્લામિક કટ્ટરપંથની ભાળ મેળવવાનો હતો. પાછળથી આ ઝુંબેશની આકરી ટીકા થઈ અને તેને અયોગ્ય ગણવામાં આવી હતી.
33 વર્ષીય અસદ ડંડિયા એક ઇતિહાસકાર છે અને તેમને ન્યૂ યોર્ક ઘણું બદલાયેલું દેખાય છે. હવે શહેરમાં પહેલીવાર એક મુસ્લિમ મેયર છે. ટાઇમ્સ સ્ક્વેરમાં સાર્વજનિક રીતે નમાઝ પઢવામાં આવે છે અને આખા શહેરમાં નવી મસ્જિદો બની રહી છે. તેમણે જણાવ્યું હતું કે 9/11ના 25 વર્ષ પછી પણ જે બન્યું તેનો અમને અફસોસ છે, પરંતુ સાથે જ અમે એ પણ સમજીએ છીએ કે જે બન્યું તેના માટે હું જવાબદાર નથી. જે કંઈ બન્યું તેના માટે મને નિશાન બનાવવો ન જોઈએ. આ મામલે હું પણ ન્યૂ યોર્કનો એટલો જ હિસ્સો છું, જેટલો બીજો કોઈ પણ. હાલ તેઓ ન્યૂ યોર્કના મુસ્લિમ સમુદાયો સાથે જોડાયેલી જગ્યાઓ પર લોકોને હેરિટેજ વૉક/ટૂર કરાવવાનું કામ કરે છે.
2001ના હુમલામાં શું થયું હતું અમેરિકામાં
2001ના હુમલાઓ પછી અમેરિકામાં મુસ્લિમો વિરુદ્ધ નફરત વધી ગઈ હતી. આ હુમલાઓમાં આતંકવાદીઓએ 4 પેસેન્જર વિમાનોનું અપહરણ કર્યું હતું. તેમાંથી બે વિમાનોને મેનહટ્ટનના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવરો સાથે અને ત્રીજાને વૉશિંગ્ટન બહાર આવેલા પેન્ટાગોન સાથે અથડાવી દેવાયા હતા, જ્યારે ચોથું વિમાન મુસાફરોના વિરોધ બાદ પેન્સિલવેનિયાના એક ખેતરમાં તૂટી પડ્યું હતું.
ગુનાના પુરાવા નહોતા તેવા લોકોને નિશાન બનાવ્યા
આ ઘટના બાદ અનેક મુસ્લિમોએ જણાવ્યું કે તેમની સાથે જાહેરસ્થળોએ મારપીટ અને ગેરવર્તણૂકની ઘટનાઓ વધી ગઈ હતી. કેટલીક મુસ્લિમ મહિલાઓએ હિજાબ જેવા ધાર્મિક વસ્ત્રો પહેરવાનું પણ ઘટાડી દીધું હતું. બીજી તરફ, અમેરિકી અધિકારીઓએ મુસ્લિમો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. હજારો પુરુષો અને યુવકોને સરકાર પાસે પોતાની નોંધણી કરાવવા માટે મજબૂર કરવામાં આવ્યા, જેના પરિણામે અનેક લોકોને અમેરિકામાંથી દેશનિકાલ પણ કરી દેવાયા હતા. ન્યૂ યોર્કમાં પોલીસે જેમની સામે કોઈ પણ ગેરરીતિ કે ગુનાના પુરાવા નહોતા તેવા લોકોને પણ નિશાન બનાવ્યા હતા
આજે એ પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી
અહેવાલ મુજબ ન્યૂ યોર્કમાં ટૂંક સમયમાં સમગ્ર અમેરિકાની સૌથી મોટી મસ્જિદ બનવા જઈ રહી છે. 2001 પછી ન્યૂ યોર્કમાં 100થી વધુ નવી મસ્જિદો બની ચૂકી છે. મુસ્લિમ સમુદાયના લોકો હવે શહેરની સંસ્કૃતિ અને રાજકારણમાં પણ મજબૂત પકડ જમાવી રહ્યા છે. મેયર ઝોહરાન મમદાનીએ કુરાન પર હાથ રાખીને પોતાના પદના શપથ લીધા હતા. તેઓ હવે અમેરિકાના ડેમોક્રેટિક સોશ્યલિસ્ટ રાજકારણના નવા ચહેરા તરીકે ઊભરી આવ્યા છે.
આજે પણ મુસ્લિમો વિરુદ્ધ નફરત ખતમ થઈ નથી
ન્યૂ યોર્કમાં આજે પણ મુસ્લિમો વિરુદ્ધ નફરત સંપૂર્ણપણે નાબૂદ નથી થઈ. શહેરની લગભગ નવ ટકા વસ્તી મુસ્લિમ છે. તેમ છતાં, માર્ચ મહિનામાં જમણેરી વિચારધારા ધરાવતા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે મેયર મમદાનીના ઘર બહાર 'ન્યૂયોર્ક શહેર પર ઇસ્લામિક કબજો રોકો' શીર્ષક હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ એક રૂઢિચુસ્ત અમેરિકી સેનેટરે એવું પણ કહ્યું હતું કે મમદાનીને ગ્વાન્તાનામો બે મોકલી દેવા જોઈએ. ગ્વાન્તાનામો બે અમેરિકાની એ કુખ્યાત જેલ શિબિર છે, જે 9/11ના શંકાસ્પદોને રાખવા માટે જાણીતી છે.
9/11 મેમોરિયલ કાર્યક્રમમાં સામેલ થવાનું અપમાનજનક
9/11ના હુમલા સમયે ન્યૂ યોર્કના મેયર રૂડી જુલિયાની હતા. તેમણે કહ્યું હતું કે મમદાનીનું 9/11 મેમોરિયલ કાર્યક્રમમાં સામેલ થવું તેમને અપમાનજનક લાગે છે. જોકે મમદાનીએ સ્પષ્ટ કર્યું કે તેઓ રૂડી જુલિયાની સાથે કોઈ શાબ્દિક વિવાદમાં ઉતરવા માંગતા નથી. તેમનું માનવું છે કે સમગ્ર ધ્યાન પીડિતો, તેમના પરિવારો અને સૌથી પહેલા મદદે પહોંચેલા લોકો પર જ કેન્દ્રિત હોવું જોઈએ.
મુસ્લિમોની વસ્તી વધારા સાથે મસ્જિદો કેટલી વધી?
અમેરિકામાં મુસ્લિમ સમુદાયની વસ્તી અને મસ્જિદોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે. 2007માં અમેરિકામાં લગભગ 24 લાખ મુસ્લિમો હતા, જ્યારે એની સંખ્યા વધીને પંચાવન લાખ થઈ ગઈ છે. 2000માં અમેરિકામાં 1,200 મસ્જિદો હતી, પરંતુ હવે એની સંખ્યા વધીને 2,800 થઈ હોવાનો સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો છે.