સ્થાનિક ચાંદીમાં રૂ. 8602ની અને સોનામાં રૂ. 3224ની તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થઈ જવાના આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત ક્રૂડતેલના ભાવમાં આઠ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હોવાથી લાંબા સમયગાળા સુધી ફુગાવાલક્ષી દબાણ નહીં રહે તેવી શક્યતા પ્રબળ બની હતી અને વ્યાજદરમાં કપાતનો આશાવાદ સપાટી પર આવતા લંડન ખાતે સત્રના આરંભ હાજરમાં સોનાના ભાવમાં 3.4 ટકાનો અને ચાંદીના ભાવમાં 6.4 ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં તેજીનું વલણ રહેતાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 8602 અને સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3211થી 3224 ઉછળી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ રૂ. 8602ની તેજી સાથે રૂ. 2,49,067ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં ઝડપી ઉછાળો આવવાથી માત્ર ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ ખપપૂરતી લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂ. 3211ના સુધારા સાથે રૂ. 1,50,256 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3224 વધીને રૂ. 1,50,860ના મથાળે રહ્યા હતા. આજે સોનામાં પણ માત્ર રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પાંખી રહી હતી.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 3.4 ટકા ઘટીને આૈંસદીઠ 4708.86 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 3.3 ટકા વધીને 4721 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 6.4 ટકાની તેજી સાથે આૈંસદીઠ 77.46 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી જહાજને પસાર થવા મટે મદદ કરવાના ઓપરેશનને અટકાવવામાં આવ્યું હોવાનું અને ઈરાનના પ્રતિનિધિઓ સાથેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આજે જણાવતા ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવ્યો હતો અને ડૉલર ઈન્ડેક્સમાં પણ પીછેહઠ જોવા મળી હતી. જોકે, ક્રૂડતેલના ભાવ ઘટતાં ફુગાવાલક્ષી દબાણ ઘટવાની સાથે વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત થવાની શક્યતા પણ પ્રબળ બનતાં આજે સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું એક્ટિવ ટ્રેડના વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું.
વધુમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવતાં ઉમેર્યું હતું કે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ખાનગી પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે. જોકે, નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત સપ્તાહના અંત આસપાસ થશે.