કલિંગરમાંનું ઉંદર મારવાનું ઝેર જ કારણ મૃત્યુનું વિસેરા અને કલિંગરના નમૂનામાંથી પણ મળ્યા ઝિંક ફોસ્ફાઇડનાં તત્ત્વો
મુંબઈ: દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં ખોરાકી ઝેરની અસરથી એક જ પરિવારના ચાર સભ્યના થયેલા મૃત્યુને મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. ચારેયનાં મૃત્યુ ઉંદર મારવાના ઝેરથી થયા હોવાની ખાતરી ફોરેન્સિકના રિપોર્ટમાં થઇ છે, જેને પગલે હત્યા અને આત્મહત્યાની થિયરીને વેગ મળ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ના રિપોર્ટમાં એ વસ્તુને સમર્થન મળ્યું હતું કે ડોકાડિયા પરિવારના ચારેય સભ્યના વિસેરામાં (લીવર, કિડની, સ્પ્લીન), આંતરડામાં અને પેટની ચરબીના નમૂનામાં ઝિંક ફોસ્ફાઇડ હતું, એમ ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણ મુંઢેએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે કલિંગરના નમૂનામાં પણ ઝિંક ફોસ્ફાઇડનાં તત્ત્વો મળ્યાં હતાં, પણ બાકીના એકેય ખાદ્યપદાર્થમાં ઝિંક ફોસ્ફાઇડ મળ્યુ નહોતું. અમે ઊંડાણપૂર્વક રિપોર્ટનો અભ્યાસ કરીશું અને ફોરેન્સિક ડોક્ટરોની સલાહ લઈશું. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.ઝિંક ફોસ્ફાઇડ મુખ્યત્વે ઉંદર અને છછુંદરને નિયંત્રણમાં લેવા માટેનું ઉચ્ચ ઝેરી તીવ્ર ઉંદરનાશક છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અત્યાર સુધી અમને આખા પરિવારે આવું અંતિમ પગલું શા માટે લીધું તેનું કોઇ મજબૂત કારણ મળી આવ્યું નથી. એ ઉપરાંત જે. જે. માર્ગ પોલીસ દ્વારા મૃતકોના સંબંધીઓ અને પડોશીઓના નિવેદન નોંધીને સઘન તપાસ કરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર ઇસ્માઇલ કુર્તે રોડ પર ઘારી મોહલ્લામાં રહેનારા ડોકાડિયા પરિવારે પચીસમી એપ્રિલે રાતે પારિવારિક સમારંભ યોજ્યો હોવાથી પાંચ મહેમાન પણ તેમના ઘરે હાજર હતા. તમામ લોકોએ બિરયાની ખાધી હતી અને મહેમાનો જતા રહ્યા બાદ મોડી રાતે એક વાગ્યાની આસપાસ ડોકાડિયા પરિવારે કલિંગર ખાધું હતું.
બીજે દિવસે વહેલી સવારે અબ્દુલ્લા ડોકાડિયા (44), તેની પત્ની નસરીન (35), બંને દીકરી આયેશા (16) અને ઝૈનબ (13)ને ઝાડા અને ઊલટી થવા લાગ્યા હતા. આથી તેમને ત્વરિત નજીકની હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં અને બાદમાં જે. જે. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનાં મૃત્યુ થયાં હતાં.દરમિયાન ફોરેન્સિક ટીમ ડોકાડિયા પરિવારના નિવાસસ્થાને આવી હતી અને પરિવારના છેલ્લા ભોજનમાં સમાવિષ્ટ દરેક વાનગીના નમૂના એકઠા કર્યા હતા, જેમાં બિરયાની, કલીંગડ અને અન્ય ખાદ્યપદાર્થનો સમાવેશ હતો. આ નમૂના ઉપરાંત ચારેયના વિસેરા બાદમાં કેમિકલ એનાલિસિસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.
બીજી તરફ આ મામલાની તપાસ કરી રહેલી જે. જે. માર્ગ પોલીસે ડોકાડિયા પરિવારના ઘરે આવેલા પાંચ મહેમાનનાં નિવેદન નોંધ્યાં હતાં, જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે બિરયાની ખાધી હતી, પણ તેમને ઝાડા કે ઊલટી થયા નહોતા. (પીટીઆઇ)