નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષ માટેની ફર્ટિલાઈઝર સબસિડી માટે કેન્દ્ર સરકાર પાસે પર્યાપ્ત ભંડોળ છે અને અત્યાર સુધીમાં અથવા તો ગત 13મી જુલાઈ સુધીમાં ફર્ટિલાઈઝર સબસિડી પેટેની રૂ. 1.77 લાખ કરોડની અંદાજપત્રીય ફાળવણી પૈકી રૂ. 39.9 ટકા અથવા તો રૂ. 70,709 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સંસદમાં જણાવાયું હતું. એકંદરે પર્યાપ્ત ભંડોળ હોવાથી સબસિડી ખર્ચને પહોંચી વળાશે, એમ રાજ્યકક્ષાના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન અનુપ્રિયા પટેલે તાજેતરમાં રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.
વૈશ્વિક બજારની અસ્થિરતાને કારણે સબસિડીની જરૂરિયાતોમાં કોઈપણ વધારાને રોકવા માટે સરકારે વર્તમાન વર્ષ 2026ની ખરીફ મોસમ માટે પોષણ આધારિત સબસિડી (ન્યૂટ્રીશન બેઝ્ડ સબસિડી) સ્કીમ હેઠળ સરકારે રૂ. 41,533.91 કરોડ મંજૂર કર્યા છે, જે વર્ષ 2025-26ની રવી મોસમ માટે મંજૂર કરવામાં આવેલ રકમ કરતાં અંદાજે રૂ. 3581 કરોડ વધુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મંત્રાલયે ખરીફ મોસમ દરમિયાન પુરવઠો ન ખોરવાય તે માટે પણ પગલાં લીધા છે, જેમાં ગત એપ્રિલ મહિનામાં 25 લાખ ટન યુરિયાના પુરવઠા માટે અને જૂન મહિનામાં વધુ એક 17.7 લાખ ટન માટેનું ટેન્ડર બહાર પાડ્યું હતું.
આ સિવાય ઓમાન સાથે કરવામાં આવેલા પાંચ વર્ષ માટેના પુરવઠાના કરાર અંતર્ગત 45 લાખ ટન યુરિયા આવશે, એમ તેમણે અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં જણાવતા ઉમેર્યું હતું કે સાંકડા પુરવઠા સ્રોત પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર વિદેશમાં ભારતીય મિશન સાથે કામ કરી રહી છે જેથી વધુ પુરવઠાકારોને ઓળખી શકાય અને આયાતમાં વૈવિધ્યતા લાવી શકાય. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2023-24માં રૂ. 1.95 લાખ કરોડ, વર્ષ 2024-25માં રૂ. 1.77 લાખ કરોડ અને વર્ષ 2025-26માં રૂ. 2.17 લાખ કરોડ ફર્ટિલાઈઝર સબસિડી છૂટી કરવામાં આવી છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં ફર્ટિલાઈઝરની પર્યાપ્ત ઉપલબ્ધિ રહી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ગત 15મી જુલાઈના રોજ દેશમાં 69.59 લાખ ટન યુરિયા, 16.45 લાખ ટન ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી), 8.67 લાખ ટન મ્યુરિએટ ઑફ પોટાશ અને 45.24 લાખ ટન એનપીકેએસનો સ્ટોક હતો.
આ ઉપરાંત દેશમાં સ્થાનિકમાં ઉત્પાદિત થયેલ 22.13 લાખ ટન સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી)નો પણ સ્ટોક છે જેનો ડીએપીના વિકલ્પ તરીકે જમીનને ફોસ્ફેટિક પોષકત્ત્વ પૂરું પાડે છે.