Thu Jul 23 2026

Logo

સુરતમાં 15 દિવસમાં બીજી વખત ખાડીપૂર, ઉમરગામમાં સંજાણ-હુમરાણ વચ્ચેનો પુલ તૂટ્યો

2026-07-23 14:36:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા સાંબેલાધાર વરસાદના કારણે સુરતમાં 15 દિવસમાં બીજી વખત ખાડીપૂર આવ્યું છે. શહેરમાં પસાર થતી તમામ ખાડીના જળસ્તરમાં વધારો થયો છે અને કેટલીક ભયજનક સપાટીને વટાવી ગઈ છે. સુરતમાં ખાડીઓ ઉભરાવાને લીધે સારોલી પોલીસ સ્ટેશન અને આસપાસની ઘણી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. સણિયા હેમદ ગામમાં 15 ફૂટ જેટલાં પૂરના પાણી આવી ભરાઈ ગયા છે. વલસાડના ઉમરગામમાં સંજાણ હુમરાણ વચ્ચેનો પુલ તૂટ્યો છે.

સુરતમાં ભેદવાડ ખાડી અને ક્રિષ્નાનગર વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પર્વત પાટિયા વિસ્તારમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પર્વત પાટિયા રોડ ખાતે આવેલી શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય પાણીમાં ગરકાવ થઈ છે, અહીં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયું છે. સુરતમાં ખાડીપૂરથી સારોલી ગામ બેટમાં ફેરવાયું છે. સારોલી પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રહીશોને સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે.

સુરતમાં કાર પાણીમાં ડૂબી, ગળા સુધી પાણી

સુરતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ડિંડોલી વિસ્તારમાં ભારે પાણી ભરાવાના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. ડિંડોલીમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ઇકો કાર આખી પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ શોપિંગ સેન્ટરોના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા હતા. વારંવારની સમસ્યા છતાં તંત્ર કાનમાં આંગળા નાખીને બેઠું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

સંજાણ હુમરાણ વચ્ચેનો પુલ તૂટ્યો 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના જોરદાર પ્રવાહને કારણે સંજાણ-હુમરણ ગામોને જોડતા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનાને પગલે બંને વિસ્તારો વચ્ચેની અવરજવર પ્રભાવિત થઈ છે અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના ભાટી કર્મબેલી નજીક વારોલી નદી પર આવેલા બ્રિજ પર બની હતી. ભારે પાણીના પ્રવાહના કારણે પુલનો એક હિસ્સો ધસી પડ્યો હતો અને પાણીમાં વહી ગયો હતો. બ્રિજને થયેલા નુકસાન બાદ સંબંધિત વિભાગો દ્વારા સ્થળની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન બન્યા છે. વાપીના પોશ ગણાતા વિસ્તારો જેવા કે અવધ ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.

ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

આ દરમિયાન હવામાન વિભાગે આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી કરી છે. 24 જુલાઈના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, નવસારી, તાપી, ગાંધીનગર અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. 25 અને 26 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.