જેનેરિક્ ડ્રગ્સ પર ઊંચી ટેરીફની ધમકીથી ખરડાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે સેન્સેક્સમાં ૭૦૦ પોઇન્ટનું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના સતત ૧૧માં હુમલા બાદ હુથીઓએ રાતા સમુદ્રનો માર્ગ પણ અવરોધ્યો હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવવા સાથે ટ્રમ્પે જેનેરિક ડ્રગ્સની આયાત પર ઊંચી ટેરિફની ધમકી આપી હોવાથી ખરડાયેલા માનસ વચ્ચે ખાસ કરનીે ફાર્મા અને બેંક શેરોમાં વેચવાલીના દબાણ વચ્ચે બુધવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લગભગ એકાદ ટકા ઘટ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ, ૪.૬૮ ટકા વધીને ૯૫.૨૭ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.
સેન્સેક્સ દિવસ દરમિયાન, તે ૮૨૮.૯૨ પોઈન્ટ અથવા ૧ ટકા ઘટીને ૭૬,૬૪૧.૧૯ને અથડાઇને અંતે ૭૧૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા ઘટીને ૭૬,૭૫૫.૦૫ પર સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૯૧.૪૫ પોઈન્ટ અથવા ૦.૭૯ ટકા ઘટીને ૨૩,૯૯૬.૨૫ની સપાટી પર બંધ થયો હતો. સેન્સેક્સ પેકમાંથી, ઇન્ટરગ્લોબ એવિએશન, ઇન્ફોસિસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેંક અને એક્સિસ બેંક ટોપ લુઝર્સમાં સામેલ હતા, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર, એનટીપીસી, પાવર ગ્રીડ અને ટાઇટન ગેઇનર્સમાંં સામેલ હતા.
અમેરિકાના પ્રમુખે જેનેરિક ફાર્મા પ્રોડ્કટસની આયાત પર બે વર્ષ બાદના પહેલા વર્ષે ૧૦૦ ટકા અને બીજા વર્ષ ૨૦૦ ટકા ટેરિફ નાંખવાની વાત ઉચ્ચારી હોવાથી ફાર્મા શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું. ઓરબિંદો ફાર્મામાં ૪.૧૩ ટકા, ગ્લેનમાર્ક ફાર્મામાં ૩.૨૬ ટકા, બાયોકોન ૩.૧૮ ટકા, સિપ્લામાં ૨.૫૪ ટકા, સન ફાર્મામાં ૧.૯૧ ટકા, ડો. રેડ્ડીઝ લેબમાં ૧.૮૬ ટકા અને ટોરન્ટ ફાર્મામાં ૧.૩૮ ટકાનો કડાકો પડ્યો હતો.
ડોનલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું. કે પહેલી ઓગસ્ટ, ૨૦૨૬થી, યુનાઇટેડ સ્ટેટ્સમાં લાવવામાં આવતી બધી જેનરિક દવાઓ પર બે વર્ષના સમયગાળા માટે શૂન્ય ટકાનો ટેરિફ ચાલુ રહેશે, ત્યારબાદ એક વર્ષના સમયગાળા માટે ટેરિફ ૧૦૦ ટકા અને ત્યારબાદ ૨૦૦ ટકા સુધી વધારવામાં આવશે.
માર્કેટ એનાલિસ્ટ જણાવે છે કે, મધ્ય પૂર્વમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો અને સતત ભૂરાજકીય તણાવને કારણે ભારતીય શેરબજાર નીચા સ્તરે બંધ થયા. બેન્ચમાર્ક સૂચકાંકોએ સમગ્ર સત્ર દરમિયાન સતત વેચાણ દબાણનો સામનો કરવો પડ્યો. વ્યાપક બજારમાં લાર્જ કેપ કરતાં વધુ વેચવાલી અને ધોવાણ જોવા મળ્યા હતા. રોકાણકારોનું ધ્યાન મેક્રો પૃષ્ઠભૂમિ પર મજબૂત રીતે રહ્યું કારણ કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને ફાર્માસ્યુટિકલ આયાત પર સંભવિત યુએસ ટેરિફ અંગે નવી ચિંતા ફરી સપાટી પર આવી છે.
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ ઊંચા મથાળે બંધ રહ્યો, જ્યારે જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ નીચા સ્તરે સ્થિર થયો. યુરોપમાં બજારો ઊંચા મથાળે ટ્રેડિંગ કરી રહ્યા હતા. મંગળવારે યુએસ બજારો ઊંચા બંધ થયા હતા.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) મંગળવારે નેટ બાયર્સ બન્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, તેઓએ અગાઉના વેપારમાં રૂ. ૧,૬૫૦.૧૬ કરોડના ઇક્વિટી ખરીદ્યા હતા. મંગળવારે, સેન્સેક્સ ૨૩૮.૪૧ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા ઘટીને ૭૭,૪૭૦.૧૧ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦.૮૦ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકા ઘટીને ૨૪,૧૮૭.૭૦ પર બંધ થયો હતો.
વ્યક્તિગત શેરોમાં, બંધન બેંકના મેનેજમેન્ટે તેના એક્ઝિટ રિટર્ન ઓન એસેટ્સ (આરઓએ) માર્ગદર્શનમાં ૨૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય લીધા પછી, તેના શેર ૧૭ ટકાના જોરદાર કડાકા સાથે રૂ. ૧૭૩.૫૦ પર બંધ થયા હતા. ઇન્ટરગ્લોબ એવિએશન ગઈંઋઝઢ૫૦ ઇન્ડેક્સમાં સૌથી વધુ ધોવાણ નોંધાવનાર શેર બન્યો હતો, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને પગલે શેર ૩.૬૦ ટકાના કડાકા સાથે રૂ. ૫,૧૧૫ પર બંધ થયો.
નિફ્ટી૫૦ ઇન્ડેક્સમાં ઇન્ફોસિસ, એક્સિસ બેંક, જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, મેક્સ હેલ્થકેર અને ટાટા મોટર્સ પીવી પણ ટોચના ઘટનારા શેરોમાં સામેલ હતા. બીજી બાજુ, બજાજ ઓટો નિફ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ વધ્યો હતો, શેર ૫.૯૨ ટકા વધીને રૂ. ૧૧,૦૧૯ પર બંધ થયો હતો.