Mon Sep 07 2026

Logo

અધિકારીઓને વરસાદની ખેંચ હોય તેવા વિસ્તારોમાં ખરીફ વાવણી પર નજર રાખવા કૃષિ પ્રધાનનો નિર્દેશ

2026-07-22 19:45:18
Author: Ramesh Gohil
અધિકારીઓને વરસાદની ખેંચ હોય તેવા વિસ્તારોમાં ખરીફ વાવણી પર નજર રાખવા કૃષિ પ્રધાનનો નિર્દેશ

નવી દિલ્હીઃ કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તાજેતરમાં અધિકારીઓને ખાસ કરીને વરસાદની ખેંચ હોય તેવા જિલ્લાઓમાં વાવેતરની પ્રગતિ પર બારીકાઈથી નજર રાખવા અનુરોધ કર્યો છે. તેમ જ ખાસ કરીને ફર્ટિલાઈઝર અને બિયારણ સહિતનાં કૃષિ ઈનપૂટ્સનો પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ થાય તેની તકેદારી રાખવા પર પણ ભાર મૂક્યો છે. નોંધનીય બાબત એ છે કે ગત પહેલી જૂનથી 15 જુલાઈ દરમિયાન દેશમાં વરસાદ સાધારણ સરેરાશની તુલનામાં માત્ર 23 ટકા જ નોંધાયો છે. 

અધિકૃત યાદીમાં જણાવ્યાનુસાર ચૌહાણે અલ નિનોની અસર, હાલની ચોમાસાની સ્થિતિ અને વરસાદની ખેંચ હોય તેવાં સંવેદનશીલ જિલ્લાઓમાં ખરીફ વાવેતર પર થયેલી અસરની આકારણી માટે વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. આ ઉપરાંત બિયારણ, ફર્ટિલાઈઝર અને જળ સ્રોતોમાં પાણીની અછતની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ પ્રધાને અધિકારીઓને વરસાદની ખેંચ ધરાવતા વિસ્તારો પર ખાસ નજર રાખવાનો નિર્દેશ આપવાની સાથે રાજ્યો સાથે સતત સહયોગ જાળવી રાખવા પણ જણાવવાની સાથે અધિકારીઓને જરૂરિયાત મુજબ રાજ્યો સાથે કૃષિ મેનેજમેન્ટ અને કટોકટી માટેનાં પગલાં માટે સહયોગ આપવા જણાવ્યું છે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન ખરીફ મોસમમાં ગત 17 જુલાઈ સુધી દેશમાં ખરીફ વાવેતર ગત સાલના સમાનગાળાના 700.47 લાખ હેક્ટર સામે 658.19 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એકંદરે ગત સાલની સરખામણીમાં વાવેતર ઓછું છે, પરંતુ ઘણાં રાજ્યોમાં ડાંગર, કઠોળ અને તેલીબિયાના વાવેતરમાં સારી પ્રગતિ થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે અધિકારીઓને કઠોળ, તેલીબિયા અને કોટન મિશન અને રાજ્ય સરકાર સાથે સાપ્તાહિક ધોરણે સમીક્ષા કરવા અને ફિલ્ડ સ્તરેથી મળેલા પ્રતિસાદ સામે તાકીદના ધોરણે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. 

આ બેઠકમાં ઈન્ડિયા મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી અલ નિનોની શક્યતાની આગાહી અને વરસાદને ધ્યાનમાં રાખીને 270 સંવેદનશીલ જિલ્લાઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ચોમાસા અને વરસાદની પરિસ્થિતિ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાં વરસાદની સ્થિતિ, ઓછા અને વધુ વરસાદવાળા વિસ્તારોમાં પાકની વાવણીની પ્રગતિ અને એનડીવીઆઈ (નોર્મલાઈઝ્ડ ડિફરન્સ વેજીટેશન ઈન્ડેક્સ) જેવાં સૂચકાંકોના આધારે પાકની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. 

બેઠક દરમિયાન ચોમાસાની પ્રગતિની સમીક્ષા વખતે ખરીફ મોસમમાં કૃષિ પ્રવૃત્તિની સાનુકૂળ પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમ જ બેઠકના અંતે ચૌહાણે ખરીફ મોસમ દરમિયાન રાજ્ય સરકાર સાથે સહયોગમાં સતત કૃષિ પ્રવૃત્તિ પર નજર રાખવા ઉપરાંત તેમણે વૈજ્ઞાનિક સલાહ, હવામાન આધારિત કૃષિ મેનેજમેન્ટ અને ખેડૂતો માટેની સ્કીમોના અસરકારક અમલ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે સરકાર ખેડૂતોના હિત જાળવી રાખવા અને કૃષિ ઉત્પાદન વધારવા માટે પ્રતિબદ્ધ છે.