Thu Oct 01 2026

Logo

એસીને 18ના બદલે 24 ડિગ્રી પર ચલાવવાથી કેટલું ઘટે છે લાઈટ બિલ? જાણો આખું ગણિત...

2026-09-08 22:27:36
Author: Darshana Visaria
એસીને 18ના બદલે 24 ડિગ્રી પર ચલાવવાથી કેટલું ઘટે છે લાઈટ બિલ? જાણો આખું ગણિત...

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ઘરોમાં એર કન્ડીશનર (AC) નો વપરાશ વધી જાય છે અને તેની સાથે જ વીજળીનું બિલ પણ બમણું-ત્રણ ગણું થઈ જાય છે. મોટાભાગના લોકો રૂમને ઝડપથી ઠંડો કરવા માટે એસીને ૧૮ કે ૨૦ ડિગ્રી પર સેટ કરવાની ભૂલ કરે છે. જોકે, ઊર્જા મંત્રાલય અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) અનુસાર એસીને ૨૪ ડિગ્રી સેલ્સિયસ પર ચલાવવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

રિમોટ પર માત્ર એક બટન દબાવીને તાપમાન બદલવાથી વીજળીના બિલમાં ૩૦ થી ૩૬ ટકા સુધીનો જંગી ઘટાડો કરી શકાય છે.

તાપમાનમાં એક ડિગ્રીના વધારાથી કેટલી વીજળી બચે છે?
એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ, એસીના તાપમાનમાં દર એક ડિગ્રીનો વધારો કરવાથી વીજળીના વપરાશમાં આશરે 6 ટકાનો ઘટાડો થાય છે. જો કોઈ વ્યક્તિ એસીને 18 ડિગ્રીના બદલે 24 ડિગ્રી પર ચલાવે છે (એટલે કે 6 ડિગ્રીનો તફાવત), તો વીજળીના વપરાશમાં સીધો 30થી 36 ટકાનો ઘટાડો થાય છે, જેનાથી મહિનાના અંતે બિલમાં હજારો રૂપિયાની બચત થઈ શકે છે.

18 ડિગ્રી કરતાં 24 ડિગ્રી કેમ વધુ ફાયદાકારક છે?
આપણામાંથી મોટાભાગના લોકોનું એવું માનવું છે કે 18 ડિગ્રી પર રૂમ ઝડપથી ઠંડો થાય છે, પરંતુ હકીકતમાં કમ્પ્રેસર તેની સામાન્ય ઝડપે જ ચાલે છે. 18 ડિગ્રી રાખવાથી તાપમાન જાળવવા માટે કમ્પ્રેસરને કલાકો સુધી સતત હાઈ લોડ પર ચાલવું પડે છે. પરંતુ હકીકત તો એ છે કે 24 ડિગ્રી પર રૂમનું વાતાવરણ આરામદાયક બને છે અને કમ્પ્રેસર પર ભાર ઘટતાં તે નિયમિત ઓટો-કટ થાય છે, જેથી પાવર કન્સમ્પશન ઘટે છે. આ જ કારણથી સરકારે તમામ નવા એસીમાં ફેક્ટરી ડિફોલ્ટ સેટિંગ 24 ડિગ્રી ફરજિયાત બનાવ્યું છે.

એસી બિલ ઘટાડવાની અન્ય સરળ ટિપ્સ:
એસીની સાથે ધીમી ગતિએ સીલિંગ ફેન ચલાવવાથી ઠંડી હવા આખા રૂમમાં ઝડપથી ફેલાય છે અને એસી પર લોડ ઘટશે.
દર 15 દિવસે એસીના એર ફિલ્ટર સાફ કરવાથી કૂલિંગ કાર્યક્ષમતા વધે છે.
કૂલિંગ બહાર ન જાય તે માટે રૂમના દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ રાખો તેમજ સૂર્યપ્રકાશ રોકવા પડદા લગાવો.