Mon Sep 21 2026

Logo

કેટલાક લોકો દેશના વિકાસથી ક્યારેય ખુશ નથી થતા: પીએમ મોદીએ વડોદરાથી વિપક્ષ પર સાધ્યું નિશાન

2026-09-08 15:40:13
Author: Mayur Patel
કેટલાક લોકો દેશના વિકાસથી ક્યારેય ખુશ નથી થતા: પીએમ મોદીએ વડોદરાથી વિપક્ષ પર સાધ્યું નિશાન

વડોદરાઃ પીએમ મોદીએ વડોદરાથી કરોડોના વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં તેમણે Gen-Z સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષને ફુવાજી કહીને નિશાન સાધીને કહ્યું, નારાજ ફૂવાજીને ફ્રેટ કોરિડોરની આલોચનાનું કામ મળી ગયું છે. કેટલાક લોકો ભારતના વિકાસથી ક્યારેય ખુશ નથી થયા.

પીએમ નરેન્દ્ર મોદીએ Gen-Z સાથે સંવાદ કરતાં કહ્યું, આજે હું વિકસિત ભારતની યાત્રાને ગતિ આપવા માટે અહીં આવ્યો છું. આ વિકાસ પર્વ પર આપ સૌએ જે સેવાભાવથી સ્વચ્છતાનું કાર્ય કર્યું છે તેનાથી છાતી ગર્વથી પહોળી થઈ ગઈ છે. દરેક પરિવાર પર સ્વચ્છતાની ઊંડી અસર પડી છે. લાલ કિલ્લા પરથી મેં સંકલ્પની સપ્તધારાનું આહવાન કર્યું છે, જેમાં ગતિશક્તિ પણ મહત્વપૂર્ણ છે.

વિપક્ષ પર પ્રહાર

પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, કેટલાક લોકો ભારતના વિકાસથી ક્યારેય ખુશ નથી થતા. છેલ્લાં 12 વર્ષમાં દેશમાં કામ કરવાનું કલ્ચર બદલાયું છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર 2004માં વિચાર શરૂ થયો હતો. આ યુવાનોમાંથી ઘણા લોકોનો જન્મ પણ નહીં થયો હોય. 2006માં કામ કરવા માટે એક વિશેષ કંપની બનાવવામાં આવી, પછી 2014 સુધી ફાઈલો અહીંથી ત્યાં ફરતી રહી હતી.

દુર્ભાગ્ય જુઓ, આ ફાઈલોને પણ કોઈ ડેડિકેટેડ કોરિડોર નસીબ ન થયો. ફાઈલો અટકતી, લટકતી અને ભટકતી રહી. 2014માં લોકોએ મને ગુજરાતમાંથી દિલ્હી મોકલી દીધો. યુવાનો સાંભળી લો, 7-8 વર્ષમાં એક કિલોમીટર ફ્રેટ કોરિડોર પર પણ કામ થઈ શક્યું નહોતું. 

તેમના હિસાબે દેશ ચલાવતા તો તમારા પછી પણ ત્રણ-ચાર પેઢીઓ આવી જતી તો પણ કામ ન થઈ શકત. ભારતની લોજિસ્ટિક્સ પ્રણાલીને ટ્રાન્સફોર્મ કરનારી આ પરિયોજનાની આવી હાલત હતી. 2014 પછી આ ધરતીએ મને જે શીખવ્યું હતું, તમારી પાસેથી જે શીખ લઈને હું દિલ્હી પહોંચ્યો હતો, અમે ત્યાં પહોંચતાં જ તેને ગતિ આપવાનું કામ શરૂ કર્યું હતું.

'ફુવાજી' કહીને ફરી કોના પર પ્રહાર?

પીએમ મોદીએ કહ્યું હતું કે હમણાં જે નારાજ ફૂવાજી છે, તેઓ બૂમો પાડશે કે ટ્રકવાળાઓનું શું થશે? ટ્રક ક્યાં જશે? હવે 'ફુવાજી'ને કામ મળી ગયું. એટલે કે હવે મોટી માત્રામાં સામાન ઝડપથી દેશના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી શકશે. ફ્રેટ કોરિડોરની સાથે-સાથે હવે ભારતમાં રેલવે ત્યાં પણ પહોંચી રહી છે જ્યાં દાયકાઓ સુધી પહોંચી નહોતી. 

ગુજરાત હોય, મધ્ય પ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, અહીં જે આદિવાસી વિસ્તારો છે, તેઓ પણ આ પરિયોજના દ્વારા રેલવે સાથે જોડાઈ રહ્યા છે. અગાઉની સરકારમાં બજેટમાં 1-2 ટ્રેનોની જાહેરાત થતી હતી અને આખું વર્ષ તેના ઢોલ પીટાતા હતા, જ્યારે આજે દેશમાં આખું વર્ષ એક પછી એક નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આજે પણ આ કાર્યક્રમમાં ઘણી નવી ટ્રેનો શરૂ થઈ છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, આજે અહીંથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની છેલ્લી કડીઓ પણ જોડાઈ ગઈ છે. આજે 2800 કિલોમીટરથી વધુનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. આ 21મી સદીના ભારત માટે ખૂબ જ ઐતિહાસિક કાર્ય સંપન્ન થયું છે. આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એ વાતનો સાક્ષી છે કે છેલ્લાં 12 વર્ષમાં દેશની કામ કરવાની સંસ્કૃતિ કેવી રીતે બદલાઈ છે.

50,000 આધુનિક રેલ કોચ બન્યા

વર્ષ 2014 પછી ભારતે અત્યાર સુધીમાં 50 હજાર આધુનિક રેલ કોચ બનાવ્યા છે. જૂની સરકાર 10 વર્ષમાં 50 હજાર શૌચાલય પણ નહોતી બનાવી શકતી. મેં દેશ સમક્ષ વિકસિત ભારતની જે સપ્તધારાઓનું વિઝન રાખ્યું છે, તેમાં એક ધારા મેન્યુફેક્ચરિંગની પણ છે અને વડોદરા શહેર તેની તાકાત સારી રીતે જાણે પણ છે અને સમજે પણ છે. 

શિક્ષણ, કૌશલ્ય અને ઇન્ડસ્ટ્રીનું કોલેબોરેશન કેવી રીતે થાય છે, વડોદરા 150 વર્ષથી તેનું પ્રતિબિંબ છે. હવે તો આ શહેર દેશના પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે પણ જાણીતું થઈ રહ્યું છે. C-295ની પ્રથમ ફ્લાઇટ અહીંનું આકાશ જોઈ ચૂકી છે. હું વડોદરાના લોકોને આ ગૌરવ મેળવવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

રાહુલ ગાંધીનું નામ લીધા વિના પ્રહાર

પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના પ્રહાર કરતાં કહ્યું હતું કે જુઠ્ઠી વાતોથી ભરમાવનારા તો દરેક ચારરસ્તે મળી જશે, પરંતુ ભારતના યુવાનો સત્યના હુંકાર સાથે ચાલે છે. સત્યના હુંકારની સાથે ચાલે છે. સત્યના હુંકાર માટે ચાલે છે. યુવાન સાથીઓ જોઈ રહ્યા છે કે સરકાર દરેક સેક્ટર પર કેટલા ફોકસ સાથે કામ કરી રહી છે. આવનારા સમયમાં દરેક આધુનિક સેક્ટર વીજળીથી જ ચાલશે, ઇલેક્ટ્રિક ઇકો-સિસ્ટમ પર નિર્ભર રહેશે.

AIના સુપરપાવર માટે ઈકોસિસ્ટમ જરૂરી

પીએમ મોદીએ કહ્યું, ભારતને AIનું સુપર પાવર બનાવવું હોય તો આ માટે એક ઈકો-સિસ્ટમ તૈયાર કરવી પડશે. આ માટે યુરેનિયમ અને રેર અર્થ મટિરિયલ્સની ઉપલબ્ધતા વધારવાની સાથે યુવાઓના સ્કીલ ટ્રેનિંગ અને અપગ્રેડેશન પર કામ કરવામાં આવી રહ્યું છે. હવે માત્ર ડિગ્રી નહીં, પરંતુ સ્કીલ પર પણ ફોક્સ કરવામાં આવી રહ્યું છે.