Sun Oct 11 2026

Logo

બરડાનું જંગલ એશિયાટિક સિંહોનું નવું સરનામુંઃ નવા અભ્યાસનું તારણ...

2026-10-11 20:59:00
Author: Pooja Shah
બરડાનું જંગલ એશિયાટિક સિંહોનું નવું સરનામુંઃ નવા અભ્યાસનું તારણ...

અમદાવાદઃ એશિયાઇ સિંહો વિશ્વમાં માત્ર ગીરનાં જંગલમાં જ જોવા મળે છે. જોકે, સિંહો તેના પરંપરાગત વિસ્તારની બહાર વિસ્તરી રહ્યાં છે. આવા સમયે, બરડાનું જંગલ એશિયાઇ સિંહો માટે એક નવુ ‘ઘર’ બન્યું છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારા જિલ્લામાં પથરાયેલા બરડાનાં જંગલની ખડકાળ ટેકરીઓ સિંહોને માફક આવી ગઇ છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, બરડા વન્યજીવ અભ્યારણ્ય સિંહોનાં લાંબા ગાળાના મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે વિકસી શકે છે. 

સૌરાષ્ટ્રમાં આવેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય 192.31 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તેનો મોટો હિસ્સો પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. તાજેતરમાં થયેલા અભ્યાસ અનુસાર, બરડાનાં જંગલમાં સિંહોને લાંબાગાળા સુંધી ટકાવી રાખવા માટે જરૂરી આવાસ, પૂરતો શિકાર અને અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે.આ અભ્યાસમાં આશરે 144 વર્ષનાં અંતરાય બાદ બરડાનાં જંગલમાં ફરી પાછી ફરેલા સિંહોના વિસ્તારના ઉપયોગ, આવાસની પસંદગી અને આહારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 

આશરે 144 વર્ષ બાદ સિંહોએ કુદરતી રીતે બરડામાં ફરી વસવાટ કર્યો હતો. શરૂઆતમાં એક નર સિંહ અહીં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત વન વિભાગ દ્વારા પાંચ માદા સિંહોને અહીં લાવવામાં આવ્યા હતા. વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, એશિયાઇ સિંહોના સંરક્ષણની દૃષ્ટિએ આ ખૂબ જ મહત્વપૂર્ણ સંશોધન છે. હવે સિંહોની વસતી માત્ર ગીરનાં જંગલમાંપૂરતી સીમિત રહી નથી. ગીરનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી વિખેરાઈને આવતા સિંહો માટે બરડાનું જંગલ બીજુ ઘર બન્યું છે. આ વૈજ્ઞાનિક અભ્યાસનાં તારણો તેનું પરિણામ છે.   

જૂનાગઢ વન વર્તુળનાં વન સંરક્ષક અને અભ્યાસના એક લેખક મોહન રામે (આઈએફએસ) જણાવ્યું હતું કે બરડા વન્યજીવ અભયારણ્યમાં હાલમાં 17 સિંહો છે. સંશોધન માટે છ સિંહો—એક નર અને પાંચ માદા—ને રેડિયો-કોલર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2023થી જુલાઈ 2025 દરમિયાન તેમના 1.69 લાખથી વધુ જીપીએસ લોકેશન મેળવવામાં આવ્યા હતા. તારણો દર્શાવે છે કે, સિંહો બરડાનાં જંગલોમાં ઘાસિયા વિસ્તારોનો સક્રિયપણે ઉપયોગ કરે છે. બરડા વન્યજીવ અભ્યારણ્યમાં પ્રથમ વર્ષે 2,271 પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે 2025–26માં આ સંખ્યા વધીને 3,359 થઈ હતી, જે 48 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.