Fri Sep 11 2026

Logo

ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પીએમ મોદીએ કહ્યું- UPI ફક્ત ટેક્નોલોજી નથી, ભારતીય સંસ્કૃતિ છે

2026-09-08 21:28:19
Author: Mumbai Samachar Team
ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પીએમ મોદીએ કહ્યું- UPI ફક્ત ટેક્નોલોજી નથી, ભારતીય સંસ્કૃતિ છે

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક દિવસમાં બે રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આજે આર્થિક પાટનગર મુંબઈમાં ગ્લોબલ ફિન-ટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઈમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ફિનટેક સેક્ટરની વધતા વ્યાપનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) હવે ભારત સુધી સીમિત રહી નથી, પરંતુ અગિયાર દેશ સુધી વિસ્તાર ફેલાયો છે. ભારત પર દુનિયાભરના દેશોનો વિશ્વાસ પણ વધ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મારી હેટ્રિક છે. પણ યુપીઆઈ એક ટેક્નિક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની ગાથા છે.

ભારતીયો માટે નાણાં મોકલવાનો ખર્ચ ઘટાડવા પર ભાર મૂક્યો 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટની 7મી આવૃત્તિના ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનમાં ભારતીય ફિનટેક ક્ષેત્રને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ )ની વૈશ્વિક સ્તરે પહોંચ વધુ વિસ્તરીત કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે યુપીઆઈને અન્ય દેશોની સ્થાનિક પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવા અને વિદેશમાં વસતા ભારતીયો માટે નાણાં મોકલવાનો ખર્ચ ઘટાડવાની દિશામાં કામ કરવા પર પણ ભાર મૂક્યો હતો.

વિશ્વના વધુ દેશોમાં પહોંચાડવાનું આગામી લક્ષ્ય 

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે યુપીઆઈ સિસ્ટમ હાલમાં 11 દેશમાં કાર્યરત છે અને સિંગાપોરની સ્થાનિક પેમેન્ટ સિસ્ટમ સાથે પણ યુપીઆઈ યંત્રણાને જોડવામાં આવી છે. તેમણે કહ્યું કે ભારતે છેલ્લા એક દાયકામાં યુપીઆઈએ રિયલ-ટાઈમ ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, પરંતુ હવે આ સિદ્ધિઓ પર અટકી જવાને બદલે યુપીઆઈને વિશ્વના વધુ દેશોમાં પહોંચાડવાનું આગામી લક્ષ્ય હોવું જોઈએ. તેમણે ખાસ કરીને એવા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને ભારતીય મૂળના લોકો વસે છે, ભારત સાથે ઊંચા વેપારી સંબંધો છે અથવા ભારત સાથે પોતાની પેમેન્ટ સિસ્ટમને જોડવા માટે અનેક દેશો અત્યારે તૈયાર છે.

નાણાં ઝડપથી પરિવાર સુધી પહોંચાડી શકાય

પીએમ મોદીએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ભારતીયો વિદેશમાં કામ કરે છે અને તેઓ પોતાના પરિવારને મોટી માત્રામાં નાણાં મોકલે છે. આ રકમ મોકલતી વખતે થતો એક હિસ્સો ટ્રાન્ઝેક્શન ખર્ચ તરીકે જતો રહે છે. યુપીઆઈના વધુ વ્યાપક આંતરરાષ્ટ્રીય ઉપયોગથી આ ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે અને નાણાં ઝડપથી પરિવાર સુધી પહોંચાડી શકાય છે. 

વડા પ્રધાને વૈશ્વિક કાર્ડ પેમેન્ટ વ્યવસ્થા અંગે પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે હાલમાં વૈશ્વિક કાર્ડ પેમેન્ટ મોટાભાગે અન્ય દેશોમાં વિકસાવવામાં આવેલી સિસ્ટમ પર આધારિત છે, પરંતુ ભારત પાસે હવે તેનો વિકલ્પ ઊભો કરવાની ક્ષમતા છે. ભારત પોતાના નિયમો અને ધોરણો નક્કી કરીને તેમને વિશ્વ સાથે જોડવાની દિશામાં આગળ વધી શકે છે.

ટેક્નોલોજી-સેવાઓ વિકસાવવા માટે ફિનટેક કંપનીને પ્રોત્સાહિત 

મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના અગાઉના શબ્દોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે યુપીઆઈ માત્ર ટેક્નોલોજીની જ સફળતા નથી, પરંતુ તે સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટને સામાન્ય લોકોના દૈનિક જીવનનો હિસ્સો બનાવવામાં યુપીઆઈએ મહત્વની ભૂમિકા ભજવી છે. 
વડા પ્રધાને કહ્યું કે ભારતીય ફિનટેક ઉદ્યોગે પેમેન્ટ ક્ષેત્રમાં અનેક સફળતાઓ મેળવી છે અને હવે આગામી અધ્યાય નોન-પેમેન્ટ ટ્રાન્ઝેક્શન એટલે કે પેમેન્ટ સિવાયના નાણાકીય વ્યવહારો અને સેવાઓ પર કેન્દ્રિત હોવો જોઈએ. આ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને અત્યાધુનિક સેવાઓ વિકસાવવા માટે તેમણે ફિનટેક કંપનીઓને પ્રોત્સાહિત કરી હતી.

ગ્રાહક હિતોનું રક્ષણ કરવા વધુ મજબૂત વ્યવસ્થા વિકસાવવાની હાકલ કરી

સાથે જ મોદીએ ફિનટેક ક્ષેત્રમાં સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉચ્ચ ગુણવત્તાની સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સ વિકસાવવા, નૈતિક ડેટા સુરક્ષા ધોરણો ઊભા કરવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે વધુ મજબૂત વ્યવસ્થા વિકસાવવાની હાકલ કરી હતી. 

તેમણે ફિનટેક ક્ષેત્ર માટે યોગ્ય નિયમનકારી માળખું ઊભું કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. ઉપરાંત, તેમણે ફિનટેક કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈન્ડેક્સ બનાવવાની કલ્પના પણ રજૂ કરી હતી, જેના માધ્યમથી વિવિધ કંપનીઓની પારદર્શિતા અને ગ્રાહક સુરક્ષાના ધોરણોનું મૂલ્યાંકન કરી શકાય.

આ રીતે, વડા પ્રધાન મોદીએ ભારતીય ફિનટેક ક્ષેત્રને આગામી તબક્કામાં માત્ર ભારતમાં ડિજિટલ પેમેન્ટના વિસ્તરણ સુધી મર્યાદિત ન રાખીને તેને વૈશ્વિક સ્તરે ભારતીય ટેક્નોલોજી, નિયમો, સુરક્ષા અને નાણાકીય સેવાઓની નવી ઓળખ ઊભી કરવાની દિશામાં આગળ વધવા માટે આહ્વાન કર્યું છે.