Sat Oct 17 2026

Logo

15 વર્ષના `કૅપ્ટન' વૈભવે શમીને આપી બોલિંગ!: કૅપ્ટન કિશનને સમયસર ડીઆરએસમાં કરી મદદ

2026-09-08 22:11:57
Author: Ajay Motiwala
15 વર્ષના `કૅપ્ટન' વૈભવે શમીને આપી બોલિંગ!: કૅપ્ટન કિશનને સમયસર ડીઆરએસમાં કરી મદદ

ચેન્નઈઃ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી માત્ર બૅટથી ફટકા મારવામાં જ પાવરધો છે એવું જો કોઈ માનતું હોય તો ભૂલ કરે છે. તે લેફ્ટ-આર્મ સ્પિન પણ સારા કરી જાણે છે એ તો ઠીક, પણ તે કાર્યવાહક કૅપ્ટનના રોલમાં સારા નિર્ણયો પણ લઈ શકે છે. વાત આટલેથી જ નથી અટકતી. હરીફ ટીમના બૅટ્સમૅન વિરુદ્ધ થયેલી અપીલને જો મેદાન પરના અમ્પાયરે નકારી કાઢી હોય તો ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)નું માધ્યમ અપનાવીને થર્ડ અમ્પાયરની મદદ લેવાની પણ તેનામાં સારી આવડત છે. 

મંગળવારે ચેન્નઈમાં બન્યું એવું કે દુલીપ ટ્રોફી (DULEEP TROPHY)ની સાઉથ ઝોન સામેની ફાઇનલમાં ઈસ્ટ ઝોનનો કૅપ્ટન ઇશાન કિશન થોડી વાર માટે મેદાનની બહાર ગયો ત્યારે વાઇસ-કૅપ્ટન વૈભવ સૂર્યવંશીએ કૅપ્ટન્સીની જવાબદારી સંભાળી હતી. ત્યારે સાઉથ ઝોનનો સ્કોર 4/174 હતો. પીઢ પેસ બોલર મોહમ્મદ શમીએ થોડી જ વાર પહેલાં બોલિંગનો એક સ્પેલ પૂરો કરનાર શમીને પાછો મોરચા પર બોલાવ્યો હતો. શમીએ થોડી વાર પહેલાં જ ઘણી ઓવર બોલિંગ કરી હતી અને તેણે ગરદનના દુખાવા બદલ ફિઝિયોની મદદ પણ લીધી હતી. જોકે વૈભવે શમીને પાછો બોલિંગ કરવા બોલાવ્યો હતો.

વૈભવનો નિર્ણય યોગ્ય ઠર્યો હતો. શમીએ પાછલી રણજી ટ્રોફી સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર રવિચન્દ્રન સ્મરણ (23 રન)ને કૅચઆઉટ કરાવ્યો હતો. અમ્પાયરે કૅચની અપીલ ઠુકરાવી હતી, પણ કુમાર કુશાગ્રએ કાર્યવાહક કૅપ્ટન વૈભવને ડીઆરએસની મદદ લેવા કહ્યું હતું અને થર્ડ અમ્પાયરે સ્મરણને આઉટ જાહેર કર્યો હતો.

એ પહેલાં, સાઉથ ઝોનના રિકી ભુઈ વિકેટકીપર કુમાર કુશાગ્રના હાથમાં કૅચઆઉટ થયો એવી અપીલ થઈ હતી. અમ્પાયરે અપીલ નામંજૂર કરી હતી, પણ વૈભવને ખાતરી હતી કે ભુઈના બૅટની કટ લાગી જ હતી અને તેણે `લે લો...લે લો...' કહીને કૅપ્ટન કિશન પાસે ડીઆરએસની મદદ લેવડાવી હતી અને થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ ભુઈને આઉટ જાહેર કર્યો હતો. ઈસ્ટ ઝોનના ખેલાડીઓ વૈભવને ભેટી પડ્યા હતા અને ખૂબ હસ્યા હતા.