ભરત ભારદ્વાજ
લાંબા સમયની શાંતિ પછી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા વરતાયા છે. ઈરાનની મેથી મારવામાં પડ્યા હોવાથી ભારતને ભૂલી ગયેલા ટ્રમ્પને અચાનક યાદ આવી ગયું હશે કે, ભારતની હમણાંથી બજાવી નથી એટલે જિનરિક દવાઓ પર 200 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી નાખી. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર જ્ઞાન પીરસ્યું છે કે, અમેરિકામાં જ દવાઓનું ઉત્પાદન વધે અને અમેરિકનોને રોજગારી મળે એ વાસ્તે પોતે જિનરિક દવાઓ પર ટૅરિફ લાદવાનું નક્કી કર્યું છે પણ ટ્રમ્પના નિશાના પર ભારત જ છે એ સ્પષ્ટ છે.
ભારત વિશ્વમાં જિનરિક દવાઓનો સૌથી મોટો દેશ છે અને અમેરિકામાં જંગી પ્રમાણમાં જિનરિક દવાઓની નિકાસ કરે છે તેથી આ ટૅરિફની સૌથી વધારે ખરાબ અસર ભારત પર જ પડશે ને ટ્રમ્પે ભારતને ફટકો મારવા આ નિર્ણય લીધો છે એ સ્પષ્ટ છે.
ટ્રમ્પે કરેલી જાહેરાત પ્રમાણે, જિનરિક દવાઓ પર ટૅરિફ અંગેની આ તબક્કાવાર યોજના 1 ઓગસ્ટથી અમલમાં આવશે પણ શરૂઆતના બે વર્ષ સુધી અમેરિકામાં આવતી તમામ જિનરિક દવાઓ પર અમેરિકા હાલનો શૂન્ય ટકા ટૅરિફ જાળવી રાખશે. ત્રીજા વર્ષે એટલે કે, 1 ઓગસ્ટ 2027થી આ ટૅરિફ વધારીને 100 ટકા કરવામાં આવશે અને ત્યાર પછી 200 ટકા કરવામાં આવશે. ટ્રમ્પે 200 ટકા ટૅરિફનો અમલ ક્યારથી થશે તેની ચોખવટ કરી નથી પણ મોટા ભાગે 1 ઓગસ્ટ 2028થી ટૅરિફ વધારીને 200 ટકા કરી દેવામાં આવશે એવું લાગે છે.
ટ્રમ્પે એ સ્પષ્ટતા પણ કરી છે કે, આ ટૅરિફથી વિદેશી કંપનીઓનાં ઉત્પાદનો માટે અમેરિકાના દરવાજા બંધ નથી કરાયા પણ વિદેશી કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન કરે એવો વિકલ્પ તેમને અપાયો છે કે જેથી રોજગારી સહિતનો ફાયદો સીધો અમેરિકાને મળે. ટ્રમ્પે એ પણ કહ્યું છે કે, જે કંપનીઓ તેમને આપવામાં આવેલા નિર્ધારિત સમયગાળામાં એટલે કે બે વર્ષમાં પ્લાન્ટ અને મશીનરી સ્થાપિત કરવાનો નિર્ણય નહીં લે તેમને દંડ કરવામાં આવશે.
ટ્રમ્પના કહેવાનો મતલબ સાફ છે કે, ભારત સહિતના કોઈ પણ દેશની ફાર્મા કંપનીઓએ અમેરિકાના બજારમાં જિનરિક દવાઓ વેચવી હોય તો અમેરિકામાં જ દવાઓ બનાવવી પડશે ને પછી જ અમેરિકામાં વેચી શકાશે. બીજા દેશમાં દવા બનાવીને અમેરિકામાં વેચવી હોય તો જંગી ટૅરિફ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
ટ્રમ્પની જાહેરાત બહુ મહત્ત્વની છે પણ તેનાથી ભારતે ગભરાવાની જરૂર નથી. પહેલું કારણ એ કે, ટ્રમ્પની જાહેરાતનો અમલ બે વર્ષ પછી એટલે કે, 1 ઓગસ્ટ 2028થી થવાનો છે ને બે વર્ષમાં ઘણું બધું બદલાઈ શકે છે. ડોનલ્ડ ટ્રમ્પ 2025ના જાન્યુઆરીમાં બીજી વાર પ્રમુખ બન્યા તેથી તેમની મુદત 2029ના જાન્યુઆરીમાં પૂરી થશે.
મતલબ કે, ટ્રમ્પ પ્રમુખપદે હશે ત્યારે જ 100 ટકા ટૅરિફનો અમલ શરૂ થઈ જશે પણ એ પહેલાં બંને દેશોના સંબંધોમાં સુધારો થાય તો આ ટૅરિફ મોકૂફ રહી શકે અથવા તો ભારતીય કંપનીઓને તેમાંથી મુક્તિ મળી શકે છે. ટ્રમ્પ પોતે તળિયા વિનાના લોટા જેવા છે એ જોતાં એ પોતે પણ પલટી મારી શકે છે.
બીજું એ કે, અમેરિકનો ભારતીય દવાઓ પર એ હદે નિર્ભર છે કે, અમેરિકનોને પણ ટ્રમ્પના આવા તુક્કા પોષાય એમ નથી. ફાર્મા સેક્ટરમાં વિશ્વમાં ભારતનો દબદબો છે અને દુનિયાના મોટા ભાગના દેશો દવાઓ માટે ભારત પર નિર્ભર છે તેથી ભારતને ‘વિશ્વની ફાર્મસી’ કહેવામાં આવે છે. જિનરિક દવાઓમાં તો ભારતનો દબદબો એવો છે કે, વિશ્વભરના 200 જેટલા દેશોને ભારત જ જિનરિક દવાઓનો પુરવઠો પૂરો પાડે છે.
અમેરિકા પણ ભારત પર નિર્ભર છે અને અમેરિકામાં વેચાતી જિનરિક દવાઓમાં 40 ટકા દવાઓ ભારતીય કંપનીઓની છે. ‘ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ’ના રિપોર્ટ પ્રમાણે 2024-25માં અમેરિકાએ કુલ 25.8 અબજ ડૉલરની દવાઓની આયાત કરી હતી ને તેમાંથી 38 ટકા એટલે કે 9.7 અબજ ડૉલરની આયાત એકલા ભારતમાંથી કરાઈ હતી. અમુક દવાઓના મામલામાં તો સ્થિતિ એ છે કે, ભારતીય કંપનીઓ સિવાય કોઈની દવા ખપતી જ નથી.
ઉદાહરણ તરીકે અમેરિકામાં સૌથી વધારે ખપત ગર્ભનિરોધક દવાઓની છે ને આ બજારમાં ભારતીય કંપનીઓનું એકહથ્થુ શાસન છે. અમેરિકામાં ડોક્ટર દ્વારા લખવામાં આવતાં પ્રિસ્ક્રિપ્શન્સમાંથી લગભગ 65 ટકા ટેબ્લેટ્સ તો ભારતની બે કંપનીઓ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ અને લ્યુપિનની જ હોય છે. આ તો એક ઉદાહરણ આપ્યું પણ હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, ડાયાબિટીસ, કેન્સર, ચેપી રોગો અને માનસિક સ્વાસ્થ્યની સારવાર માટેની મોટા ભાગની જિનેરિક દવાઓ ભારતીય કંપનીઓની હોય છે.
અમેરિકન ડોક્ટરો આ દવાઓ લખે છે કેમ કે આ દવાઓ અસરકારક છે અને લોકો વાપરે છે કેમ કે અસરકારક હોવાની સાથે સસ્તી પણ છે. ભારતીય કંપનીઓ વરસોથી અમેરિકામાં આ દવાઓની નિકાસ કરે છે તેથી અમેરિકન ડ્રગ્સ અને ફાર્મા સ્ટાન્ડર્સ પ્રમાણે જ બનાવે છે તેથી કોઈ ફરિયાદ પણ નથી આવતી. આ બધાં કારણોસર અમેરિકાના બજારમાં ભારતીય દવાઓ ધૂમ વેચાય છે.
અમેરિકામાં મોટી મોટી ફાર્મા કંપનીઓ છે પણ એ બધી મોંઘીદાટ દવાઓ વેચે છે કેમ કે રિસર્ચ પાછળ કરોડોનું આંધણ કર્યું હોય છે. આ કારણે તેમને જિનરિક દવાઓ વેચીને ટીપે ટીપે સરોવર ભરવામાં રસ નથી. ભારતની કંપનીઓ અમેરિકામાં જિનરિક દવાઓ વેચે તેની સામે વાંધો પણ નથી તેથી ભારતીય કંપનીઓ ધમધોકાર ધંધો કરે છે. અમેરિકાની કંપનીઓએ જિનરિક દવાઓના ઉત્પાદનનું કોઈ માળખું ઊભું કર્યું નથી ને હવે ટ્રમ્પના કહેવાથી રાતોરાત એ ઊભું ના થઈ શકે તેથી અમેરિકાએ જખ મારીને ભારતના શરણે જ આવવું પડે.
ટ્રમ્પને પણ આ વાતની ખબર છે જ છતાં તેણે અત્યારે ટૅરિફનું નવું નાટક શરૂ કર્યું તેનું કારણ ભારતનું નાક દબાવવાની મેલી મુરાદ છે. અમેરિકા અને ભારત વચ્ચેનો ટ્રેડ ડીલ અમેરિકાની ભારતમાં તેની કૃષિ-ડેરી પ્રોડક્ટ્સને મોકળું મેદાન આપવાની જીદના કારણે અટવાયેલું છે. ભારત પોતાનાં હિતોને કારણે અમેરિકાની આ વાત માની શકે તેમ નથી તેથી ટ્રમ્પ ભારતને બીવડાવવા માટે આ જિનરિક દવાઓ પર ટૅરિફનું તૂત લઈ આવ્યા છે. લાગ્યું તો તીર નહીં તો તુક્કો એ હિસાબે તેમણે આ જાહેરાત કરી નાખી. ભારત ડરી ગયું તો કામ થઈ ગયું, ના ડરે તો કંઈ નહીં. બાકી ખરેખર ટૅરિફ લાદવા માગતા જ હોય તો 1 ઓગસ્ટ, 2026થી ના લાદે? બે વર્ષનો પ્લાન શું કરવા જાહેર કરે?