Fri Aug 28 2026

Logo

મુંબઈના દરિયા કિનારા પરથી ૧૦ દિવસમાં અઢી હજાર મેટ્રિક ટન કચરો જમા

2026-07-23 08:53:00
Author: Sapna Desai
મુંબઈના દરિયા કિનારા પરથી ૧૦ દિવસમાં અઢી હજાર મેટ્રિક ટન કચરો જમા


૧૪ જુલાઈથી ૧૮ જુલાઈ, ૨૦૨૬ દરમ્યાન દરિયા કિનારામાં મોટી ભરતી હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના દરિયા કિનારાને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ રાખવાના ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નવ જુલાઈથી ૧૯ જુલાઈ, ૨૦૨૬ દરમ્યાન દરિયા કિનારા પર  ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમાં પણ ૧૪ જુલાઈથી ૧૮ જુલાઈ, ૨૦૨૬ દરમ્યાન દરિયામાં ૪.૫ મીટરથી વધુ ઊચાં મોજાં સાથે મોટી ભરતી હોવાથી મોટા પ્રમાણમાં કિનારા પર ઊંચા ઊછળતાં મોજાં સાથે કચરો ખેંચાઈ આવ્યો હતો. દસ દિવસની સફાઈ ઝુંબેશ દરમ્યાન પ્લાસ્ટિક, થર્મોકોલ, લાકડાનો કાટમાળ જેવા વિવિધ પ્રકારના કચરા સહિત કુલ ૨,૪૯૮.૬૬ મેટ્રિક ટન ઘન કચરો જમા થયો હતો.

પાલિકાના કમિશનર અશ્ર્વિની ભીડેના માર્ગદર્શન હેઠળ  ખાસ દરિયા કિનારાની સફાઈ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી. ચોમાસા દરમ્યાન ભરતીના કારણે દરિયા કિનારા પર મોટા પ્રમાણમાં કચરો તણાઈને આવતો હોય છે. ડેપ્યુટી કમિશનર (ઘન કચરા વ્યવસ્થાપન) કિરણ દિઘાવકરે ચોપાટી પર કચરા વિશે જણાવ્યું હતું કે ૯ જુલાઈથી ૧૯ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં ૧.૧ કિલોમીટર લાંબા ગિરગામ ચોપાટી પરથી ૩૩.૬૬ મેટ્રિક ટન, પાંચ કિલોમીટર લાંબા દાદર-માહિમ બીચ પરથી ૧૫૨.૧૦ મેટ્રિક ટન, ૩.૫ કિલોમીટર લાંબા ચિંબઈ-વારિંગપાડા બીચ પરથી ૧૨૭.૨૦ મેટ્રિક ટન, આઠ કિલોમીટર લાંબા મઢ-માર્વે બીચ પરથી ૪૪.૨૮ મેટ્રિક ટન, છ કિલોમીટર લાંબા જુહુ બીચ  પરથી ૧,૮૨૫ મેટ્રિક ટન, ૪.૫ કિલોમીટર લાંબા વેસાવે બીચ પરથી ૨૭૭.૬૦ મેટ્રિક ટન અને સાત કિલોમીટર લાંબા ગોરાઈ બીચ  પરથી ૩૮.૮૨ મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. 

આ વિશેષ સફાઈ અભિયાનમાં કુલ ૨,૪૯૮.૬૬ મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.આ સંદર્ભમાં, ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોમાસાની ઋતુમાં ભરતી-ઓટને કારણે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, થર્મોકોલ, લાકડાનો સામાન, જળચર છોડ અને અન્ય વિવિધ પ્રકારનો કચરો દરિયાકિનારા પર તણાઈ આવે છે, તેથી તેને તાત્કાલિક દૂર કરવા માટે ખાસ સફાઈ ટીમોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમો નિયમિતપણે દરિયાકિનારાનું નિરીક્ષણ કરી રહી છે અને કચરો એકત્રિત કરવા અને તેનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા માટે કામ કરી રહી છે.