Wed Jul 22 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મુદ્દે અમેરિકા અને ઈરાન આમને સામને

WASINTON DC   2026-07-22 18:34:34
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મુદ્દે સંઘર્ષ વધી રહ્યો છે. જેના લીધે સમગ્ર વિશ્વની ચિંતા વધી છે. આ અંગે અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે ઈરાનને કોઇ પણ ભોગે હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ રાખવામાં દેવામાં આવશે નહિ. 

ઈરાન પર શરતોનું પાલન નહિ કરવાનો આરોપ

આ ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું છે કે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ રાખવાની મંજૂરી આપવી એ આંતરરાષ્ટ્રીય વેપાર અને નેવિગેશનની સ્વતંત્રતા માટે અત્યંત ખતરનાક પગલું હશે. તેમણે ઈરાન પર ગયા મહિને અમેરિકા સાથેની વાતચીત દરમિયાન શરતોનું પાલન નહિ કરવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકા ઇરાન સાથે વાટાઘાટો કરવા માટે પ્રતિબદ્ધ છે. 

તેમણે વધુમાં  જણાવ્યું હતું કે ઘણા નેતાઓએ ઈરાન સામે  યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ઉદ્ભવતા વૈશ્વિક ઉર્જા સંકટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ઈરાનની  દાદાગીરીને મંજૂરી આપી શકાય નહિ 

રુબિયોએ કહ્યું, જો  મિડલ ઈસ્ટમાં ઈરાનની આ દાદાગીરીને મંજૂરી આપવામાં આવશે તો વિશ્વના અન્ય દેશો પણ આવું કરવા પ્રેરાશે.  કોઇ પણ દેશને  આંતરરાષ્ટ્રીય જળમાર્ગને નિયંત્રિત કરવાનો, ટોલ વસૂલવાનો અને જો તમે પૈસા ન ચૂકવો તો તમારા જહાજોને ઉડાવી દેવાની મંજૂરી આપી શકાય નહિ. તેમજ એમઓયુ ઈરાનને કોમર્શિયલ જહાજો પર  ડ્રોન અને મિસાઇલો ચલાવવાનો અધિકાર આપતું નથી. 

યમનમાં હુતી બળવાખોરો સક્રિય થતા  બાબ અલ-મંડેબ સ્ટ્રેટ બંધ 

આ દરમિયાન મંગળવારે સાઉદી અરેબિયાથી એશિયા  જઈ રહેલા બે ક્રૂડ ઓઇલ  ટેન્કરોને લાલ સમુદ્રમાં પાછા ફરવાની ફરજ પડી હતી. કારણ કે યમનમાં હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયા સામે દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી હતી. 

વૈશ્વિક વેપાર માર્ગો પર દબાણ 

તેમજ  બાબ અલ-મંડેબ સ્ટ્રેટ જે લાલ સમુદ્રને હિંદ મહાસાગર સાથે જોડે છે  બંધ થવાથી વૈશ્વિક વેપાર માર્ગો પર દબાણ આવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન સાથે ચાલી રહેલા તણાવને કારણે વિશ્વની ચિંતા વધી છે. જ્યારે અમેરિકાએ ઈરાન સામે હુમલાના 11મા રાઉન્ડ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. ત્યારે તેના જવાબમાં ઇરાને ખાડી દેશોમાં સ્થિત  યુએસ લશ્કરી બેઝો પર હુમલા કર્યા છે.