Mon Aug 31 2026

Logo

પાકિસ્તાનમાં આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે 94 બાળકો HIV પોઝિટિવ, 6 માસૂમોએ જીવ ગુમાવ્યો

Karachi   2026-07-23 08:38:00
Author: Vimal Prajapati
પાકિસ્તાનમાં આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે 94 બાળકો HIV પોઝિટિવ, 6 માસૂમોએ જીવ ગુમાવ્યો

કરાચીઃ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાંથી સ્વાસ્થ્ય ક્ષેત્રે તબીબી બેદરકારીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સુરક્ષાના નિયમોના લીલેરીયા ઉડતા 94 જેટલા નિર્દોષ બાળકો HIV (એચઆઈવી) વાયરસથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં આ જીવલેણ વાયરસના કારણે 6 બાળકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. 

જુલાઈમાં બાળકોમાં HIVના નવા 16 કેસ નોંધાયા

વિગતે વાત કરવામાં આવે તો, સિંધ પ્રાંતના સ્વાસ્થ્ય સચિવ તાહિર હુસૈન સાંગીના જણાવ્યા પ્રમાણે પહેલો કેસ નવેમ્બર 2025માં કરાચી સ્થિત કુલસૂમ બાઈ વાલિકા હોસ્પિટલ (Kulsoom Bai Valika Hospital) માં નોંધાયો હતો. આ હોસ્પિટલનું સંચાલન 'સિંધ એમ્પ્લોઇઝ સોશિયલ સિક્યુરિટી ઇન્સ્ટિટ્યૂશન' (SESSI) દ્વારા કરવામાં આવે છે.  આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ કરવામાં આવેલી આંતરિક તપાસના રેકોર્ડ્સ દર્શાવે છે કે નવેમ્બર 2025થી શરૂ થયેલા આ પ્રકોપમાં ચેપના કેસો સતત વધી રહ્યા છે. ચાલુ મહિને જ બાળકોમાં HIVના નવા 16 કેસની પુષ્ટિ થઈ છે, જેના કારણે સંક્રમિત બાળકોનો કુલ આંકડો વધીને 94 પર પહોંચી ગયો છે.  

આસપાસના વિસ્તારમાં પણ 120 લોકો HIV સંક્રમિત મળ્યા  

હોસ્પિટલમાં વાયરસ ફેલાવાની ઘટના સામે આવ્યા બાદ સિંધ સ્વાસ્થ્ય વિભાગે હોસ્પિટલના આસપાસના વિસ્તારોમાં સામૂહિક સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ માટે વિશેષ ટીમો તૈનાત કરી હતી. હોસ્પિટલ નજીકના રહેણાંક વિસ્તારમાંથી આશરે 10,000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.  આ સ્ક્રીનિંગ દરમિયાન બાળકો અને વયસ્કો સહિત કુલ 120 લોકો HIV સંક્રમિત મળી આવ્યા હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. પાક સરકારે જાહેરાત કરી છે કે તમામ સંક્રમિત દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ ઉપરાંત, અસરગ્રસ્ત બાળકોને આજીવન સારવાર અને તબીબી સહાય પૂરી પાડવા માટે નિષ્ણાત તબીબોની એક ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે.  

તબીબી ક્ષેત્રની ગંભીર બેદરકારી

આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ પાકિસ્તાનમાંથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં એક જ સિરિંજનો ઉપયોગ મલ્ટિ-ડોઝ વાયલ્સ અને અલગ-અલગ દર્દીઓ પર કરવાને કારણે 331થી વધુ બાળકો HIV પોઝિટિવ બન્યા હતા. હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગ્લોવ્ઝ વગર અને વપરાયેલી સિરિંજથી ઈન્જેક્શન આપવાની તસવીરો પણ વાયરલ થઈ હતી.  તે પછી ફરી પાછી આવી જ બેદરકારી પ્રકાશમાં આવી છે.