(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કરાર થઈ જવાની શક્યતા વ્યક્ત કરતાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટીને બેરલદીઠ 100 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 69 પૈસા ઊછળીને 94.49ના મથાળે રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર ડૉલર સામે રૂપિયો ભારે દબાણ હેઠળ રહેતાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સક્રિયપણે સીધો ટેકો ન આપવાનો વ્યૂહ અપનાવ્યો હોવાથી તેમ જ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે પણ `પ્રોજેક્ટ ફ્રીડમ' અટકાવવામાં આવ્યું હોવાનું જણાવતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.18ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.18 અને ઉપરમાં 94.38ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 69 પૈસાના ઉછાળા સાથે 94.49ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ઈરાને યુએઈનાં માળખાકીય ક્ષેત્ર પર હુમલા કરતાં ભૂરાજકીય તણાવ વધવાની ભીતિ સપાટી પર આવતા સત્ર દરમિયાન રૂપિયો 95.44 સુધી ગબડ્યો હતો, પરંતુ ત્યાર બાદ રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપને પગલે રૂપિયો સાધારણ પાંચ પૈસાના સુધારા સાથે 95.18ના મથાળે બંધ રહ્યો હતો.
સીઆર ફોરેક્સ એડવાઈઝર્સનાં મેનેજિંગ ડિરેક્ટર અમીત પાબારીએ જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા તેની વિદેશી હૂંડિયામણની અનામતનો સીધો ઉપયોગ કર્યા વિના રૂપિયાને ટેકો આપવાના રસ્તાઓ ખોળી રહી છે. તે પૈકીનો એક વિકલ્પ જાહેર ક્ષેત્રની બૅન્કો દ્વારા વિદેશી ચલણોના બૉન્ડ મારફતે ફંડ ઊભું કરવાનો છે જેના થકી યંત્રણામાં ડૉલરનો આંતરપ્રવાહ આવી શકે છે.
વધુમાં ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તેનાં ટ્રુથ સોશ્યલ પર જણાવ્યું હતું કે ઈરાનના પ્રતિનિધિઓ સાથે અંતિમ કરારની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમ જ ગત સોમવારથી જહાજોને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી સલામત પસાર થવા માટે શરૂ કરવામાં આવેલો પ્રોજેક્ટ ફ્રીડમ અટકાવવામાં આવ્યો છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.66 ટકા ઘટીને 97.79 ડૉલર આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 8.25 ટકાના કડાકા સાથે બેરલદીઠ 100.81 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 940.73 પૉઈન્ટ અને 298.15 પૉઈન્ટ વધીને બંધ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને વધુ ટેકો મળ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3621.58 કરોડની ચોખ્ખી વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો અમુક અંશે મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.