Wed May 06 2026

Logo

ઓપરેશન સિંદૂર: કેવી રીતે ભારતે માત્ર 88 કલાકમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું?

2026-05-06 17:10:10
Author: mumbai samachar team
Article Image

પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ: 23 મિનિટમાં આતંકી અડ્ડાઓનો ખાતમો અને પાકિસ્તાનનું સરેન્ડર

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન તથા મિડલ ઈસ્ટના અંતહીન સંઘર્ષો વચ્ચે ઑપરેશન સિંદૂર એક માઈલસ્ટોન સમાન છે. ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ઓછામાં ઓછા સમયમાં અસરકારક બોધપાઠ ભારતે શીખવ્યો છે. આધુનિક યુદ્ધકાળમાં લાંબા ખેંચાઈ રહેલા યુદ્ધ વચ્ચે ઑપરેશન સિંદૂર એક મિસાલ સમાન છે. ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાઓ પર હુમલો કરીને સૈન્ય કાર્યવાહી કરી હતી.ઑપરેશન સિંદૂરને એક વર્ષ 7 એપ્રિલના પૂર્ણ થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી અડ્ડાઓ પર જોરદાર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. 

જડબાતોડ વળતો જવાબ
22 એપ્રિલ 2025ના રોજ પહલગાંવમાં થયેલી આતંકી ઘટનાના જવાબમાં આ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ઑપરેશન એટલું આક્રમક, એક્યુરેટ અને પર્ફેક્ટ હતું કે, પાકિસ્તાનને આની ગંધ પણ આવી ન હતી. સતત 23 મિનિટમાં બહાવલપુરમાં જૈશ એ મોહમ્મદ તથા મુરીદકેમાં લશ્કર એ તોઈબાના આતંકી લૉંચપેડને ધ્વંસ કરી દેવામાં આવ્યા હતા.પાકિસ્તાને જ્યારે જવાબી કાર્યવાહી કરવા પગલાં લીધા એ સમયે ભારતીય યુદ્ધ વિમાનથી મિસાઈલ હુમલો કરી નુર ખાન, સરગોંધા જેવા 11 એરબેઝનો ખાતમો બોલાવી દીધો હતો. આમ પાકિસ્તાન સૈન્યને ભારે નુકસાન કરી સરેન્ડર કરવા મજબૂર કરી દીધુ. ભારત તરફથી થતા હુમલા એટલા તીવ્ર હતા કે, 88 કલાકની અંદર જ સીઝફાયરની રજૂઆત કરી દેવામાં આવી હતી. 

ભારતને નુકસાન પહોંચાડ્યું તો ખેર નથી
દુનિયામાં રશિયા તથા યુક્રેન, ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધ અંતહિન દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે એની અસર દુનિયાભરની અર્થવ્યવસ્થા પર પડી રહી છે.આ માહોલ વચ્ચે ઑપરેશન સિંદૂર એક માઈલસ્ટોન સમાન છે. જેમાં ઓછામાં ઓછા સમયમાં, ચોક્કસ પ્લાનિંગ, રિસર્ચ અને એક્ઝેટ લોકેશનથી દુશ્મનોના દાંત ખાટા કરી દેવામાં આવ્યા હતા. આ દર્દનો અહેસાસ પાકિસ્તાનને કાયમ રહેશે. 

ઑપરેશન સિંદૂર યથાવત રહેતા ભારતે પાકિસ્તાનને વોર્નિંગ સિગ્નલ પણ આપી દીધુ કે જ્યારે પણ પાકિસ્તાન અથવા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોએ ભારતને નુકસાન પહોંચાડ્યું તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ જવાબ પાકિસ્તાનને કાયમ યાદ રહેશે. પાકિસ્તાન તરફથી થતા સમયાંતરે છમકલાનો આ પ્લાનિંગ આધારિત નસ કાપી નાંખનારો જવાબ હતો.9 આતંકી કેમ્પને ટાર્ગેટ કરાયા, 100થી વધુ આતંકવાદી માર્યા ગયા, 88 કલાકમાં પાકિસ્તાનને સરેન્ડર થવા મજબૂર કર્યો, 11 બેઝ હવાઈ હુમલામાં તોડી પાડવામાં આવ્યા, 6 યુદ્ધ વિમાનને તોડી પાડવામાં આવ્યા હતા.

આતંકી સંગઠનોના અડ્ડા પર ત્રાટકીને લક્ષ્યાંક સિદ્ધ
પ્રોક્સિ વૉરની સામે આ એક હચમચાવી નાખે એવી કાર્યવાહી હતી. યુદ્ધની લાંબી માયાઝાળમાં ફસાવવાના બદલે સૈન્ય કાર્યવાહી કરીને ઑપરેશન સિંદૂરે દાખલો બેસાડ્યો હતો. ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક, પુલવામાં હુમલા બાદ બાલાકોટમાં એરસ્ટ્રાઈક એ પછી પહલગાવ હુમલાના જવાબમાં ઑપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું. 
આનાથી પાકિસ્તાનના આતંકી આકાઓની ખોખલી ફૌજને એ અંદાજો આવી ગયો હશે કે, ભારત હુમલો કરશે તો પરિણામ કેવું આવશે.ભારતે માત્ર POKમાં રહેલા આતંકી સંગઠનોના અડ્ડા પર ત્રાટકીને લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો. બીજી એકવાત એ પણ સ્પષ્ટ હતી કે, ઉશ્કેરણીજનક કાર્યવાહી ભારત કરવા નથી માગતો, પણ પીઓકેમાંથી સમર્થિત આતંકી હુમલાનો વળતો જવાબ આપવો એ અધિકાર છે.