વોશિંગ્ટન ડી સી: વૈશ્વિક વેપાર માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. એહવાલો મુજબ યુએસ અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી હળવી કરવા સહમત થયા છે. યુએસ નેવી તબક્કાવાર નાકાબંધી હળવી કરશે અને આ મહત્વપૂર્ણ જળમાર્ગને શિપમેન્ટ માટે ખોલશે.
અહેવાલ મુજબ આગામી કલાકોમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા જહાજોને મુક્ત કરવામાં આવશે. આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સોદો થવાની આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે વાતચીત ખૂબ સારી રહી છે અને યુદ્ધ ઝડપથી સમાપ્ત થશે.
ઈરાને જણાવ્યું હતું કે સંઘર્ષને સમાપ્ત કરવા માટે વોશિંગ્ટને પ્રસ્તાવિત કરેલા 14-મુદ્દાના સમજૂતી પત્રનું મૂલ્યાંકન કરી રહ્યું છે.
28 ફેબ્રુઆરીના રોજ યુએસએ ઈરાન પર હુમલો શરુ કર્યો ત્યાર બાદથી જ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નાકાબંધી કરી હતી, જેના કારણે દુનિયાભરમાં ઇંધણનો પુરવઠો ખોરવાઈ ગયો ગયો હતો. યુએસની ચેતવણી છતાં ઈરાને નાકાબંધી હટાવી ન હતી, ત્યાર બાદ યુએસ નેવીએ પણ નાકાબંધી કરી ઈરાનના જહાજોને રોકી દીધા હતાં. હવે બંને દેશો નાકાબંધી હળવી કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ધીમે ધીમે ફરીથી ખોલવા તૈયાર થયા છે.
ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવાની જાહેરાત કરી:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "પ્રોજેક્ટ ફ્રીડમ" ને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને એસ્કોર્ટ કરવા માટે યુએસ નેવીએ “પ્રોજેક્ટ ફ્રીડમ” નામનું ઓપરેશન શરુ કર્યું હતું. જોકે, આ ઓપરેશનને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધ્યો હતો.
વિશ્વના લગભગ પાંચમા ભાગનું પેટ્રોલિયમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે.