ભાજપની જીત છતાં રાજીનામું ન આપવાની જીદ વચ્ચે ગવર્નરનું કડક પગલું; નવી સરકારના ગઠનનો માર્ગ મોકળો
કોલકાતાઃ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના 72 કલાક પછી પણ હજુ એકેય સ્ટેટમાં સરકાર ગઠનની વિધિવત્ તારીખો જાહેર કરવામાં આવી નથી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના હાથમાં ફરી સત્તા નહીં આવતા મમતા બેનરજી હજુ પણ મુખ્ય પ્રધાનના પદ છોડવા તૈયાર નથી. છેલ્લા બે દિવસથી રાજીનામું આપવાની અટકળો વચ્ચે આજે બંગાળના રાજ્યપાલ આરએન રવિએ બંગાળ વિધાનસભા ભંગ કરી દઈને મમતાદીદીને ઝટકો આપ્યો છે.
ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી પગલું
વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમત મળ્યા પછી પણ મમતા બેનરજી વોટ ચોરીનો આરોપ મૂકીને મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવાનો ઈનકાર કર્યો હતો. એને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી પશ્ચિમ બંગાળના વર્તમાન ગવર્નર આરએન રવિએ સૌથી મોટું ચોંકાવનારું પગલું ભર્યું છે.
બંધારણ અનુસાર વિધાનસભા ભંગનો આદેશ
ભારતીય બંધારણના આર્ટિકલ 174 ક્લોઝ (2)ના પેટા ક્લોઝ (બી) અન્વયે મળેલી શક્તિઓનો ઉપયોગ કરીને પશ્ચિમ બંગાળની વિધાનસભાના ભંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સત્તાવાર જાહેરાત મુજબ છઠ્ઠી મેના સ્પેશિયલ ગેઝેટ નોટિફિકેશન નંબર 275-પીએ/1એલ-3/2026) જાહેર કરવામાં આવ્યું હતું. સરકારની સંસદીય અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશ અનુસાર વર્તમાન વિધાનસભાને સાતમી મેના ઔપચારિક રીતે ભંગ થશે. વિધાનસભા ભંગ કરવાને કારણે મમતા બેનરજીના પંદર વર્ષ જૂની સરકારનો અંત આવ્યો છે, જેથી હવે મમતા બેનરજીના શાસનનો અંત આવ્યો છે.
18મી એસેમ્બલી બનાવવાનો માર્ગ મોકળો બન્યો
બંગાળના રાજ્યપલા આરએન રવિએ કરેલા હસ્તાક્ષરના આદેશમાં રાજ્યના ચીફ સેક્રેટરી દુષ્યંત નારિયાલા (આઈએએસ)એ જનહિતમાં જાહેરાત કરી હતી. વિધાનસભાની ચૂંટણી પછી નવી સરકાર ઓફિસના કાર્યકાળને સંભાળતા પહેલા જૂની વિધાનસભાને ભંગ કરવાનો એક બંધારણીય પ્રક્રિયા છે. આ આદેશને કારણે 17મી વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઈ ગયો છે અને નવી વિધાનસભાનો માર્ગ મોકળો બની ગયો છે. આગામી દિવસોમાં નવી કેબિનેટના શપથગ્રહણનો સમારોહ યોજવામાં આવશે.