અમદાવાદઃ ગુજરાતમાં સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. બાવળા અને સાણંદમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ભયજનક બની છે. આ બે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. એટલું જ નહીં પરંતુ પાણીની નિકાલ માટે અને સ્થિતિને ધ્યાને રાખી લોકોની મદદ કરવા માટે સત્વરે પગલા લેવામાં આવે તેમ જણાવ્યું હતું.
સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અમિત શાહ સાથે ઉચ્ચ સ્તરીય ટેલિફોનિક ચર્ચા પછી સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક કામગીરી પણ શરૂ કરી દીધી હતી. આ સ્થિતિ માટે ધ્યાન રાખવા અને કામગીરી કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે બે મંત્રીઓ અને બે વરિષ્ઠ અધિકારીઓને ખાસ જવાબદારી સોંપી દીધી છે.
શિક્ષણ પ્રધાન અને મહેસુલ રાજ્ય પ્રધાન કામે લાગ્યાં
અમિત શાહ સાથે વાત થઈ તે પછી સીએમ ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજા, મહેસુલ રાજ્ય પ્રધાન સંજયસિંહ મહીડાને બાળવા અને સાણંદ માટે રવાના કરી દીધા હતા. તેમની સાથે વરિષ્ઠ અધિકારી થૈનારશન અને અમદાવાદ કમિશનર બંછાનીધી પાનીને પણ મૂકવામાં આવ્યાં છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સૂચના બાદ તાત્કાલિક ધોરણે સત્વરે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે, ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ બોપલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ
સ્થાનિકોને આ મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને પાણીના નિકાલ માટે પંપીંગ મશીનો સહિતના સાધનો લગાવી દેવામાં આવ્યાં છે. આ તમામ સ્થિતિ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સીધી નજર રાખી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.