Thu May 07 2026

Logo

હેં, મેટ ગાલામાં આ શું પહેરીને આવી મોડેલ? સાબુના ફીણ જેવો ડ્રેસ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત, તમે જોયો કે નહીં?

2026-05-07 15:10:00
Author: Darshana Visaria
Article Image

મેટ ગાલા-2026 એ વિશ્વનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત ફેશન ઈવેન્ટ માનવામાં આવે છે. આ ઈવેન્ટમાં દર વર્ષે દુનિયાભરની હસ્તીઓ પોતાના અજીબોગરીબ અને અદભૂત આઉટફિટ્સથી લોકોના હોશ ઉડાવી દે છે. આ વખતે ન્યૂયોર્ક ખાતે યોજાયેલા મેટ ગાલા 2026માં પણ આવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે ઓલિમ્પિક ચેમ્પિયન અને જાણીતી મોડલ ઈલીન ગુ (Eileen Gu)એ રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી. ઈલીન ગુના ઈવેન્ટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. ચાલો જોઈએ શું છે ખાસ આ આઉટફિટમાં... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઈલીન ગુએ મેટ ગાલામાં 'મેજિકલ બબલ ડ્રેસ' (Magical Bubble Dress) પહેરીને એન્ટ્રી લીધી હતી. આ આઉટફિટ જોવામાં એવો લાગતો હતો કે જાણે તેના શરીરની આસપાસ સાબુના ફીણ કે પાણીના પારદર્શક પરપોટા જામી ગયા હોય. આ ડ્રેસ સફેદ અને સિલ્વર શેડમાં હતો, જે લાઈટના પડછાયા સાથે હીરાની જેમ ચમકતો હતો. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઈલીનના ડ્રેસમાં 15,000 બબલ્સ ક્રિયેટ કરવામાં આવ્યા હતા.

વાત કરીએ ડ્રેસના ડિઝાઈન વિશે આ ડ્રેસ અત્યંત 'ફ્યુચરિસ્ટિક' ડિઝાઇન ધરાવતો હતો અને તે જોવામાં એકદમ હળવો અને હવામાં તરતો હોય એવો લાગતો હતો. ડ્રેસની બનાવટ એવી રીતે કરવામાં આવી હતી કે દરેક 'બબલ' અલગ-અલગ કદના દેખાતા હતા, જે ઈલીનની બોડી લાઈનને સુંદર રીતે કવર કરી રહ્યા હતા. તમે પણ સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો... 
 

વાત કરીએ આ હટકે આઉટફિટ સાથે ઈલીને કરેલા મેકઅપની તો તેના લૂકને વધુ આકર્ષક બનાવવા માટે, ઈલીને ન્યૂનતમ એક્સેસરીઝ અને ડ્યુઈ મેકઅપ કર્યો હતો, જેથી બધાનું ધ્યાન તેના ડ્રેસ પર જ રહે. તેના વાળ પણ એકદમ સિમ્પલ લૂકમાં રાખવામાં આવ્યા હતા. આ વર્ષની થીમ મુજબ આ ડ્રેસ પ્રકૃતિ અને વિજ્ઞાનના મિશ્રણને દર્શાવતો હતો. પરપોટા ક્ષણભર માટે હોય છે, પરંતુ આ ડ્રેસ દ્વારા તે ક્ષણને 'સ્થિર' કરી દેવામાં આવી હોય તેવું લાગતું હતું.

સોશિયલ મીડિયા પર ઈલીનના આ લૂકને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. કેટલાક ફેશન નિષ્ણાતોએ તેને આ દાયકાનો સૌથી સર્જનાત્મક ડ્રેસ ગણાવ્યો છે. ફેન્સે પોતાની ફેવરેટ સ્ટારના આ લૂકને 'વોટર ક્વીન' અને 'સી બબલ એન્જલ' જેવી ઉપમાઓ આપી છે. જોકે, કેટલાક લોકોએ આ ડ્રેસને 'અજીબોગરીબ' ગણાવીને મજેદાર મીમ્સ પણ બનાવ્યા છે.

વાત કરીએ કોણ છે ઈલીન ગુ તો ઈલીન ગુ એક ચીની-અમેરિકન ફ્રી-સ્ટાઈલ સ્કીઅર છે. 2022માં વિન્ટર ઓલિમ્પિકમાં તેણે ત્રણ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. રમતગમતની સાથે તે ફેશન જગતમાં પણ મોટું નામ છે અને વિશ્વની ટોચની બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કરે છે.