Thu May 07 2026

Logo

ચૅમ્પિયન્સ લીગઃ પીએસજી બૅક-ટુ-બૅક ફાઇનલમાં, 30મીએ આર્સેનલ સામે મુકાબલો

munich   2026-05-07 16:34:52
Author: Ajay Motiwala
Article Image

મ્યૂનિકઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG)એ યુઇફા ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ સ્પર્ધામાં સતત બીજી સીઝનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જેમાં 30મી મેએ એનો મુકાબલો આર્સેનલ સામે થશે. આર્સેનલે માત્ર 2006માં આ સ્પર્ધા જીતી લીધી ત્યાર પછી 20 વર્ષે એણે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ખ્વીચા ક્વારાત્સખેલિયાએ બુધવારે બાયર્ન મ્યૂનિક (Bayern Munich) સામેની સેમિ ફાઇનલ રાઉન્ડના બીજા અને નિર્ણાયક તબક્કાની મૅચમાં ત્રીજી જ મિનિટમાં ગોલ કરીને પીએસજીને 1-0થી સરસાઈ અપાવી હતી. બાયર્ન મ્યૂનિક વતી હૅરી કેને મૅચની મુખ્ય 90 મિનિટ બાદ ચોથી મિનિટમાં (94મી મિનિટમાં) ગોલ કર્યો હતો અને સ્કોર 1-1થી બરાબરીમાં થઈ ગયો હતો, પણ બાયર્ન માટે ત્યારે બહુ મોડું થઈ ગયું હતું અને મૅચ 1-1થી ડ્રૉમાં જતાં પીએસજીએ સેમિ ફાઇનલ રાઉન્ડ એકંદરે 6-5ના સ્કોર સાથે જીતીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી અને બાયર્ન મ્યૂનિકની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.

પીએસજીએ સેમિ ફાઇનલના પ્રથમ તબક્કાની મૅચમાં 5-4થી વિજય મેળવ્યો હતો અને ફાઇનલમાં કોણ પહોંચશે એનો આધાર બુધવારની મૅચ પર હતો.

ઉલ્લેખનીય છે કે રિયલ મૅડ્રિડે 2016થી 2018 સુધીના ઉપરાઉપરી ત્રણ વર્ષમાં ચૅમ્પિયન્સ લીગનું ટાઇટલ જીત્યું હતું. પીએસજીએ 2025માં ટાઇટલ જીતી લીધા બાદ હવે બૅક-ટુ-બૅક ટાઇટલ જીતવાનો એને મોકો છે. 30મી મેની પીએસજી-આર્સેનલ ફાઇનલ હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં રમાશે.