Sat May 09 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ નેલ્લોરની રેઈન્બો ઇન્ટરનેશનલ સ્કૂલ

2026-05-09 08:48:00
Author: Hemant Vala
Article Image

હેમંત વાળા


બાળકોની શાળામાં રંગોનું મહત્ત્વ હોવું જોઈએ, બાળકોને રંગીન વાતાવરણ વધુ પસંદ હોય છે, રંગીન વાતાવરણને શાળાનાં મકાનની અનૌપચારિક જગ્યાઓમાં વધુ મહત્ત્વનું સ્થાન મળવું જોઈએ, રંગીનતાને કારણે બાળક સહજતા અનુભવી શકે- આ બધી વાતો નેલ્લોરની રેઈન્બો ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રયોજાયેલી જોવા મળે છે. તેથી જ કદાચ આ શાળાનું નામ રેઈન્બો રખાયું હશે, અથવા તો આ નામથી પ્રેરણા લઈને આ પ્રકારનું રંગ-આયોજન થયું હશે.

શાળાની રચનામાં અનૌપચારિક સ્થાનનું મહત્ત્વ વધારે હોવું જ જોઈએ. વર્ગખંડમાં તો શિસ્તબદ્ધ, ઔપચારિક વાતાવરણની આવશ્યકતા હોય. અહીં એકાગ્રતા જરૂરી હોય, એક પ્રકારની વ્યવસ્થા, નિયંત્રણ અને નિયમન પણ ઇચ્છનીય રહે, પરસ્પરનો વ્યવહાર નિયમબદ્ધ હોવો જોઈએ અને આ બધાંને કારણે શૈક્ષણિક પરિણામ સ્થાપિત થવાની સંભાવના વધે. વર્ગખંડની સરખામણીમાં વર્ગખંડની બહારનાં વાતાવરણમાં બાળકોને જુદી જ અનુભૂતિ મળવી જોઈએ. 

વર્ગખંડની શિસ્તબદ્ધતા સામે અહીં મોકળાશની અનુભૂતિ થવી જોઈએ. વર્ગખંડની ઔપચારિકતા સામે અહીં સ્વતંત્રતા સ્થાપિત થવી જોઈએ. અહીં એકાગ્રતાની આવશ્યકતા ન હોય વિવિધતા હોવી જોઈએ. અહીં ચોક્કસ પ્રકારની વ્યવસ્થાને સ્થાને કંઈક અપવાદ હોવાં જોઈએ. અહીં નિયમબદ્ધ વ્યવહાર નહીં પરંતુ `ભાગદોડ'ની સંભાવના હોવી જોઈએ. એમ જણાય છે કે આ શાળાની રચનામાં આ બધી વાતોને સંવેદનશીલતા અને સર્જનાત્મકતાથી સમાવી લેવાઇ છે.

આ શાળાના વર્ગખંડ તો સામાન્ય શાળાના મકાનના સામાન્ય વર્ગખંડ જેવાં જ છે. અહીં કોઈ પ્રકારનું આકર્ષક કે રસિક વાતાવરણ નથી. લંબચોરસની અંદર હારબંધ પાટલીઓ ગોઠવી સામે પાટીયું મૂકી દેવાયું છે. વર્ગખંડમાં કોઈપણ પ્રકારની મજા નથી. જો માત્ર વર્ગખંડને જોવામાં આવે તો આ કંટાળાજનક રચના છે. 

આ શાળાના સ્થપતિ `સ્પેસિફિકેશન સ્ટુડિયો'ને આની ખબર જ હશે અને તેથી જ તેમણે વર્ગખંડ બહારનાં વિસ્તારને શક્ય હોય તેટલો રસિક બનાવવા પ્રયત્ન કર્યો છે. એક સ્થાનની મર્યાદા ને બીજા સ્થાને સરભર કરવાનો આ પ્રયત્ન છે. એક સ્થાનના ચીલાચાલુ અભિગમથી જે સ્થાપત્યકીય મૂલ્ય નષ્ટ થયાં હોય તેને બીજાં સ્થાને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરાયો છે. એક જગ્યાએ પ્રશ્નોને જેમનાં તેમ રાખીએ અન્ય સ્થાને ઉકેલને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરાયો છે. આ એટલો પ્રશંસનીય અભિગમ નથી, પરંતુ સ્વીકાર્ય છે.

આવનજાવન માટેનાં જુદાં જુદાં સ્તરે જુદાં જુદાં પ્રકારનાં અને માપના માર્ગ તથા બ્રિજ, લગભગ ત્રણ માળની કહી શકાય તેટલી ઊંચાઈ, જુદાં જુદાં પ્રમાણમાપ વાળા વિશાળ ખાંચા, ક્યાંક વિશાળ પગથિયાં સાથેનું જોડાણ, મકાનના બે બ્લોક વચ્ચે ફેલાતો પહોળો પટ્ટો-વિસ્તાર, રસપ્રદ ગોઠવણ સમાન બારી બારણાં, બહારનાં ભાગ સાથે મનોવિજ્ઞાનની સંધાન સ્થાપતી બાલ્કની, જુદાં જુદાં સ્તરે સર્જાતાં નાનાં નાનાં અંગત સ્થાન, સૌથી ઉપરની છત થકી આકાશ સાથે સ્થાપિત થતો સંયમિત તેમજ નિયંત્રિત સંપર્ક, 

આ સંપર્કમાંથી આવતો સૂર્યપ્રકાશ અને ક્યારેક ક્યારેક વરસાદ, વચ્ચેનાં ભાગમાં પ્રતીત થતી શેરી જેવી અનુભૂતિ, ક્યાંક ગોળાકાર સ્તંભ તો ક્યાંક દીવાલ થકી નિર્ધારિત થતી લંબીય સપાટી, અંદરની દીવાલોને એક-રેખીય ન બનાવી સ્થાપિત કરાયેલી રસપ્રદતા, ક્યાંક પરંપરાગત રેલિંગ તો ક્યાંક ગ્રાફિક જેવી જણાતી અર્ધપારદર્શક જાળી, દરેક સ્તરે સ્થાપિત થતો દૃશ્ય તેમજ શ્રાવ્ય સંપર્ક, વિશાળતાને કારણે ઉદ્ભવતો માનસિક સંયમ અને આ બધી વિવિધતા સાથે પણ પ્રતીત થતું ઐક્ય-આ શાળાની વચ્ચેની જગ્યાની આ કેટલીક ખાસિયતો છે.

આશરે 7800 ચોરસ મીટર બાંધકામવાળો શાળાનો આ ભાગ વર્ષ 2025માં તૈયાર થયો હતો. ઉત્તર અને દક્ષિણ પાંખને વિભાજિત કરતો મધ્યનો ત્રણ માળનો વિસ્તાર આ રચનાની `સ્ટે્રન્થ' છે. ત્રણ માળની આ ઈમારત પૂર્વથી પશ્ચિમ ફેલાય છે અને તેનું મુખ્ય ફસાડ ઉત્તર-દક્ષિણ રખાયું હોવાથી સ્વાભાવિક રીતે અહીં ગરમીથી અમુક અંશે આપમેળે રક્ષણ મળી જાય. 

વળી વચ્ચેનો અગત્યનો ભાગ પૂર્વ-પશ્ચિમથી રક્ષિત હોવાથી અહીંનું તાપમાન અનુકૂળ સ્થળે જળવાઈ રહેતું હશે. આબોહવાની અનુકૂળતા ને કારણે પણ આ સ્થાન સૌથી વધારે જીવંત અને ઉપયોગાત્મક રહેતું હશે. અહીં જે રીતે ફૂલછોડ વાવવામાં આવ્યા છે તેનાથી આ સ્થાન વધુ આનંદદાયક બને છે. અહીં સામૂહિક તેમજ રચનાત્મક પ્રવૃત્તિ થતી હશે તેમ જણાય છે.

સ્થપતિના વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે આ શાળા ગુકુળની અનુભૂતિ કરાવે છે. આ દાવો કંઈક વધારે પડતો છે. અહીં અનૌપચારિક છે પણ તે માત્ર વચ્ચેની જગ્યામાં, અને વાસ્તવમાં તો ત્યાં પણ ઘણી બધી નિયમિતતા છે. મકાનની રચના થકી શિક્ષણમાં નવો પ્રયોગ કરવાની ચાહના અહીં વ્યક્ત થઈ છે, પરંતુ તે વાત પણ એટલી સ્વીકાર્ય બને તેમ નથી. અહીં નવીનતાની વાત પણ કરાઈ છે, પણ વાસ્તવમાં કોઈપણ બાબત એટલી નવીન તો નથી જ. 

પરિસ્થિતિને ફેસ-વેલ્યુ પર જોઈ તેની પ્રશંસા થવી જોઈએ. સારી રચના સાથે પણ વાતો `જોડવા'ની આદત છુટતી નથી. જેટલું છે તેટલું જ કહેવું જરૂરી છે, જેમ છે તેમ જ કહેવું જરૂરી છે, જ્યાં છે ત્યાં જ કહેવું જરૂરી છે. કોઈ બાબત સારી હોય એટલે તેનાં દરેક પાસાં સારાં છે એમ માની લેવાની કોઈ કારણ નથી. સ્થાપત્યના વિવરણમાં વિવેક અને સંયમની આવશ્યકતા છે. રચના સારી છે, તેમાં સંવેદનશીલતા છે, કેટલીક સૂક્ષ્મ જરૂરિયાતોને રચનાત્મકતાથી સુલઝાવવામાં આવી છે, પણ તેનો અર્થ એ નહીં કે કોઈ પણ દાવો કરી શકાય.