Sat May 30 2026

Logo

ક્રૂડતેલના ભાવની વધઘટ મુજબ સોનામાં બેતરફી વધઘટે અથડાતા ભાવ

2026-05-30 19:51:01
Author: Ramesh Gohil
Article Image

સોનામાં નબળી માગે સ્થાનિકમાં વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 106 ડૉલર ડિસ્કાઉન્ટ ઓફર કરતાં ડીલરો 

વીતેલા સપ્તાહના આરંભમાં અમેરિકાએ દક્ષિણ ઈરાન પર હુમલા કરતાં શાંતિ કરાર ખોરંભે ચડી જવાની ભીતિ સાથે ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવતા વૈશ્વિક સ્તરે ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં ઘટાડો નહીં કરે અને તંગ નાણાનીતિ લાંબા સમય સુધી જાળવી રાખે તેમ જણાતા વૈશ્વિક સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, ત્યાર બાદ અમેરિકા અને ઈરાનના વાટાઘાટકર્તાઓ યુદ્ધવિરામ વધુ 60 દિવસ લંબાવવા અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવા સહમત થયા હતા.

જોકે, આ સહમતીને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની મંજૂરી મળવાની બાકી હોવા છતાં સપ્તાહના અંત આસપાસ ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી અને સોના તથા ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. તેમ છતાં વૈશ્વિક સોનામાં સાપ્તાહિક તથા માસિક ધોરણે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આમ હાલના તબક્કે જો ક્રૂડ તેલના ભાવ વધે તો કેન્દ્રવર્તી બૅન્કો તંગ નાણાનીતિ અપનાવે તેવી ધારણા હેઠળ સોનાના ભાવમાં ઘટાડો અને જો ક્રૂડતેલના ભાવ ઘટે તો હળવી નાણાનીતિના આશાવાદે સોનામાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું છે. અર્થાત્‌‍ ગત સપ્તાહે ક્રૂડતેલના ભાવની વધઘટ અનુસાર સોના અને ચાંદીના ભાવમાં ભારે ચંચળતાનું વલણ રહ્યું હતું. 

દરમિયાન ગત સપ્તાહે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોના અને ચાંદીમાં વૈશ્વિક વધઘટ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં જોવા મળેલી ડૉલર સામે રૂપિયાની વધઘટ અનુસાર બેતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં અકંદરે બન્ને કિંમતી ધાતુઓમાં ભાવઘટાડો જોવા મળ્યો હતો.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર વેરારહિત ધોરણે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 22મી મેના રૂ. 1,58,117 સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,58,622ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,56,072 અને ઉપરમાં રૂ. 1,58,857ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 1654 અથવા તો 1.04 ટકા ઘટીને રૂ. 1,56,463ના મથાળે બંધ રહ્યા હતા.

તે જ પ્રમાણે હાજરમાં ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 2,66,000ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,69,754ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,60,917 અને ઉપરમાં રૂ. 2,71,100ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે એક ટકો અથવા તો રૂ. 2650ના ઘટાડા સાથે રૂ. 2,66,000ના મથાળે બંધ રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મે મહિનાના આરંભમાં સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાત જે છ ટકા હતી તે વધારીને 15 ટકા કરી હતી. તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ચાલુ ખાતાની ખાધ દબાણ હેઠળ ન આવે અને વિદેશી હૂંડિયામણની બચત થાય તે માટે સોના-ચાંદીની અનાવશ્યક ખરીદી ટાળવા હાકલ કરી હોવાથી તેમ જ વિશ્વ બજાર પાછળ ભાવમાં પણ કોઈ સ્થિરતા ન હોવાથી હાલ દેશભરમાં માગ લગભગ તળિયે બેસી ગઈ છે અને જ્વેલરોની દુકાનમાં રિટેલ ગ્રાહકોની આવનજાવન પણ ઓછી હોવાનું ચેન્નાઈ સ્થિતિ એક જ્વેલરે જણાવ્યું હતું.

તે જ પ્રમાણે મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે સરકારે ડ્યૂટી વધારી ત્યારથી જ્વેલરો નવો સ્ટોક કરવાનું ટાળી રહ્યા છે અને રિટેલ સ્તરની માગ પણ નબળી હોવાથી ગત સપ્તાહે ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 106 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો સોનાના ભાવ આૈંસદીઠ 78 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા. 

ગત સપ્તાહે વૈશ્વિક સોનાએ આૈંસદીઠ 4400 ડૉલરની સપાટી ગુમાવ્યા બાદ 4500 ડૉલરની ઉપર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ બેતરફી વધઘટે અથડાઈને અંતે 10 ગ્રામદીઠ રૂ. 157,000 આસપાસના મથાળે રહ્યા હતા. આરંભિક તબક્કે વૈશ્વિક સોનામાં નરમાઈ રહ્યા બાદ વૉશિંગ્ટન અને તહેરાન યુદ્ધવિરામ વધુ 60 દિવસ લંબાવવા અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગથી શિપિંગને મંજૂરા આપવાનાં કામચલાઉ ધોરણના કરાર પર પહોંચ્યાના અહેવાલો હતા.

જોકે, આ કરાર અંગે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની મંજૂરી બાકી હોવા છતાં ક્રૂડતેલના ભાવ ઘટતા સોના-ચાંદીમાં સુધારો જોવા મળ્યો હતો. એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું કે અમેરિકાના ફુગાવાના ડેટામાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી નજીકના ભવિષ્યમાં રેટ કટની શક્યતા નબળી પડી હોવાથી સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. આ ઉપરાંત અમેરિકાના જીડીપીમાં ઘટાડો થવાથી રોકાણકારોની ચાંદીમાં વેચવાલી અને ડૉલરમાં લેવાલી રહેતાં ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા.


અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન અમેરિકા-ઈરાન વચ્ચેનાં શાંતિ કરારના અહેવાલોને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલના ભાવની વધઘટ અનુસાર સોના અને ચાંદીના ભાવની વધઘટ જોવા મળશે. તેમ છતાં અમારા મતે વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 4400થી 4600 ડૉલરની રેન્જમાં અને ચાંદીના ભાવ આૈંસદીઠ 72થી 81 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા છે, જ્યારે સોનામાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવની રેન્જ 1,52,000થી 1,60,000ની અને ચાંદીના ભાવની રેન્જ 2,58,000થી 2,85,000 આસપાસની રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન ગત સપ્તાહના અંતે યુદ્ધવિરામ વધુ 60 દિવસ લંબાવવાના નિર્દેશો સાથે ક્રૂડતેલના ભાવ ઘટી આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ 1.5 ટકા વધીને આૈંસદીઠ 4556.84 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.3 ટકા વધીને 4593 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 75.62 ડૉલર આસપાસ ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા.

સપ્તાહના અંતે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઈરાન સાથેના યુદ્ધવિરામને લંબાવવા અંગેના સંભવિત કરાર પર નિર્ણય લેશે, જેમાં હોર્મુઝની સામુદ્રધુની ખોલવા અને તહેરાનની પરમાણું હથિયાર બનાવવાની ક્ષમતાને નાબૂદ કરવાનો સમાવેશ હોવો જરૂરી છે.