નવી દિલ્હીઃ દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં એક પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ સ્થળ પર અફડાતફડીનો માહોલ છે. હાલમાં, પોલીસ ટીમો કાટમાળ સાફ કરવામાં અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવાના કાર્યમાં જોડાઈ ગઈ છે. પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ તેમાં અનેક લોકો નીચે દટાયા હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે પોલીસ દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
ચારથી પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
આ દુર્ઘટના અંગે ફાયર બ્રિગેડ વિભાગને સાંજે આઠ વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી. સૂચના મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ 6 ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં, કાટમાળમાંથી ચારથી પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે, અને ટીમ કાટમાળમાં અન્ય કોઈ વ્યક્તિ ફસાયેલી ન રહે તે માટે કામ કરી રહી છે.
#WATCH | Delhi: Rescue operation is underway after a five storey building collapsed in the Mehrauli police station area. pic.twitter.com/hzQl92FsSp
— ANI (@ANI) May 30, 2026
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કાટમાળ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો હોવાથી સ્થળ પર વધારે ફોર્સ બોલાવવામાં આવી છે. અધિકારીઓની દેખરેખ હેઠળ, મોટી સંખ્યામાં બચાવ કર્મચારીઓ બચાવ કામગીરીમાં લાગેલા છે. અકસ્માત સ્થળે હાલમાં યુદ્ધના ધોરણે શોધખોળ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક રહેવાસીઓની મદદથી, કાટમાળ ઝડપથી સાફ કરવામાં આવી રહ્યો છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા કાટમાળ નીચે કોઈ છે કે નહીં તેની શોધ કરવામાં આવી રહી છે. કાટમાળ નીચે કેટલા લોકો છે તેનો સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.