મુંબઈઃ ગત બાવીસમી મેના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત વધુ 7.511 અબજ ડૉલરના ઘટાડા સાથે 681.384 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 8.094 અબજ ડૉલરના ઘટાડા સાથે 688.894 અબજ ડૉલરના સ્તરે રહી હતી.
ઉલ્લેખનીય બાબત એ છે કે ગત 27મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત વધીને ઐતિહાસિક 728.494 અબજ ડૉલરની ઊંચી સપાટીએ પહોંચી હતી, પરંતુ ત્યાર બાદ 28મી ફેબ્રુઆરીથી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતાં ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને ખાળવા માટે રિઝર્વ બૅન્ક હાજર બજારમાં ડૉલરનું વેચાણ કરી બજારમાં હસ્તક્ષેપ કરી રહી હોવાથી અનામતમાં ઘટાડો થયો હતો. વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની વિદેશી હૂંડિયામણની અનામત જાળવી રાખવા માટે સોના અને ચાંદીની અનાવશ્યક ખરીદી અને બિનજરૂરી વિદેશ પ્રવાસોથી દૂર રહેવા જનતાને અનુરોધ કર્યો હતો.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 2.872 અબજ ડૉલર ઘટીને 543.032 અબજ ડૉલરના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 4.53 અબજ ડૉલર ઘટીને 114.786 અબજ ડૉલર, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 7.7 કરોડ ડૉલર ઘટીને 18.748 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 3.3 કરોડ ડૉલરના ઘટાડા સાથે 4.818 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.