Wed Aug 19 2026

Logo

રવિવારે ગુજરાત ગામ ગજાવશે કે બેંગ્લૂરુ બાજી મારશે?

2026-05-30 21:48:00
Author: Ajay Motiwala
Article Image

અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યાથી મહાજંગઃ 2022ના વિજેતા ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને અમદાવાદમાં એક લાખ-પ્લસ પ્રેક્ષકોમાંથી બહુમતીનો સપોર્ટ હશે, પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન આરસીબીના ચાહકો પણ ઓછા નથી

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) વચ્ચે રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) અમદાવાદમાં આઇપીએલ-2026ની ફાઇનલ (Final) રમાશે જેમાં જીતનારી ટીમે બીજી વખત આ જગવિખ્યાત ટી-20 લીગનું ટાઇટલ જીત્યું કહેવાશે. ગુજરાતે 2022ના ડેબ્યૂ યરમાં જ ચૅમ્પિયનપદ મેળવ્યું હતું, જ્યારે બેંગ્લૂરુએ 2025માં (18 વર્ષ સુધી રાહ જોયા બાદ) પહેલી વખત ટ્રોફી પર કબજો કર્યો હતો.

કાગળ પર બેંગ્લૂરુ સતત બીજી ફાઇનલ જીતવા માટે ફેવરિટ છે, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં રમનારી ગુજરાતની ટીમને હોમ-ક્રાઉડનો વધુ ફાયદો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,32,000 પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે અને આ સવા લાખ-પ્લસ ક્રાઉડમાંથી મોટા ભાગના લોકો ગુજરાતની ફેવરમાં ચિયર-અપ કરશે. જોકે આરસીબીના ડાઇ-હાર્ડ ફૅન્સની સંખ્યા પણ હજારોમાં જ હશે. રજત પાટીદારના સુકાનમાં બેંગ્લૂરુના નીડર ખેલાડીઓ પાસે કોહલી જેવો `વિરાટ' લેજન્ડ છે. બીજું, આ ટીમ આ વખતે ઘણી હાઇ-રિસ્ક મૅચો રમી છે અને જીતી પણ છે એટલે એના ખેલાડીઓ મગજને પૂરું કસીને અનોખી વ્યૂહરચનાઓ સાથે તથા ફુલ્લી ફિટ હાલતમાં અમદાવાદ આવ્યા છે. વિરાટ કોહલી ઉપરાંત દેવદત્ત પડિક્કલ, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ, ખુદ કૅપ્ટન પાટીદાર, ફિલ સૉલ્ટ, વેન્કટેશ ઐયર વગેરે પ્લેયર પણ મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમવા સક્ષમ છે.

રજત પાટીદાર આરસીબીના લેજન્ડ બે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસી જેવો તો કૅપ્ટન નથી, પણ તે શાંત અભિગમવાળો ટૅલન્ટેડ જરૂર છે. તેની તુલનામાં ગુજરાતનો સુકાની શુભમન ગિલ ઠરેલ મગજવાળો અને શાંત ખરો, પણ તેના ચહેરા પર ક્યારેક ચિંતા જરૂર સ્પષ્ટ દેખાતી હોય છે. જોકે ખાસ કરીને બૅટિંગમાં ખુદ ગિલ તેમ જ સાઇ સુદર્શન અને જૉસ બટલર ફરી એક વાર સફળ થશે તો બેંગ્લૂરુનું આવી જ  બનશે. શુક્રવારે રાજસ્થાને આપેલા 215 રનના પડકારરૂપ લક્ષ્યાંકને ગુજરાતે ગિલની દમદાર સેન્ચુરી (104 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, પંદર ફોર) અને સતત બીજી મૅચમાં હિટવિકેટનું બ્લન્ડર કરનાર સુદર્શન (58 રન, 32 બૉલ, એક સિક્સર, આઠ ફોર) વચ્ચેની 167 રનની તોતિંગ ભાગીદારીથી આસાન બનાવી દીધો હતો અને છેવટે આઠ બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. ગુજરાતને મિડલ-ઑર્ડરની બૅટિંગ વિશે થોડી ચિંતા છે. ટૉપ-ઑર્ડરની ત્રિપુટી (સુદર્શન, ગિલ, બટલર)એ ખાસ કરીને બેંગ્લૂરુના `સાઇલન્ટ કિલર' ભુવનેશ્વરથી ખાસ ચેતવું પડશે.

ગુજરાત પાસે જે બોલિંગ-આક્રમણ (કૅગિસો રબાડા, સિરાજ, રાશીદ ખાન, હોલ્ડર, ક્રિષ્ના) છે એ બેંગ્લૂરુના સ્ટાર બૅટ્સમેનાને કાબૂમાં રાખવા માટે પૂરતા છે. સિરાજને શુક્રવારે રાજસ્થાન સામેની મૅચમાં ખભામાં દુખાવો થયો હોવાથી રવિવારે તેની ફિટનેસ પર કોચિંગ-સ્ટાફ સતત લક્ષ આપશે.

ગુજરાતની ટીમને વંટોળ નડ્યો

શુક્રવારે રાત્રે રાજસ્થાનને હરાવ્યા બાદ ગુજરાતની ટીમના ખેલાડીઓ તરત જ અમદાવાદની ફ્લાઇટ પકડવા માગતા હતા, પરંતુ ચંડીગઢમાં વંટોળને કારણે તેમનું ત્યાંથી અમદાવાદ માટે રવાના થવાનું વિલંબમાં મુકાયું હતું.

બન્ને ટીમના સંભવિત ખેલાડીઓ

ગુજરાતઃ ગિલ (કૅપ્ટન), બટલર (વિકેટકીપર), સુદર્શન, વૉશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, સાઇ કિશોર, રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને સિરાજ (12મો પ્લેયર).

બેંગ્લૂરુઃ પાટીદાર (કૅપ્ટન), જિતેશ (વિકેટકીપર), વિરાટ, વેન્કટેશ/ફિલ સૉલ્ટ, પડિક્કલ, કૃણાલ, ટિમ ડેવિડ, શેફર્ડ, ભુવનેશ્વર, હૅઝલવૂડ, રસિખ સલામ અને ડફી/સુયશ શર્મા (12મો પ્લેયર)

શું તમે આ જાણો છો?

* 2022ની આઇપીએલમાં ગુજરાત-રાજસ્થાન પ્લે-ઑફની પ્રથમ મૅચ (ક્વૉલિફાયર-વન)માં સામસામે હતા, ગુજરાત એમાં સાત વિકેટે જીતી ગયું હતું અને છેવટે ફાઇનલમાં પણ આ જ બે ટીમ આમનેસામને આવી હતી અને ગુજરાતે ત્યારે પણ સાત વિકેટે વિજય મેળવીને ડેબ્યૂના વર્ષમાં જ ટ્રોફી જીતી લીધી હતી. ત્યારે શુભમન ગિલ વાઇસ-કૅપ્ટન હતો, પણ આ વખતે તે ગુજરાતનો કૅપ્ટન છે. જૉસ બટલર ત્યારે રાજસ્થાનની ટીમમાં હતો, પણ આ વખતે ગુજરાતનો સફળ વિકેટકીપર-બૅટ્સમૅન છે.
* રવિવારની ફાઇનલ અમદાવાદમાં છે. 2025ની પંજાબ સામેની બેંગ્લૂરુની ફાઇનલ અમદાવાદમાં જ રમાઈ હતી. બેંગ્લૂરુ ત્યારે વિજેતા થયું હોવાથી આ વખતની ફાઇનલ નિયમ મુજબ બેંગ્લૂરુમાં યોજવાની હતી, પરંતુ ફરી અમદાવાદમાં રાખવામાં આવી અને એમાંની એક ફાઇનલિસ્ટ ટીમ બેંગ્લૂરુની જ છે.
* ધોની અને રોહિત શર્મા માત્ર બે એવા કૅપ્ટન છે જેઓ બૅક-ટુ-બૅક આઇપીએલ ટાઇટલ જીત્યા છે. રવિવારે રજત પાટીદારને તેમની હરોળમાં આવવાનો મોકો છે.

IPL

બૅટિંગ (ઑરેન્જ કૅપ) અને બોલિંગ (પર્પલ કૅપ)માં કોણ મોખરે છે?

બૅટિંગ
વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન)ઃ 776 રન
શુભમન ગિલ (ગુજરાત)ઃ 722 રન
સાઇ સુદર્શન (ગુજરાત)ઃ 710 રન
હિન્રિક ક્લાસેન (હૈદરાબાદ)ઃ 624 રન
ઇશાન કિશન (હૈદરાબાદ)ઃ 602 રન
વિરાટ કોહલી (બેંગ્લૂરુ)ઃ 600 રન

બોલિંગ
કૅગિસો રબાડા (ગુજરાત)ઃ 28 વિકેટ
ભુવનેશ્વર કુમાર (બેંગ્લૂરુ)ઃ 26 વિકેટ
જોફ્રા આર્ચર (રાજસ્થાન)ઃ 25 વિકેટ
અંશુલ કમ્બોજ (ચેન્નઈ)ઃ 21 વિકેટ
એશાન મલિન્ગા (હૈદરાબાદ)ઃ 20 વિકેટ
રાશીદ ખાન (ગુજરાત)ઃ 19 વિકેટ

ગુજરાત લીગમાં જીતેલું અને બેંગ્લૂરુ ક્વૉલિફાયર-વનમાંઃ રવિવારે નવો હિસાબ

30મી એપ્રિલે અમદાવાદમાં ગુજરાતે બેંગ્લૂરુને 155 રનમાં આઉટ કરીને ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. જોકે મંગળવારે ધરમશાલાની ક્વૉલિફાયર-વનમાં બેંગ્લૂરુએ ગુજરાત સામે 92 રનથી જીતીને સાટું વાળ્યું હતું. હવે રવિવારે બન્ને વચ્ચે આ વખતે નવો હિસાબ થશે. એકંદરે બન્ને ટીમ વચ્ચે કુલ નવ મૅચ રમાઈ છે જેમાંથી પાંચ બેંગ્લૂરુએ અને ચાર ગુજરાતે જીતી છે.

પિચ કેવી છે? કોના વિજયની વધુ સંભાવના

અમદાવાદમાં 30મી એપ્રિલે બેંગ્લૂરુ-ગુજરાત વચ્ચે જે પિચ પર મુકાબલો થયો હતો એ જ પિચ પર રવિવારે તેઓ ફરી ટકરાશે. એ તો ઠીક, પણ બેંગ્લૂરુના ખેલાડીઓ ગયા વર્ષે પંજાબ સામેની ફાઇનલ આ જ પિચ પર રમ્યા હતા એટલે એનાથી વધુ પરિચિત હશે જ. સામાન્ય રીતે અમદાવાદમાં લક્ષ્યાંક ચેઝ કરનારી ટીમ વધુ સફળ થતી હોય છે. અહીં છમાંથી ચાર ફાઇનલમાં ટાર્ગેટ ચેઝ કરનારી ટીમનો વિજય થયો છે.