ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto Zardari) પોતાના અજીબોગરીબ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે ફરી તેમણે ભારતને લઈને એક અત્યંત હાસ્યાસ્પદ દાવો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, વૈશ્વિક બજારમાં 'મેડ ઇન ઇન્ડિયા' (Made in India) ચીજવસ્તુઓની કોઈ માંગ નથી, પરંતુ 'મેડ ઇન પાકિસ્તાન' (Made in Pakistan) પ્રોડક્ટ્સની ભારે ડિમાન્ડ છે. આ હાસ્યાસ્પદ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે પાકિસ્તાનની આર્થિક સ્થિતિને ટાંકીને તેમની જોરદાર ફિરકી લીધી છે.
ભુટ્ટોએ સંરક્ષણ પ્રદર્શનમાં કર્યો મોટો દાવો
બિલાવલ ભુટ્ટોએ આ નિવેદન કરાચીમાં 'શાહરાહ-એ-ભુટ્ટો' ના ઉદ્ઘાટન દરમિયાન આયોજિત ડિફેન્સ એક્સપોર્ટ એક્સ્પોને સંબોધિત કરતી વખતે આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, "પાકિસ્તાનના સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય સ્તરે જબરદસ્ત માંગ છે. વૈશ્વિક બજાર ભારતીય સાધનો અને માલસામાનની સરખામણીમાં 'મેડ ઇન પાકિસ્તાન' સૈન્ય ઉપકરણો અને હથિયારોને વધુ પસંદ કરે છે." તેમણે કરાચીમાં ડિફેન્સ અને સિક્યોરિટી પ્રોડક્ટ્સ માટે એક ખાસ પ્રોડક્શન ઝોન સ્થાપવાની માંગ કરી હતી અને ઈચ્છા વ્યક્ત કરી હતી કે કરાચી શહેર દુનિયાભરમાં સંરક્ષણ ઉપકરણોની નિકાસમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરે.
ભુટ્ટોના આ દાવા પછી ઇન્ટરનેટ પર લોકોએ ઉડાવી મજાક
બિલાવલ ભુટ્ટોના નિવેદન પર સોશિયલ મીડિયામાં લોકો તેમની ફિરકી લઈ રહ્યાં છે. બિલાવલ ભુટ્ટોના આ દાવા પછી ઇન્ટરનેટ પર અનેક મીમ્સ બની રહી છે. સોશિયલ મીડિયામાં લોકો પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યા છે. આર્થિક કટોકટી અને લોનના સહારે જીવતા પાકિસ્તાનના નેતાના આવા નિવેદન પર યુઝર્સે આકરા પ્રહારો કર્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘જે દેશ પોતાના દમ પર એક 100 સીસી મોટરસાઇકલનું એન્જિન પણ બનાવી શકતો નથી, તે ફાઇટર જેટ અને અત્યાધુનિક હથિયારો બનાવવાનો દાવો કરી રહ્યો છે!’, બીજાએ લખ્યું કે, ‘પાકિસ્તાન પાસે માત્ર એક જ વસ્તુ એક્સપોર્ટ કરવાની માસ્ટરી છે અને તે છે 'આતંકવાદ', બાકી આખી દુનિયા જાણે છે કે મેડ ઇન ઇન્ડિયાની તાકાત શું છે’.