Sat May 30 2026

Logo

આયાત નિકાસમાં રૂપિયાના ઉપયોગમાં થઈ રહેલો વધારોઃ રિઝર્વ બૅન્ક

2026-05-30 19:50:54
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ છેલ્લાં થોડાં વર્ષોથી આયાત અને નિકાસના બિલોમાં (ઈન્વોઈસિંગ)માં ભારતીય રૂપિયાનો ઉપયોગ વધી રહ્યો છે, જે દર્શાવે છે કે ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણની પ્રક્રિયા તમામ વેપારી ભાગીદારો માટે પારસ્પરિક ધોરણે ફાયદાકારક રહી છે, એવું રિઝર્વ બૅન્કની આંકડાકીય માહિતી પરથી ફલિત થઈ રહ્યું છે. 

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રિઝર્વ બૅન્ક દ્વારા ચાલુ (કરન્ટ) અને પસંદગીના મૂડીગત્‌‍ ખાતાના વ્યવહારોમાં આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે ભારતીય રૂપિયાની ભૂમિકા વધારવા માટે ઘણાં પગલાં લેવામાં આવ્યાં છે. ગત શુક્રવારે રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે ઈન્વોઈસિંગ અને સેટલમેન્ટ કરન્સી તરીકે ભારતીય રૂપિયાનો વધેલો ઉપયોગ વિનિમય દરના જોખમ સામે રક્ષણ આપે છે, ક્નવર્ટિબલ કરન્સીમાં બહુમૂલી વિદેશી હૂંડિયામણની અનામતની જરૂરિયાત ઘટાડે છે અને અન્ય લાભો પણ પૂરા પાડે છે. વધુમાં આ સંદર્ભમાં સ્થાનિક ચલણનો ઉપયોગ દ્વીપક્ષીય વિનિમય દર બજારોના વિકાસને સરળ બનાવવાની સાથે વિદેશી વિનિમય વ્યવહાર ખર્ચ પણ ઘટાડે છે. 

અત્રે નોંધનીય બાબત એ છે કે ભારતીય રૂપિયા આધારિત ઈન્વોઈસિંગ અને સેટલમેન્ટમાં ગત જુલાઈ, 2022થી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત ઑગસ્ટ,2022થી જુલાઈ, 2022 દરમિયાન આયાત અને નિકાસ ઈન્વોઈસિંગમાં વાર્ષિક સરેરાશ ચક્રવૃદ્ધિ ધોરણે અનુક્રમે 20.9 ટકા અને 12.7 ટકાના દરથી વધારો થયો છે. 

વધુમાં મૂલ્યની દૃષ્ટિએ વર્ષ 2023-24માં ભારતીય રૂપિયાના મૂલ્યમાં આયાત જે રૂ. 1.94 લાખ કરોડ હતી તે વર્ષ 2024-25માં વધીને રૂ. 2.60 લાખ કરોડ અને વર્ષ 2025-26માં વધીને રૂ. 2.85 લાખ કરોડના સ્તરે પહોંચી હતી. તે જ પ્રમાણે નિકાસ ઈન્વોઈસિંગનું મૂલ્ય જે વર્ષ 2023-24માં રૂ. 2.87 લાખ કરોડ હતું તે વર્ષ 2024-25માં વધીને રૂ. 3.07 લાખ કરોડ અને વર્ષ 2025-26માં વધીને રૂ. 3.27 લાખ કરોડના સ્તરે રહ્યું હતું. 

વધુમાં ભારતીય રૂપિયામાં આયાતનું સેટલમેન્ટ જે વર્ષ 2023-24માં રૂ. 99,680 કરોડના સ્તરે હતું તે વર્ષ 2024-25માં વધીને રૂ. 1.13 લાખ કરોડના સ્તરે અને વર્ષ 2025-26માં વધીને રૂ. 1.60 લાખ કરોડના સ્તરે રહ્યું હતું, જ્યારે નિકાસનું સેટલમેન્ટ જે વર્ષ 2023-24માં રૂ. 1.75 લાખ કરોડના સ્તરે, વર્ષ 2024-25માં રૂ. 1.67 લાખ કરોડના સ્તરે અને વર્ષ 2025-26માં રૂ. 1.72 લાખ કરોડના સ્તરે રહ્યું હતું.