Sat May 30 2026

Logo

રાબડી દેવીને સરકારી બંગલો ખાલી કરવા સમ્રાટ સરકારનું 15 દિવસનું અલ્ટિમેટમ! નહિતર....

2026-05-30 21:30:41
Author: Devayat Khatana
Article Image

પટણા: બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીને પટણા ખાતેના નિવાસસ્થાને ખાલી કરવાની બાબતે રાજકીય ઘમાસાણ મચી ગયું છે.  બિહાર રાજ્ય સરકાર દ્વારા સરકારી નોટિસ છતાં રાબડી દેવીએ બંગલો ખાલી નહીં કરવાથી ઇનકાર કરી દીધો છે. તેમણે મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીને ફોર્સ બોલાવીને નિવાસસ્થાન ખાલી કરાવવાના ફેંકેલા પડકાર બાદ પોલીસની એક ટીમ રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી હતી. જો કે હવે અહેવાલો મળી રહ્યા છે કે રાબડી દેવીને 15 દિવસમાં બંગલો ખાલી કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 

જો કે બીજી તરફ, આ નિવાસસ્થાન સમ્રાટ સરકારમાં બનેલા પ્રધાન નંદ કિશોર રામને ફાળવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે બિહાર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા તરીકે રાબડી દેવીને 39 હાર્ડિંગ રોડ પરનો સરકારી બંગલો પહેલેથી જ ફાળવી દીધો છે, જો કે તેમ છતાં હજુ સુધી લાલુ પરિવાર ત્યાં સ્થળાંતર થયો નથી.

મળી રહેલી વિગતો અનુસાર, મકાન અને બાંધકામ વિભાગે રાબડી દેવીને નિવાસસ્થાન ખાલી કરવા માટે 15 દિવસની સમયમર્યાદા આપી છે. જો લાલુ પરિવાર આ સમયગાળા દરમિયાન 10 સર્ક્યુલર રોડ નિવાસસ્થાન ખાલી નહીં કરે, તો તેમની સામે વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે  પટણા પોલીસની એક ટીમ આજે રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી હતી. સચિવાલયના SDPO અનુ કુમારી નિવાસસ્થાનની અંદર ગયા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી સાથે વાત કરી હતી. બેઠક દરમિયાન મકાન બાંધકામ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા. 

જો કે બીજી તરફ રાબડી દેવીએ શનિવારે બપોરે એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં બંગલો ખાલી કરશે નહીં. તેમણે કહ્યું, "સમ્રાટ ચૌધરી વધારાની ટુકડીઓ બોલાવી શકે છે, પરંતુ અમે ખાલી કરીશું નહીં." ઉલ્લેખનીય છે કે રાબડી દેવીના પતિ અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલમાં પટનામાં નથી. તેઓ સ્વાસ્થ્ય તપાસ માટે એક દિવસ પહેલા જ સિંગાપોર જવા રવાના થયા હતા.