Sat May 30 2026

Logo

જરૂર પડી તો 'ઓપરેશન સિંદૂર 2.0' પણ થશે! DA પરેડમાં આર્મી ચીફની ગર્જના

2026-05-30 18:09:35
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું છે કે 'ઓપરેશન સિંદૂર' હજુ સમાપ્ત થયું નથી અને વર્તમાન પરિસ્થિતિ માત્ર યુદ્ધવિરામ સમાન છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં જરૂર પડશે તો સેનાની ત્રણેય પાંખો 'ઓપરેશન સિંદૂર 2.0' માટે સંપૂર્ણપણે સજ્જ અને તૈયાર છે. આર્મી ચીફે વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ ઉશ્કેરણીજનક કૃત્યનો ભારત કઈ રીતે જડબાતોડ જવાબ આપે છે તેનો એક નવો બેન્ચમાર્ક (માપદંડ) ઓપરેશન સિંદૂરે પ્રસ્થાપિત કર્યો છે, અને નવા કેડેટ્સે તેમની કારકિર્દીની શરૂઆતથી જ આ માપદંડને જાળવી રાખવો જોઈએ.

આર્મી ચીફ શનિવારે, 30 મેના રોજ પુણેના ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ની 150મી પાસિંગ આઉટ પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ ભવ્ય સમારોહમાં રિવ્યુઇંગ ઓફિસર તરીકે તેમણે 355 કેડેટ ઓફિસર્સની પરેડની સલામી લીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન કેડેટ્સે શાનદાર માર્ચ પાસ્ટ કરી હતી, જ્યારે આકાશમાં Su-30 MKI ફાઈટર જેટ્સ, ચેતક હેલિકોપ્ટર, સારંગ હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમ અને આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમ દ્વારા ફ્લાયપાસ્ટનું ભવ્ય અને રોમાંચક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

નવા અધિકારીઓને સંબોધિત કરતા આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આધુનિક યુદ્ધ પદ્ધતિઓ વિશે મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આધુનિક યુદ્ધ હવે સંપૂર્ણપણે પારદર્શક બની ગયું છે, જેમાં દુશ્મનોની દરેક ગતિવિધિ પર 24 કલાક નજર રાખવામાં આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સૈનિકોની તૈનાતી, ઓપરેશનલ કામગીરીના સચોટ અમલીકરણ અને સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુરક્ષાને લઈને ભવિષ્યમાં અત્યંત સાવધ અને સતર્ક રહેવાની તાતી જરૂરિયાત છે.