ગાંધીનગરઃ વાપીના એક સ્થાનિક મેદાનમાં ખેલાડીઓને તાલીમ લેતા જોઈ ઉત્સુકતાથી શરૂ થયેલી સફર આજે ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ છે. ગુજરાતના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અન્ડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે દસ ઇવેન્ટની આ કઠિન સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો.
રાહુલ એશિયાનો શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બન્યો
આ સિદ્ધિ માત્ર રાહુલ માટે જ નહીં પરંતુ ભારતીય એથ્લેટિક્સ માટે પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રદર્શન સાથે રાહુલ એશિયાનો શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બન્યો છે અને વૈશ્વિક ક્રમમાં પણ ટોચના આઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના રહેવાસી અને 30 વર્ષ પહેલા વલસાડ જિલ્લાનાં વાપીમાં આવી સ્થાયી થઈ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારના પુત્ર રાહુલની આ સફળતા પ્રતિભા, સંકલ્પ અને અથાક પરિશ્રમની પ્રેરણાદાયક ગાથા છે.
હોંગકોંગથી ફોન પર વાત કરતાં રાહુલે જણાવ્યું કે, ‘મારી સમગ્ર સફરમાં મને માર્ગદર્શન અને સહયોગ આપનારા મારા તમામ કોચનો હું આભારી છું. ગુજરાત સરકારે ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ અને તકો પૂરી પાડી છે. હવે મારું સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તે માટે હું સતત મહેનત કરતો રહીશ.”
રાહુલ જાખરનાં કોચે જણાવ્યું કે, રાહુલની સફળતા પાછળ વર્ષોની મહેનત, વૈજ્ઞાનિક તાલીમ, નિષ્ણાત માર્ગદર્શન અને ગુજરાતમાં વિકસતું રમતગમતનું મજબૂત માળખું જવાબદાર છે. રાહુલની સિદ્ધિનું મહત્વ સમજાવતા તેમના એક્સપર્ટ એથ્લેટિક કોચ શિવમ ઉપાધ્યાયે જણાવ્યું કે, ડેકાથલોન એ એથ્લેટિક્સની સૌથી કઠિન સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે, જેમાં ખેલાડીએ 100 મીટર દોડ, લાંબી કૂદ, શોટપુટ, ઊંચી કૂદ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1,500 મીટર દોડ સહિત કુલ દસ ઇવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘રાહુલે 7,185 પોઈન્ટ મેળવી રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન કર્યું છે અને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હવે તે અંડર-20 વર્ગમાં ભારતનો રાષ્ટ્રીય રેકોર્ડ તેના નામે છે’.તાજેતરમાં ધોરણ 11ની પરીક્ષા પાસ કરનાર રાહુલ હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર (HPC) ખાતે તાલીમ લઈ રહ્યો છે, જ્યાં તેમને અદ્યતન કોચિંગનો સહયોગ મળે છે. આ સિદ્ધિ માટે નાયબ મુખ્ય પ્રધાન અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવ્યાં છે.

એક સંયોગ જેણે જીવન બદલી નાખ્યું
રાહુલની એથ્લેટિક્સની સફર એક અણધાર્યા સંયોગથી શરૂ થઈ હતી. થોડાં વર્ષો પહેલાં તે પોતાના પિતા સાથે વાપીમાં સાંજે ફરવા નીકળ્યા હતા ત્યારે તેણે સ્થાનિક મેદાનમાં કેટલાક ખેલાડીઓને તાલીમ લેતા જોયા. ઉત્સુકતાથી તેમણે પૂછ્યું કે તેઓ શું કરી રહ્યા છે. આ પ્રસંગને યાદ કરતાં રાહુલે કહ્યું કે, ‘મેદાનમાં દોડતા લોકોએ મને કહ્યું કે તેઓ સ્પર્ધાઓ માટે તૈયારી કરતા એથ્લેટ્સ છે.
બીજા જ દિવસે હું પણ એ જ મેદાનમાં દોડવા લાગ્યો. કારણ કે મને પણ એથ્લેટ બનવું હતું’. આજે જે કિશોર ક્યારેક મેદાનની બાજુએ ઊભો રહી ખેલાડીઓને જોતો હતો, તે જ એશિયાના વિજેતા મંચ પર ઊભો રહી ભારતીય એથ્લેટિક્સની આશાઓને નવી ઊંચાઈ આપી રહ્યો છે અને ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે.