કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને નેતા અભિષેક બેનર્જી પર અચાનક ઉશ્કેરાયેલી ભીડે હિંસક હુમલો કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલા દરમિયાન તેમના પર ઇંડા ફેંકવામાં આવ્યા અને સાથે મારપીટ કરવામાં આવી હતી અને એટલું જ નહીં, ભીડે તેમના કપડાં પણ ફાડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.
લોકોએ અભિષેક બેનર્જીને ઘેરીને 'ચોર-ચોર'ના નારા લગાવ્યાં
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રાજકીય તણાવ વ્યાપી ગયો છે. સોનારપુરના કમરાબાદ વિસ્તારમાં ટીએમસીના એક સ્થાનિક કાર્યકર્તાના અવસાન બાદ અભિષેક બેનર્જી પીડિત પરિવારને સાંત્વના આપવા તેમના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં ભીડ વધુ હોવાના કારણે તેઓ કાર છોડીને બાઇક પર સવાર થઈને જઈ રહ્યાં હતાં. આ દરમિયાન લોકોએ તેમને ઘેરી લીધા હતા. ભીડે અભિષેક બેનર્જીને ઘેરીને 'ચોર-ચોર'ના જોરદાર નારા લગાવવાનું શરૂ કર્યું હતું.
અભિષેક બેનર્જીને હેલ્મેટ પહેરી ત્યાંથી ભાગવું પડ્યું
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ભીડમાં મહિલાઓને આગળ રાખવામાં આવી હતી, જેમના હાથમાં ઇંડા હતા. ભીડે અભિષેક બેનર્જી સાથે ઝપાઝપી કરી હતી, જેમાં તેમનો કુર્તો ફાટી ગયો હતો. સ્થિતિને બગડતી જોઈને તેમના સુરક્ષાકર્મીઓએ અભિષેક બેનર્જીને પહેલા હેલ્મેટ પહેરાવ્યું હતું અને પછી પોતાનું સુરક્ષા કવચ બનાવી તેમને ભીડમાંથી પગપાળા જ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા અભિષેક બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી પર આ હુમલાનું કાવતરું ઘડવાનો સીધો આક્ષેપ કર્યો છે.
https://t.co/F9eR4TwJv4 પશ્ચિમ બંગાળના સોનારપુરમાં ટીએમસી નેતા અભિષેક બેનર્જી પર હુમલો, લોકોએ ‘ચોર ચોર’ના નારા લગાવ્યા
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) May 30, 2026
અભિષેત બેનર્જીએ ભાજપ પર લગાવ્યો હુમલાનો આરોપ
અભિષેક બેનર્જીએ કહ્યું કે, ‘મારા કપડાં ફાડી નાખવલામાં આવ્યાં, મને મુક્કો મારવામાં આવ્યા, મારી છાતીમાં મુક્કો મારવામાં આવ્યો હતો. વધુમાં કહ્યું કે, તેઓ (ભાજપ) મારા શરીર પર હુમલો કરી શકે છે, પણ મારા વિચારો પર નહીં. હું ઝૂકીશ નહીં; હું ડરીશ નહીં. ભાજપ મને મારી નાખવા માંગે છે. અભિષેક બેનર્જીએ ભાજપ પર આ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.