Wed Jun 10 2026

Logo

ગુજરાતમાં ગરમીથી નહીં મળે રાહત, દેશના 13 રાજ્યોમાં વરસાદની આગાહી

2026-05-09 08:15:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદ/નવી દિલ્હીઃ દેશભરમાં મોસમનો મિજાજ બદલાયો છે. એકબાજુ ઉત્તર-પશ્ચિમ ભારતમાં લોકો ગરમીથી પરેશાન છે, તો બીજી તરફ પૂર્વોત્તર, પૂર્વ અને દક્ષિણના અનેક રાજ્યમાં ભારે વરસાદ, આંધી તથા વીજળીના કડાકા ભડાકાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, જ્યારે તમિલનાડુ, કેરલમ અને પૂર્વોત્તરના રાજ્યમાં ભારે વરસાદ તથા આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં હ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની સંભાવના છે.  જ્યારે દેશના 13 રાજ્યોમાં વરસાદ-આંધીની આગાહી છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની શક્યતા છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. હાલમાં પાકિસ્તાન અને પંજાબ-રાજસ્થાન સરહદે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી પવનોને કારણે ગરમીમાં  વધારો જોવા મળી રહ્યો છે. 

હવામાન વિભાગે 14મી મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે નવમી તારીખે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. 10મી તારીખથી હીટવેવ એલર્ટ વધારે જિલ્લાઓમાં જોવા મળશે. રવિવારે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 11મી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે.

 12મી તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 13મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 13મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે. 14મી તારીખે ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં અને કચ્છમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 13 રાજ્યોમાં વરસાદ-આંધીની આગાહી કરી છે. આ દરમિયાન લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. તેમજ 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.  બે દિવસ સુધી મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. 9 થી 11 મે દરમિયાન તમિલનાડુ, પુડ્ડુચેરી, કેરલમ અને લક્ષદીપમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. કોસ્ટલ કર્ણાટકમાં  છૂટાછવાયા  વરસાદની સંભાવના છે.  આજે અને આવતીકાલે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આસર હજુ પણ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જોવા મળી રહી છે. 10 મેથી નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના વિસ્તારને પ્રભાવિત કરી શકે છે. રાજસ્થાનના જેલસમેરમાં મહત્તમ તાપમાન 45.1 ડિગ્રી નોંધાયું હતું. 

દિલ્હીમાં વરસાદની શક્યતા નથી. પરંતુ લોકોને ગરમીથી રાહત નહીં મળે. 15 થી 20 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાઈ શકે છે. ગઈકાલે બિહારમાં વીજળી પડવાથી અને ભીષણ આંધીના કારણે અલગ અલગ જિલ્લામાં સાત લોકોના મોત થયા હતા. મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.