Sun Sep 06 2026

Logo

અમેરિકામાં રોજગારમાં તેજી: ઈરાન યુદ્ધના આર્થિક સંકટ વચ્ચે પણ 1.15 લાખ નવી નોકરીઓનું સર્જન

Wasington DC   2026-05-08 20:43:35
Author: Mumbai Samachar Team
અમેરિકામાં રોજગારમાં તેજી: ઈરાન યુદ્ધના આર્થિક સંકટ વચ્ચે પણ 1.15 લાખ નવી નોકરીઓનું સર્જન

વોશિંગ્ટનઃ ઇરાન યુદ્ધના આર્થિક ફટકા છતાં અમેરિકન નોકરીદાતાઓએ ગત મહિને ૧૧૫,૦૦૦ નવી નોકરીઓનું સર્જન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અપેક્ષિત ૬૫,૦૦૦ નોકરીઓની સરખામણીએ ભરતી સારી રહી હતી. જો કે માર્ચમાં સર્જાયેલી ૧,૮૫,૦૦૦ નોકરીઓની તુલનામાં આ વખતે ઘટાડો જોવા મળ્યો હતો. બેરોજગારી દર ૪.૩ ટકાના નીચલા સ્તરે રહ્યો હતો.

ઇરાન યુદ્ધને કારણે વૈશ્વિક તેલ સપ્લાઇમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિક્ષેપ ઊભો થયો છે. આ અઠવાડિયે અમેરિકામાં ગેસોલિનના સરેરાશ ભાવ વધીને પ્રતિ ગેલન ૪.૫૦ ડોલરથી વધુ થઇ ગયા છે. પરંતુ આ સંઘર્ષના લીધે અત્યાર સુધી અમેરિકાના રોજગાર બજારને ખાસ નુકસાન પહોંચ્યું નથી.

ગત મહિને હેલ્થકેર સેક્ટરમાં ૩૭,૦૦૦ અને રિટેલ સેક્ટરમાં ૨૨,૦૦૦ નવી નોકરીઓનું સર્જન થયું હતું. જો કે ઉત્પાદકોએ એપ્રિલમાં ૨૦૦૦ નોકરીઓ ઘટાડી હતી અને છેલ્લા એક વર્ષમાં કુલ ૬૬,૦૦૦ નોકરીઓનો ઘટાડો કર્યો હતો. આ ત્યારે બન્યું છે જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેક્ટરીઓમાં નોકરીઓના સર્જન હેતુ અનેક રક્ષણાત્મક નીતિઓ લાગુ કરી હતી.

લેબર ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના પેરોલમાંથી ૧૬,૦૦૦ નોકરીઓનો ઘટાડો થયો છે. ફેક્ટસેટ અનુસાર એપ્રિલમાં બેરોજગારી દર ૪.૩ ટકાના નીચા સ્તરે રહેવાની ધારણા છે. પેરોલ પ્રોસેસર એડીપીના અહેવાલ મુજબ ખાનગી કંપનીઓએ એપ્રિલમાં ૧૦૯,૦૦૦ નવી નોકરીઓનું સર્જન કર્યું છે.

૨૦૨૫ના નિરાશાજનક વર્ષ પછી રોજગાર બજારમાં હવે ધીમે-ધીમે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. આ વર્ષે થોડી પ્રગતિ થઇ છે, પરંતુ તે સતત જળવાઇ રહી નથી. જાન્યુઆરીમાં ૧૬૦,૦૦૦ નવી નોકરીઓ સાથે જબરો વધારો નોંધાયો હતો. જ્યારે માર્ચમાં ૧૮૫,૦૦૦ અને એપ્રિલમાં ૧૧૫,૦૦૦ નોકરીઓનું સર્જન થયું હતું. જ્યારે ફેબ્રુઆરી મહિનો કંપનીઓ દ્વારા ૧૫૬,૦૦૦ નોકરીઓમાં કાપ મૂકાતા ખરાબ રહ્યો હતો.

જો કે અમેરિકામાં નોકરીની ભરતી મામલે હેલ્થકેર સેક્ટરનો દબદબો રહ્યો છે. જે અમેરિકાની વૃદ્ધ વસ્તીને સેવા આપે છે. આ ઉદ્યોગે છેલ્લા એક વર્ષમાં ૪૫૬,૦૦૦ નોકરીઓનું સર્જન કર્યું છે. જ્યારે એપ્રિલમાં પૂર્ણ થયેલા ૧૨ મહિનામાં અન્ય બધી કંપનીઓએ મળીને ૨૦૫,૦૦૦ નોકરીઓનો ઘટાડો કર્યો છે.