પ્રતીક્ષા થાનકી
હજી ટ્રિપના બે-ત્રણ દિવસ જ થયા હતા એટલે નોર્વેમાં થાકવાનો મોકો નહોતો મળ્યો. એ પરિસ્થિતિ એક જ દિવસમાં બદલાવાની હતી. અમે ફોસવાન્ગનથી બર્ગન જવા નીકળવાનાં હતાં. બર્ગનમાં એક રાત રોકાઇને પાર્ટી આગળ ચાલવાની હતી. કોને ખબર હતી કે બર્ગન એવું ગમી જશે કે ત્યાં શાંતિથી રહેવા આવી શકાય એવા વિચારો આવવા લાગ્યા હતા. આમ પણ કોઈ પણ જગ્યાની ઇમ્પ્રેશન કાં તો એવી હોય કે અહીં એકવાર આવ્યાં તો સારૂં થયું પણ પાછાં ન આવીએ તો ચાલે, જ્યારે અમુક જગ્યાએ એવી જમાવટ થઈ જાય કે મન ત્યાં લાંબો સમય માટે રહેવા લલચાઈ જાય.
આમ તો કહેવાય છે કે નોર્વેની ખરી મજા લેવી હોય તો મોટાં શહેરોને સાવ સ્કિપ પણ કરી શકો. તમે કયા ઉદેશ્યથી કોઈ શહેરમાં જાઓ છો તેના પર ત્યાંની ઇમ્પ્રેશન ડિપેન્ડ કરતી હોય છે. અમે તો નોર્વેની બધી બિગ સિટી, ટૂરિસ્ટી પ્રવૃત્તિઓ માટે સજ્જ હતાં.
ફોસવાન્ગનથી સવારમાં ગાડી બર્ગન તરફ જતી હતી ત્યારે માત્ર કુમાર કોફી પીને ગાડી ચલાવી રહૃાો હતો. અમે બાકી બધાં ગાડીમાં નેપ લઈ રહૃાાં હતાં. તે પછી આખો દિવસ સિટી હાઇકમાં વિતાવવાનો હતો. બર્ગન પહોંચ્યાં પછી પહેલાં તો સીધો રહેણાંક વિસ્તાર ચાલુ થયો. અમે પણ સીધાં ગામની મધ્યે કાર પાર્ક કરીને ત્યાંનો સૌથી ખ્યાતનામ પહાડ ચઢવાનાં હતાં.
મજાની વાત એ છે કે પહાડને અડધે સુધી તો રહેણાંક વિસ્તારો જ છે. અને આમ જોવા જાઓ તો સાત પહાડો અને ટેકરીઓ વચ્ચે વસેલા આ શહેરમાં કાં તો તમે પહાડની ઉપર રહેતા હોવ અથવા તળેટીમાં, પહાડને ઇગ્નોર કરવાનું શક્ય ન હતું. જોકે ત્યાંનાં સ્થાનિક ઘરો તરફ માં પહેલું ધ્યાન તો સીધું ઘરોની છત પર ગયું. ઘણાં ઘરોની છત સાવ કાળી હતી. આપણે ત્યાં, ખાસ તો ગુજરાતમાં ઘણાં ઘરોમાં જોયું છે કે લોકો છત પર ગરમી ઓછી થાય તેના માટે સફેદ રંગ કરાવે છે. અહીં એનાથી એકદમ વિપરીત કારણે કાળો રંગ હતો, એટલે જ્યારે જરા પણ તડકો આવે તો તે ગરમી અંદર ટે્રપ થઈ જાય.
તે દિવસે રવિવાર હતો, એટલે અમે જ નહીં, આખું ગામ અને નોર્વેથી બર્ગન આવેલાં બધાં ટૂરિસ્ટ તે જ દિવસે અમારી સાથે ફ્લોયેન નામે આ પહાડ ચઢવાના હોય એટલી ભીડ હતી. અમને માંડ માંડ પાર્કિંગ મળ્યું. પછી અમે ધીમી ગતિએ હાઇક પણ ચાલુ કરી. તડકો નીકળ્યો હતો એટલે મજાથી વાતો ચાલી અને ટોચ ક્યારે આવી ગઈ ખબર પણ ન પડી. ત્યાં એક બકરીની ઝૂંપડી પણ હતી અને બધી તરફ વ્યૂ માટે લોકો ક્યાંક બેન્ચ પર, ક્યાંક જમીન પર બેસીને પિકનિક મનાવી રહૃાાં હતાં.
અમે ત્યાં ચાલાકીથી કાફેમાં એક ટેબલ શોધી લીધું. તે પછી બેસીને આર્યા સાથે ભવિષ્યની વાતો કરી. ખરેખર આજે યંગ જનરેશનનાં ઓપ્શનો સાવ બદલાઈ ગયાં છે. તેમાંય ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે પારંપરિક કોલેજ ડિગ્રીનું ખં મહત્ત્વ પણ બદલાઈ ગયું છે. એવામાં પ્રવાસથી મળતા એજ્યુકેશનની પણ એટલી જ વેલ્યૂ છે એવી વાતો થવા લાગી. અમારા માટે પણ નોર્વે જેટલું બાકીની દુનિયાથી અલગ છે તે એજ્યુકેશનલ જ પુરવાર થઈ રહ્યુ હતું. બર્ગનના એ પહાડ પર તે કાફે અને રેસ્ટોરાં પણ સો વર્ષથી લાંબા સમયથી બેઠું છે.
એે રેસ્ટોરાંથી વધુ પૌરાણિક છે ત્યાંની ટ્રોલની દંતકથાઓ. કહેવાય છે કે ટ્રોલ્સ પહાડો, જંગલો અને ગુફાઓમાં રહે છે. અને જેવી કોઈ માણસની તેના પર નજર પડે તે પથ્થર કે વૃક્ષમાં ફેરવાઇ જાય છે. અડધું વર્ષ અંધારામાં રહીને લોકોની કલ્પના પણ એ જ અંધકારના ડરમાંથી જન્મેલી હોય તેવું લાગતું હતું. તે પહાડથી નીચે આવવામાં થોડો સમય ટ્રોલ ફોરેસ્ટમાં વિતાવ્યો.
નોર્વેમાં જ્યાં પણ જતાં હતાં ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપમાં ટ્રોલ તો દેખાઈ જ જતા હતા. ઝાડના થડમાં કોતરેલાં ટ્રોલનાં સ્ટેચ્યુઝમાં ઘણું વૈવિધ્ય હતું. વળી કેટલાંકને તો સ્થાનિક લોકેોએ જાતે ગુથીને ટોપી, સ્કાર્ફ વગેરે પહેરાવેલું. હજી આખી ટ્રિપમાં ઠેર ઠેર ટ્રોલ તો જોવા મળવાના જ હતા. નોર્વેનું ટ્રોલ સાથેનું એટેચમેન્ટ હજી સમજાતું ન હતું.
આગળ બીજાં ઘણાં સ્થળે ટ્રોલ દર્શન તો થવાનાં જ હતાં, પણ આખું ને આખું જંગલ ટ્રોલની પ્રતિમાઓથી ભરેલું હોય એવું ક્રિયેટિવ દૃશ્ય જોવાની મજા પડી. નીચે આવતાં સુધી 40 મિનિટની વોકમાં દરેક શેપ અને સાઇઝનાં ટ્રોલ જોવા મળ્યાં હતાં. તે પછી એ જ ટ્રોલ દરેક સુવિનિયર શોપ્સમાં દેખાયેલાં.
માઉન્ટ ફ્લોયેનથી નીચે ઊતરીને અમારી નાનકડી પાર્ટી ચાલી ત્યાંની ખ્યાતનામ ફાર્મર્સ માર્કેટ તરફ. ત્યાં પહેલા જ બૂથ પર લોકલ જૅમ ચાખીને ત્યાં કાઉન્ટર પાછળ ઊભેલા છોકરા સાથે જીગરે લાંબો વાર્તાલાપ કર્યો. એ ત્યાં મીડલઇસ્ટથી આવેલો. પાંચેક વર્ષથી હતો. તે ત્યાંની બેસ્ટ જગ્યાએ સ્થાનિક ફૂડ ખાવા જાય તો ક્યાં જાય, એવું બધું તેને પૂછવાનો અર્થ ન હતો, તો પણ પૂછ્યું. તેને બર્ગનમાં ગમે છે કે નહીં, અહીંની રોજબરોજની જિંદગી કેવી છે, બધું તેની પાસે જાણ્યું.
જાણે એ આર્યાને ટ્રાવેલથી કેવું એજ્યુકેશન મળે તેનો લાઇવ ડેમો આપતો હોય તેવું લાગ્યું. તે આખી બજાર મજાની નાની-મોટી ખાણીપીણી અને ઘરવખરીની ચીજોથી ભરેલી હતી. મોટાભાગે તો ટૂરિસ્ટ જ હતાં. ત્યાં કાયમ માટે ભરાતી એક મોટા હોલની એક ફૂડ માર્કેટ પણ હતી જ. એ ફૂડ માર્કેટમાં જીગરના નવા મિત્રએ સજેસ્ટ કરેલી શહેરની બેસ્ટ રેસ્ટોરાં હતી. ત્યાં ખરેખર એવી મજા કરી કે તે પછી નોર્વેમાં જ્યાં પણ જમ્યાં ત્યાં તે દિવસનું ભોજન જરૂર યાદ કર્યું હતું.
હવે બ્રિગેન વિસ્તારમાં ત્યાંનાં ટ્રી હાઉસ અને સ્થાનિક શોપ્સ વચ્ચે લટાર મારવાની હતી. અને નોર્ડનનાં સફેદ અને કાળા ઘરોનાં રસ્તાઓનાં ચિત્રો બનાવવાનાં હતાં. બર્ગન ઘણી સરપ્રાઇસિઝથી ભરેલું હતું.