મિલન ત્રિવેદી
સાહેબ, અત્યારે સૂરજદાદા જે રીતે કોપાયમાન થયા છે ને, એ જોતા લાગે છે કે એમણે ઉપરથી સીધું ગરમી નામના વ્યંજનનું `તપેલું' ઊંધું વાળી દીધું છે.
તાપમાનનો પારો એટલો ઊંચો ગયો છે કે હવે તો પારો પણ પરસેવે રેબઝેબ થઈને થર્મોમીટરમાંથી નીચે ઊતરી જવાની કોશિશ કરે છે.
આ બળબળતી ગરમીમાં માણસના હાલ એવા બેહાલ થયા છે કે અરીસામાં પોતાનું મોઢું જોવે તો એને એમ થાય કે આ હું છું કે મારા આધારકાર્ડનો ફોટો?
આધારકાર્ડના ફોટા વિશે તો એક કહેવત પડી ગઈ છે કે માણસ ગમે તેટલો રૂપાળો હોય, પણ આધારકાર્ડમાં તો એ `વોન્ટેડ ગુનેગાર' જેવો જ લાગે.
પણ અત્યારની આ ગરમીએ તો કમાલ કરી દીધી છે. બપોરે બાર વાગ્યા પછી રસ્તા પર નીકળેલા કોઈ પણ ભદ્ર પુરુષ કે સ્ત્રીનું મોઢું જુઓ, એટલે તેમને એસી રૂમમાં લઈ જઈ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય.
ગરમીને લીધે મોઢા પર જે તેલ, પરસેવો અને ધૂળનું મિશ્રણ થાય છે, પરિણામે તમે ગમે તેટલા મોંઘા ફેસવોશ વાપરતા હોવ, પણ ગરમીના પ્રતાપે તમાં મોઢું એવું થઈ જાય છે કે તમારા પોતાના પત્ની કે સંતાનો પણ બે મિનિટ વિચારમાં પડી જાય કે, `આ ઘરમાં કોણ ઘૂસી આવ્યું?'
ગરમીનું હથિયાર કે દેવાદારોનું વરદાન ગણો તેવી બુકાની બહુ કામની.
પેલા ડાકુઓ ગબ્બરસિંહના જમાનામાં મોઢે રૂમાલ બાંધતા, અત્યારે સજ્જન માણસો સૂરજસિંહથી બચવા બુકાની બાંધે છે. રસ્તા પર નીકળો એટલે લાઈનસર બુકાનીધારીઓ નીકળ્યા હોય, જાણે કોઈ ગુપ્ત મિશન પર જતા હોય! પણ સાહેબ, આ બુકાની પ્રથાનો સૌથી મોટો ફાયદો જો કોઈને થયો હોય, તો એ છે `ગામના દેણદારો'.
જેમણે આખા ગામનું દેણું કરી નાખ્યું છે, જેમના ઘરે ઉઘરાણીવાળા સવાર-સાંજ આંટા મારે છે, એમના માટે આ વૈશાખ મહિનો `અમૃતકાળ' સમાન છે. પહેલાં બિચારો દેવાદાર ગલીએ-ગલીએ સંતાતો ફરતો. કોઈ સામે મળે તો નીચું જોઈ જવું પડતું. પણ હવે? હવે તો વટથી બુકાની બાંધીને ઉઘરાણીવાળાની બાજુમાંથી નીકળી જાય તોય પેલો ઓળખી ન શકે!
દૃશ્ય વિચારો:
ચુનિયાએ પાંચ લાખનું દેણું કર્યું છે. સામેથી જ એમને વ્યાજે પૈસા આપનાર શેઠના કાનમાં સામેથી પૂછ્યું, `કેમ શેઠ, ગરમી બહુ છે ને?' શેઠ બિચારા પરસેવો લૂછતા બોલ્યા, `હા ભાઈ, બહુ છે, પણ તું કોણ?'
ચુનિયો મનમાં હસતા હસતા બોલ્યો, `હું તમારો હિતેચ્છુ!'
આ બુકાનીના પ્રતાપે ગામમાં `ઓળખની કટોકટી' ઊભી થઈ છે. લગ્નમાં જાવ તો વરરાજા સિવાયના બધા બુકાનીમાં હોય, એટલે ખબર જ ન પડે કે ક્નયા પક્ષવાળા કયા અને વર પક્ષવાળા કયા!
હવે કોઈને પૂછવાની જરૂર નથી કે તમે ક્યાંથી આવો છો. જેનું મોઢું વધારે લાલ અને આધારકાર્ડ જેવું હોય, સમજવું કે એ બિચારો બસસ્ટોપ પર અડધો કલાક ઊભો રહીને આવ્યો છે.
ક્રાઈમ રેટમાં ઘટાડો (કદાચ) થાય છે. પોલીસને પણ તકલીફ છે. સીસીટીવી કેમેરામાં બધા `બુકાની બાબા' જ દેખાય. ચોર ચોરી કરીને ભાગે અને પોલીસ પકડે, તો ખબર પડે કે એ તો ગરમીથી બચવા રૂમાલ બાંધીને જતો સીધો-સાદો નાગરિક હતો!
પોલીસ તંત્રને થર્ડ ડિગ્રી અપનાવવા કરતા ખાલી કાનમાં ગુનેગારને એટલું કહેવાનું કે `ગુનો કબુલ કરે છે કે બપોરે ત્રણ વાગે પબ્લિક ગાર્ડનમાં લઈ જઈ અને લપસિયા ખવડાવવું?' નાના મોટા ગુનેગારો તો તરત ગુનો કબૂલી લે.
બહેનોનો હજારો રૂપિયાનો મેકઅપ ગરમીના બે મિનિટના સ્પેલમાં `પીગળી'ને ગળા સુધી આવી જાય છે. છેલ્લે લુક તો પેલો આધારકાર્ડ વાળો જ મળે!
ગરમી તો પડવાની જ અને સૂરજદાદા એનું કામ કરવાના જ. પણ આ ગરમીમાં જો તમારી પાસે દેણું હોય, તો બુકાની બાંધીને ફરવાનો આનંદ કંઈક અલગ જ છે. બસ, એટલું ધ્યાન રાખજો કે બુકાની ખોલો ત્યારે મોઢું ધોઈ નાખજો, નહીંતર ઘરના કૂતરા પણ ભસવા માંડશે કે આ `આધારકાર્ડ' જેવું પ્રાણી ક્યાંથી આવ્યું?
બાકી તો, ઠંડુ પાણી પીવો, બુકાની બાંધો અને મસ્ત રહો.
વિચારવાયુ
ગરમીમાં આખેઆખો માણસ ઓગળી જાય સિવાય ફાંદ