ન્યુ યોર્ક: યુએસની અદાલતો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક પછી એક ઝટકા આપી રહી છે. ગુરુવારે એક ફેડરલ ટ્રેડ કોર્ટે ટેરિફ પોલિસી અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પને એક ઝટકો આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો કે ટ્રમ્પ વહીવટીતંત્રએ લાગુ કરેલો કામચલાઉ 10% વૈશ્વિક ટેરિફ ફેડરલ કાયદા હેઠળ વાજબી નથી.
ન્યૂ યોર્કમાં આવેલી યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડના ત્રણ ન્યાયાધીશોની પેનલે 2-1ની બહુમતીથી ચુકાદો આપ્યો. બેન્ચે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સત્તાનો ટ્રમ્પે મયદા બહાર ઉપયોગ કર્યો છે. કોર્ટે કહ્યું કે ટેરિફ અમાન્ય છે અને કાયદા મુજબ અધિકૃત નથી.
ચુકાદામાં આ બબત અસ્પષ્ટ:
જોકે કોર્ટે યુએસ ભરમાં ટેરિફ રદ કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટનો નિર્ણય આ કેસમાં સામેલ ત્રણ વાદીઓને વોશિંગ્ટન રાજ્ય, મસાલા કંપની બરલેપ એન્ડ બેરલ, અને રમકડા બનાવતી કંપની બેઝિક ફન માટે જ લાગુ પડે છે.
બંને કંપનીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા જેફરી શ્વાબએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશમાં એ સ્પષ્ટ નથી કે જે કંપનીઓ મુકદ્દમામાં સામેલ નથી તેમણે હજુ પણ ટેરિફ ચૂકવવા પડશે કે કેમ.
અગાઉ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ઝટકો:
ફેબ્રુઆરીમાં યુએસ સુપ્રીમ કોર્ટે અગાઉના ટેરિફ રીજાઈમને રદ કર્યું હતું, ત્યાર બાદ ટ્રમ્પ વહીવટીતંત્રએ કામચલાઉ 10% વિશ્વવ્યાપી ટેરિફ લાદ્યો હતો, આ ટેરીફ ટેરિફ 24 જુલાઈ સુધી અમલમાં રહેવાનો છે. આ કેસ આ ટેરીફ સામે હતો.
ગયા વર્ષે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લગભગ દરેક દેશથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ લાદવામાં આવ્યો હતો. અગાઉ યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા મોટા ભાગના ટેરિફ રદ કર્યા હતાં.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત પર પણ ભારે ટેરીફ લાદવામાં આવ્યો હતો. ભારત પર 25 ટકા ટેરીફ ઉપરાંત રશિયન ક્રૂડ ઓઇલની સતત આયાતના દંડ બદલ 25 ટકા વધારાનો પેનલ્ટી ટેરિફ લાદવામાં આવ્યો હતો. ભારત-અમેરિકા વચ્ચેની વચગાળાની વેપાર સમજુતી હેઠળ અસરકારક ટેરિફ દર ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો હતો.
યુએસ સુપ્રીમ કોર્ટે ટેરીફને રદ કરવાનો આદેશ આપ્યો હતો.