ટીના દોશી
અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઇને અનંગ મુસ્કુરાયો. હાય હેન્ડસમ. પોતે ફૂટડો ને સોહામણો છે એમાં તો કોઈ મીનમેખ નથી. અરીસાને હાથ હોત તો માની જેમ જ કાજળનું ટપકું પોતાના જમણા કાનની પાછળ લગાવી દીધું હોત. આમેય પોતે નજરાઈ જાય એવો મીઠડો છે જ એમાં બેમત નથી. અને હોય કેમ નહીં ! અનંગનો અર્થ કામદેવ થાય છે. એમ તો મદનનો અર્થ પણ કામદેવ થાય. પણ મારા ખૂબસૂરત ચહેરા પર તો અનંગ નામ જ શોભે છે. થેન્ક યુ ફૈબા. તમારા ચરણોમાં વંદન. તમને મારા લાખ લાખ પ્રણામ. મારૂં નામ મદન નહીં ને અનંગ રાખવા બદલ. હું અનંગ કામદેવ જ છું ને. પ્રેમનો દેવતા કામદેવ.. અરીસાએ પણ અનંગના સૂરમાં સૂર પુરાવ્યો : કામદેવ જૈસી તેરી સૂરતિયા...!
અનંગ આઠમા ધોરણમાં ભણતો'તો ત્યારે પહેલી વાર કામદેવનું નામ એને કાને પડેલું. પાડોશી સુલોચનામાસીએ અનંગની મા વસુધાને કહેલું કે, `આ તમારો દીકરો તો કામદેવનું રૂપ લઈને અવતર્યો છે. જોજો કોઈની નજર ન લાગી જાય.' ને માએ અનંગના કાન પાછળ કાળું ટીલું કરી દીધેલું. એ વખતે અનંગે ઝાઝું ધ્યાન નહોતું આપ્યું, પણ પછી કોલેજ સુધી પહોંચતાં તો એણે વારંવાર નોંધેલું કે ક્નયાઓ એના પર મોહી પડે છે. કોઈ ને કોઈ બહાને એની આસપાસ ચકરાવો લે છે.
ફૂલ પર ભ્રમર મંડરાતા તો જોયા હશે, પણ આ તો ભમરા પર પુષ્પ મંડરાઈ રહેલાં. અનંગ પોતે પણ પોતાના રૂપ અંગે સભાન થયો. આયનામાં પોતાની ખૂબસૂરતી જોઈને પોતે જ પોતાના પર ફિદા થઇ ગયેલો. એકાએક એને કામદેવનું સ્મરણ થયેલું. એણે લાઇબ્રેરીમાં જઈને, પુસ્તકો ફંફોસીને કામદેવ વિશે વાંચવાનું શરૂ કર્યું.
કેવું અદભુત વર્ણન કરાયેલું કામદેવનું... પ્રેમનો દેવ. સોનેરી પાંખોવાળો આકર્ષક યુવાન. હાથમાં ધનુષ ને બાણ. મકર રાશિના પ્રતીકવાળા લાલ ધ્વજ સાથે પોપટરથ પર ફરતો તો ક્યાંક વળી હાથી પર ભ્રમણ કરતો કામદેવ. વાળ વાદળી ને વાંકડિયા. વિશાળ છાતી.આંખો, ચહેરા ને નખમાં લાલિમા. દેહમાંથી પ્રસરતી બકુલની સુવાસ, હાથમાં પુષ્પોનું ધનુષ્ય. મધમાખીઓથી બનેલી ધનુષ્યની પ્રત્યંચા. પાંચ પ્રકારના સુગંધી પુષ્પ અશોક, સફેદ કમળ, વાદળી કમળ, મલ્લિકા અને આમ્રમંજરીનાં બનેલાં તીર.
પોતાને કામદેવના સ્થાને મૂકીને અનંગ આગળ વાંચવા લાગ્યો. કામદેવના પાંચ બાણની ખાસિયતો અને વિશેષતાઓ છે. સાપની શક્તિનો મહિમા કરતું સર્પશક્તિ બાણ, મનુષ્યના મનને મોહી લેતું મોહન બાણ, તલની કુદરતી શક્તિની ઉજવણી કરતું તિલોચ્પાંડન બાણ, મનુષ્યને મારવા માટેનું મારણ બાણ અને મનુષ્યમાં પ્રેમભાવ અને આકર્ષણ ઉત્પન્ન કરતું અનંગવિકરણ બાણ.
અનંગને તો ખાતરી થઇ ગયેલી કે પોતે કામદેવ જેવો જ હતો, પણ પાંચ બાણની એને જરૂર નહોતી. એનું કામ તો માત્ર અનંગવિકરણ બાણથી ચાલી જાય એમ હતું. મનુષ્યમાં પ્રેમભાવ ને આકર્ષણ ઉત્પન્ન કરતું અનંગવિકરણ બાણ. ને એણે અનેક મનુષ્યોમાં નહીં, માત્ર રતિમાં પ્રેમભાવ ઉત્પન્ન કરવાનો હતો. કેવી સોહામણી હતી રતિ.
કંચનવર્ણી કામિની ને કંકુવરણા હાથ, આરસબીબું બનાવિયું નવરો દીનાનાથ... રૂપની પૂતળી એવી રતિ અનંગની મિત્ર હતી જ. એક જ પગલું આગળ માંડવાનું હતું. પોતાના તરફથી પહેલ થાય એની જ કદાચ રતિ રાહ જોઈ રહેલી. પોતે અનંગ કામદેવ જ તો હતો. એણે પહેલ કરી દીધી. અનંગવિકરણ બાણ ચલાવ્યું ને રતિ પ્રેમબાણથી ઘાયલ થઇ ગઈ. શીરી-ફરહાદ ને સોહની-મહિવાલ તો ઠીક મારા ભૈ. જોડી તો રતિ ને કામદેવની જ શોભે. બેયની જોડી માનસરોવરના હંસલા જેવી શોભવા લાગી. અનંગને આંગણે તો રતિ જ શોભે!
પણ વિધિના લેખમાં કોણ મેખ મારી શકે છે ! અનંગ ઘરમાં રતિ અંગે જણાવી શકે એ પહેલાં તો માયા રૂમઝૂમ પગલે આવીને એનું આંગણું શોભાવવા લાગી. હાથે ચૂડી હેમની ને કાંબી કડલાં જોડ. સોનાસરીખા રંગની હાલે મોટા મોર. ઠેસે ઠણકારો કરે મલપતી ચાલ મરોડ... રતિ સુંદર હતી, તો માયા કાંઈ અસુંદર નહોતી. રતિ રૂપવાન હતી, તો માયા પણ સ્વરૂપવાન હતી. એનું સૌંદર્ય રતિથી જ્યાદા નહીં, તો રતિથી કમ પણ નહોતું. પિત્તળ સરખી પિંડીયું ને હિંગોળ સરખા હાથ નવરો દીનાનાથ તે દી' પંડ્ય બનાવી પૂતળી..
આરસની પૂતળી જેવી માયાએ ઘરમાં સૌનું મનડું મોહી લીધેલું, પણ અનંગ એની સામે જોવાનું પણ ટાળતો.એ એની નજીક પણ ન જતો કે ન માયાને પોતાની પાસે ફરકવા દેતો. માયાએ એકાદબે વાર એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી જોયેલો, પણ અનંગે એને હડધૂત કરી દીધેલી. અનંગની પોતાના ભણીની અવહેલના ભણી આંખ આડા કાન કરીને માયાએ ઘરની બધી જ જવાબદારીઓ હસતે મુખે સ્વીકારી લીધેલી.
અનંગ તરફથી થતી ઉપેક્ષા અંગે માયાએ પોતાનું મોં સીવી દીધેલું. એના મુખડા પર સ્મિત મઢેલું રહેતું. અનંગ વિશે ન એ કાંઈ બોલતી, ન કોઈ અનંગ વિરુદ્ધ બોલે તો એ સાંભળતી. અનંગને આ બધું જોઇને નવી લાગતી. એ તો એવું માની બેઠેલો કે પોતે માયાની અવગણના કરતો રહેશે તો એ કંટાળીને પોતાને પિયર જતી રહેશે. ને પોતાનો ને રતિનો માર્ગ મોકળો થઇ જશે. માયાના ગયા પછી પોતે રતિ સાથે પરણીને સુખેથી સંસાર વસાવશે.
પણ એવું કાંઈ થયું નહીં. માયાને તો જાણે કોઈ ફરક જ નહોતો પડતો. જાણે કાંઈ બન્યું જ નથી એવી નિસ્પૃહતાથી એ રહેતી. ને પાછી ખુશીથી રહેતી. એનું મોં ક્યારેય કટાણું થતું નહોતું. ન તો વ્યથાની વાદળી એના ચહેરા પર દેખાતી. અનંગે ત્રાંસી આંખે ઘણી વાર જોયેલું કે માયા ઘરના તમામ સભ્યો સાથે હળીમળી ગયેલી. સહુ હસીહસીને માયા સાથે ટોળટપ્પાં કરતાં. માયાને ફરતે ઘૂમ્યા કરતાં. જાણે માયા વગર અનંગના ઘરની ધરી સ્થિર થઇ જવાની હોય !
અનંગને ક્યારેક એવું લાગતું કે એના અસ્તિત્વની તો કોઈ નોંધ જ લેતું નહોતું. જાણે એ હતો જ નહીં. એને ખબર પણ ન પડી કે ક્યારે એ માયાની છૂપી ઈર્ષ્યા કરવા માંડેલો. એક વાર તો અભાનપણે એ માયાને તાકી રહેલો. અનંગને લાગ્યું કે માયા પોતાને ગમવા તો નથી માંડીને. ના, ના એ શક્ય જ નથી. રતિ પોતાના જીવનમાં ન આવી હોત તો કદાચ માયાને સ્વીકારી લીધી હોત. અરે..આ શું વિચારી રહ્યો છું.. રતિ સાથે છળ કરી રહ્યો છું કે શું.. ના, ના.. મેં ને રતિએ તો સાથે જીવવા મરવાના સોગંદ લીધા છે. ભલે દુનિયા ઊંધીચત્તી થઇ જાય, પોતે રતિનો છે ને રતિનો જ રહેશે.
અનંગે ક્યાંક વાંચેલું કે રતિનું બીજું નામ માયા છે. તો શું થયું ? માયા રતિ તો નથી જ ને. પોતે રતિને ચાહે છે, માયાને નહીં. અનંગે માથું ઝાટકીને મગજમાંથી ખોટા વિચારો ખંખેરી નાખ્યા. મને માયાની મોહમાયા નથી. મને તો રતિની જ માયા છે ને રતિનો જ મોહ છે. અનંગે વિચાર્યું, પોતે એકપત્નીવ્રતા. ના, ના, પત્ની તો માયા છે. પોતે એકપત્નીવ્રતા નહીં, પણ એક પ્રિયતમાવ્રતા જરૂર છે. ને પ્રિયતમાને પોતાની પત્ની બનાવીને જ જંપશે. પણ કેવી રીતે ? માયા છે ત્યાં સુધી રતિ સાથે પરણવાનું શક્ય નહોતું. જો માયા ન હોય તો...
માયા ન હોય તો રતિ પોતાની ને પોતે રતિનો થઇ જાય. અનંગના વિચારો એક જ બિંદુ પર સ્થિર થઇ ગયા. માયા ઘર છોડીને ચાલી જાય એ શ્રેષ્ઠ રાહ હતી પોતાની ને રતિના એક થવા માટેની. પણ જો માયા ઘરમાં જ રહેવાની હોય તો પોતે બીજું કાંઈક વિચારવું પડશે. અને અનંગનો વિચારપ્રવાહ શરૂ થયો. અચાનક કામદેવનાં પાંચ તીર યાદ આવ્યાં એને. સર્પશક્તિ બાણ, મોહનબાણ, તિલોચ્પાંડન બાણ, મારણ બાણ અને અનંગવિકરણ બાણ.
રતિના મનમાં પોતાના પ્રત્યે પ્રેમભાવ ને આકર્ષણ ઉત્પન્ન કરવા માટે અનંગે અનંગવિકરણ બાણનો જ ઉપયોગ કરેલો. અન્ય ચાર બાણમાંથી સર્પશક્તિ, મોહન અને તિલોચ્પાંડનનું કોઈ કામ નહોતું. બાકી રહ્યું મારણ બાણ. મનુષ્યને મારવા માટેનું મારણ બાણ. અનંગે નિશ્ચય કરી લીધો, માયા ઘર છોડીને ન જવાની હોય તો એણે દુનિયા છોડીને જવું પડશે... મારણ બાણથી માયાનું મારણ કરવું જ રહ્યું.અનંગ રતિને મળ્યો. પોતાની યોજના સમજાવી. રતિ પણ સંમત થઇ. બે મટીને એક થવા માટેનો હવે એ જ એક રસ્તો છે ને એ જ એક વિકલ્પ પણ છે.. અનંગ અને રતિએ મળીને માયાનું મારણ કરવાનું કાવતરું ઘડી કાઢ્યું.
કાવતરાની પહેલી કડીમાં અનંગે પ્રયત્નપૂર્વક માયા પ્રત્યેનું વર્તન, વાણી ને વ્યવહાર બદલી નાખ્યાં. માયાની ઉપેક્ષા કરવાનું સદંતર બંધ કરી દીધું. માયાએ પણ પોતાનામાં આવેલો ફેરફાર નોંધ્યો હોવાનું અનંગે અનુભવ્યું. એણે થોડો સમય જવા દીધો. હજુ માયા સાથે ખપપૂરતા બેચારથી વધુ શબ્દની આપલે થઇ નહોતી. છતાં અનંગને સતત એવું લાગ્યા કરતું કે માયા પોતાની એક મીઠી નજર માટે તરસતી રહેતી.
કંઈક વાત કરવા માટે એના હોઠ ફફડતા રહેતા. પણ લજ્જાને કારણે એ કાંઈ બોલી ન શકતી. માયા કોઈ ને કોઈ બહાને અનંગની આસપાસ ઘૂમ્યા કરતી. એની અંગૂઠીનો ચળકાટ, એની બિંદીયાનો ચમકાર, એની ચૂડીઓનો રણકાર, એની કટિમેખલાની ઘૂઘરીઓનો ખણકાર, એની પાયલનો ઝણકાર...માયાનાં આભૂષણોનો ખણખણાટ થયા કરતો. ને એનો મધુર ધ્વનિ અનંગના કાનમાં ગુંજ્યા કરતો.
અનંગને લાગ્યું કે પોતાનું તીર નિશાન વીંધી રહ્યું છે. એ એક ડગલું આગળ વધ્યો. માયાના હાથની લીલી ચા ને ફુદીનો નાખેલી ચા જ પીવાનું શરૂ કર્યું અનંગે. માયાએ રાંધેલું ભોજન જ ખાતો. માયા પણ અનંગને ભાવતું ભોજન જ બનાવતી. ક્યારેક કાઠિયાવાડી, ક્યારેક ગુજરાતી ભાણું, ક્યારેક સાઉથ ઇન્ડિયન, ક્યારેક ઇટાલિયન, ક્યારેક પંજાબી, તો ક્યારેક ચાઇનીઝ...અનંગ વિવિધ પ્રકારનું ખાણું ખાઈને નેત્રસંકેતથી માયાની પ્રશંસા કરતો.
ઘરના લોકો પણ કહેવા લાગેલા કે, માયાની રસોઈ સ્વાદિષ્ટ જ બનતી, પણ કોણ જાણે કેમ પણ હવે રસોઈનો સ્વાદ ઓર વધી ગયો છે. માયા મીઠું મલકી લેતી ને તીરછી નજરે અનંગ સામે જોઈ લેતી. કેમ કે રસોઈનો સ્વાદ વધી જવાનું કારણ એ બે જ તો જાણતા'તા.
દરમિયાન, અનંગ ને માયા વચ્ચેના સંબંધમાં વધુ એક નોંધપાત્ર ફેરફાર થયેલો. બન્ને વચ્ચે વાતચીતનો વ્યવહાર શરૂ થઇ ગયેલો. અલકમલકની વાતો થવા લાગેલી. ક્યારેક કોઈ વિષય પર નાનકડો સંવાદ પણ થતો. ક્યારેક રોજબરોજની ઘટનાઓ અંગે, ઈતિહાસ અંગે, સમાજકારણ અંગે કે ક્યારેક રાજકારણ અંગે...અનંગ ને માયાને ખબર પણ ન પડી કે ને બન્ને આપસમાં હસીમજાક પણ કરવા લાગ્યાં. અભિનયમાં એક્કો અનંગ માયા સાથેનો સંબંધ સુધારતો રહ્યો. ક્યારેક માયાને શોપિંગ કરાવવા લઇ જતો, ક્યારેક લોંગ ડ્રાઈવ પર તો ક્યારેક ફિલ્મ જોવા ને કો'ક દિ' રેસ્ટોરાંમાં લંચ કે ડિનર માટે.
અનંગનું કાવતરું રંગ જમાવી રહેલું. જીવ રેડી દીધેલો એણે પોતે ઘડેલી ખતરનાક યોજનાને સાકાર કરવા માટે. એથી અનંગ અને માયા વચ્ચે દોસ્તી થઇ ગયેલી. હવે અનંગે કાવતરાની બીજી કડી અમલમાં મૂકી. અવાજમાં મીઠાશ ઘોળીને માયાને કહ્યું : `આપણે થોડા દિવસ ક્યાંક બહાર ફરવા જઈએ તો ?'
`કોઈ પહાડી પર જઈએ તો...' માયા શરમાઈને નીચું જોઈ ગઈ.
`હા, હા...કેમ નહીં ?' અનંગે સૂચન વધાવી લીધું ને બબડ્યો, પહાડી પર જઈએ કે ખીણમાં, મારે તો તારું મારણ જ કરવાનું છે. મારણ કરવું જ છે તો તારી અંતિમ ઈચ્છા તો પૂરી કરવી જ જોઈએ.પછી પ્રગટપણે બોલ્યો : `મારા એક મિત્રનો બંગલો છે પહાડી પર. આપણે ત્યાં જ જઈશું.'
એ બંગલો રતિનો હતો. પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને અનંગે આ સ્થળની પસંદગી કરેલી. આ બંગલાની આસપાસ બે-ત્રણ કિલોમીટર સુધી વસ્તીનું નામોનિશાન નહોતું. મારણ બાણથી માયાનું મારણ કર્યા પછી મહિનાઓ સુધી કોઈને પોતાના કૃત્યની ગંધ સુધ્ધાં આવે એમ નહોતું. અને જયારે લોકોને માયાના મૃત્યુ અંગે ખબર પડશે ત્યાં સુધી તો પોતાના સુધી દોરી લાવતાં તમામ પગેરાં ભૂંસાઈ જશે. ને પોતે રતિ સાથે પરણીને આંબાની ડાળે ને સરોવરની પાળે લીલાલહેર કરશે... કાવતરું ફૂલપ્રૂફ છે. કોઈ ડર નથી પકડાઈ જવાનો. કરો કંકુના.
બે દિવસ પછી અનંગ ને માયા રમણીય હિલ સ્ટેશન જવા ઉપડ્યાં. બપોર ઢળતાં સુધી પહાડી પર પહોંચી ગયાં. ઊંચી પહાડી પરની હરિયાળી વચ્ચે આવેલા રતિના એકદંડિયા બંગલામાં અનંગ અને માયાએ ડેરો જમાવ્યો. સુસ્તી ને થકાવટને કારણે સાથે લાવેલો નાસ્તો ખાઈ લઈને બન્ને આરામ કરવા આડે પડખે થયાં. સાંજના લગભગ સાડા પાંચે અનંગે માયાને જગાડી કહ્યું : `અહીંથી થોડે દૂર જ સનસેટ પોઈન્ટ છે. કહેવાય છે કે ત્યાંથી સૂર્યાસ્ત જોવાનો આનંદ અનેરો હોય છે. તારી ઈચ્છા હોય તો આપણે જઈએ.'
`હા, હા...' માયા સફાળી બેઠી થઇ ગઈ : `મને તો સૂર્યાસ્ત જોવો બહુ ગમે. હું હમણાં જ તૈયાર થઈ જાઉં છું.' માયા તૈયાર થવા ગઈ એટલે અનંગ ગણગણ્યો, અસ્ત તો થવાનો છે, પણ સૂર્યનો નહીં, તારા જીવનનો. સૂર્યનો કાલે ફરી ઉદય થશે, પણ તારો ઉદય હવે ક્યારેય નહીં થાય..ક્યારેય..
એટલામાં માયા આવી ને અનંગની વિચારધારા થંભી ગઈ. બન્ને ચાલતાં જ નીકળી પડ્યાં સનસેટ પોઈન્ટ ભણી. રસ્તો ઝાઝો ખડકાળ નહોતો. સનસેટ પોઈન્ટ આવવામાં જ હતું. થોડી જ વારમાં ઊંધી થાળી.. ના, ના.. મોટો થાળ ઊંધો મૂક્યો હોય એવી સપાટ છતાં ખરબચડી પહાડી પર બન્ને પહોંચી ગયાં. સંપૂર્ણપણે સપાટ પહાડી પર એક વૃક્ષ ઊભેલું. એ સિવાય ક્યાંય ઝાડીઝાંખરાં કે છોડવાં પણ નહોતાં. જોકે સમતોલ જણાતી પહાડી પર આગળ વધતાં જઈએ એમ ખીણ તરફ જતો રસ્તો ખતરનાક ઢાળમાં પરિવર્તિત થઇ રહેલો. માયા ફફડીને બોલી પણ ખરી : `આ તો જીવલેણ પહાડી છે. જરાક પગ લપસે તો સીધા જ ખાઈમાં પડીએ. પહેલાં નીચે જઈએ ને પછી સીધા ઉપર..!'
`પણ તું શું કામ ચિંતા કરે છે.. હું છું ને તારી સાથે.' અનંગ મોં પરથી કળી ન શકાય એવી કુટિલતાથી બોલ્યો. પછી સેલફોનનો કેમેરા ઓન કરીને કહ્યું : `માયા, અત્યારે તું એટલી સુંદર દેખાય છે. મન થાય છે તારો ફોટો પાડી લઉં.'
માયાએ પોઝ આપ્યો. પણ અનંગ કહેવા લાગ્યો: `થોડી પાછળ જા. થોડી પાછી જઈશ તો સૂર્યાસ્ત બહુ સારી રીતે ઝીલાશે. પીળોકેસરી સૂર્ય ને એની લાલિમા અદ્ભુત જણાય છે. હજુ થોડી પાછળ...ના, હજુ ચાર પગલાં પાછળ.' અનંગ કહેતો રહ્યો ને છેક પહાડીની ધારે પહોંચી ગયેલી માયાને ચક્કર આવ્યા હોય એમ પેલા એકલાઅટૂલા વૃક્ષને ટેકો દઈને કાંપતા સ્વરે બોલી ઊઠી : `ના, હવે મને બીક લાગે છે. હજુ પાછળ જઈશ તો સીધી ખીણમાં જ પડીશ.'
`અરે, નહીં પડે...' અનંગ ખુન્નસમાં હોઠ પીસતો માયા તરફ ધસી ગયો. તારો પગ નહીં લપસે તો હું તને ધક્કો મારીશ એમ વિચારતો કાવતરાની ત્રીજી ને અંતિમ કડી અમલમાં મૂકવા અનંગ આગળ વધ્યો. માયાની સાવ સમીપે પહોંચ્યો. જોયું કે પોતાના તરફ મોં કરીને ઊભેલી માયાને એક જ ધક્કો મારવાથી એ ખીણમાં ગબડી પડશે. ન કોઈ સાક્ષી ન સબૂત. અનંગે માયાને ધક્કો મારવા જમણો હાથ ઊંચો કર્યો કે જાણે ચમત્કાર થયો હોય એમ પેલા વૃક્ષ પાછળથી એક ઓળો ફૂટી નીકળ્યો. એ જ ક્ષણે માયા વીજળીવેગે ઊંધી ફરી ને પેલા ઓળા સાથે મળીને અનંગને જોરથી ધક્કો મારી દીધો. અનંગ સીધો નીચે ને પછી સીધો ઉપર પહોંચી ગયો.
માયા પેલા ઓળાની હથેળીમાં તાળી દઈને બોલી: `આપણું કાવતરું તો પાર પડ્યું, મદન... મારણ બાણે અનંગનું મારણ કરી લીધું. ન કોઈ સાક્ષી ન સબૂત. હું તો રોકડ ને ઘરેણાં લઈને જ આવી છું. આપણે અહીંથી જ નાસી છૂટીએ. હવે તો બસ, તું ને હું. તું મદન કામદેવ ને હું માયા રતિ. આપણી જોડી તો જામશે. કામદેવને આંગણે શોભતી રતિની જેમ મદનને આંગણે માયા જ શોભશે !
આવતા અઠવાડિયે નવી કથા