Sat May 09 2026

Logo

'દાદી કી શાદી' મૂવી રિવ્યૂ: નીતુ કપૂરનો બિન્દાસ અંદાજ અને રિદ્ધિમાનું ડેબ્યૂ, શું ફિલ્મ જીતી શકશે પ્રેક્ષકોના દિલ?

2026-05-09 10:11:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં બોક્સ ઓફિસ પર દર અઠવાડિયે નવી નવી ફિલ્મો રીલિઝ થઈ રહી છે, જેમાંથી કેટલીક સુપરહિટ હોય છે તો કેટલીક સુપર ફ્લોપ. ગઈકાલે એટલે કે 8મી મેના રીલિઝ થયેલી ફિલ્મ દાદી કી શાદી (Daadi Ki Shaadi)ની વાત કરીએ તો આ ફિલ્મની હાલમાં સોશિયલ મીડિયા, મીડિયામાં ખાસ્સી ચર્ચા થઈ રહી છે કારણ કે આ ફિલ્મથી જ નીતુ કપૂર અને રિશી કપૂરની લાડકવાયી દીકરી રિદ્ધિમા કપૂરે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. ચાલો નજર કરીએ ફિલ્મની સ્ટોરી અને બોક્સ ઓફિસ કલેક્શન પર... 

બોલીવૂડના એક્ટ્રેસ નીતુ કપૂર, કોમેડિયન કપિલ શર્મા અને કપૂર ખાનદાનની લાડકી રિદ્ધિમા કપૂર-સાહની સ્ટારર ફિલ્મ 'દાદી કી શાદી' ગઈકાલે એટલે કે નવમી મે, 2026ના રોજ થિયેટર્સમાં રીલિઝ થઈ છે. બોલીવૂડના ચોકલેટી હીરો રણબીર કપૂરની બહેન અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ ૪૫ વર્ષની ઉંમરે આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. ખાસ વાત એ છે કે તેની સાથે તેની પુત્રી સમારાએ પણ આ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું છે.

ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલા સુપરસ્ટાર આમિર ખાને રિદ્ધિમાની એક્ટિંગના ખૂબ વખાણ કર્યા છે. આમિરે મજાકમાં તો ત્યાં સુધી કહી દીધું કે, રિદ્ધિમાએ તેના ભાઈ રણબીર કપૂર કરતા પણ સારું કામ કર્યું છે! સ્ક્રીનિંગ દરમિયાન આમિર અને કપિલ શર્માએ સાથે મળીને 'આતતી ક્યા ખંડાલા' ગીત ગાઈને મહેફિલ જમાવી હતી.

વાત કરીએ ફિલ્મની વાર્તા અને રિવ્યૂની તો આ ફિલ્મમાં નીતુ કપૂર એક બિન્દાસ 'દાદી'નો રોલ કરી રહી છે, જે સોશિયલ મીડિયા પર પોતાની 'શાદી'ની જાહેરાત કરે છે. આ એક નાનકડી જાહેરાત આખા પરિવારમાં કેવી રીતે હોબાળો મચાવે છે, તે તેની મનોરંજક વાર્તા છે.

ક્રિટીક્સ રિવ્યૂ: મોટાભાગના ક્રિટીક્સ તરફથી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અંદાજે 2 થી 2.5 સ્ટાર આપવામાં આવ્યા છે. બોલીવૂડ એક્ટ્રેસ નીતુ કપૂરના અભિનય અને કપિલ શર્માના કોમિક ટાઇમિંગના વખાણ થયા છે, પરંતુ વાર્તા થોડી જૂની અને ટીવી સીરિયલ જેવી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. 

ફિલ્મ દાદી કી શાદીની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો નીતુ કપૂર, કપિલ શર્મા, રિદ્ધિમા કપૂર, સાદિયા ખતીબ, આર. સરથકુમાર અને આમિર ખાનની બહેન નિખત ખાન પણ આ ફિલ્મનો હિસ્સો છે. વાત કરીએ પ્રારંભિક અહેવાલો મુજબ, ફિલ્મે પહેલા દિવસે અંદાજે 1.50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ફેમિલી ડ્રામા હોવાથી વીકેન્ડમાં એટલે કે શનિવાર-રવિવારે કલેક્શન વધવાની પૂરી શક્યતા છે.