(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારના પ્રબળ આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. તેમ જ ભાવમાં સાપ્તાહિક ધોરણે વધારો નોંધાયો હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને ચાંદીમાં વિશ્વ બજારના પ્રોત્સાહક અહેવાલ સાથે ઔદ્યોગિક માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 802ની આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે સોનામાં સાર્વત્રિક સ્તરેથી માગ નબળી રહેતાં વિશ્વ બજારથી વિપરીત ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 71નો ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 802ના સુધારા સાથે રૂ. 2,55,600ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહી હતી. વધુમાં આજે સોનામાં રોકાણકારોની રોકાણલક્ષી માગ સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વિશ્વ બજારથી વિપરીત વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 71ના ઘટાડા સાથે રૂ. 1,50,473 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના પણ રૂ. 71ના ઘટાડા સાથે રૂ. 1,51,078ના મથાળે રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા ઘટાડા સાથે બજારમાં અર્થતંત્રો પર ફુગાવાલક્ષી દબાણમાં ઘટાડો થવાના આશાવાદ સાથે રોકાણકારોની સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 4720.42 ડૉલર આસપાસ રહ્યા હતા. તેમ જ અત્યાર સુધીમાં સાપ્તાહિક ધોરણે ભાવમાં 2.3 ટકાનો સુધારો જોવા મળ્યો છે, જ્યારે આજે જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 4729.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે 2.3 ટકા વધીને આૈંસદીઠ 80.31 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત ગુરુવારે અમેરિકા અને ઈરાને એકબીજા પર હુમલાઓ કર્યા હોવાથી ભૂરાજકીય તણાવમાં વધારો થયો હતો. જોકે, ઈરાને પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ હોવાનું અને અમેરિકાએ પણ વિવાદમાં વધારો કરવાની ઈચ્છા ન હોવાનું જણાવ્યું હોવાથી બજાર વર્તુળો અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર થઈ જવાનો આશાવાદ સેવી રહ્યા હોવાથી બજારમાં કંઈક અંશે વિશ્વાસનો સંચાર થયો હોવાનું વિશ્લેષક રોઝ નોર્મને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે તે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં ક્રૂડતેલના ભાવમાં છ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
આજે બજાર વર્તુળોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના એપ્રિલ મહિનાના રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે. જોકે, ગયા મહિનામાં નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં 62,000નો વધારો થવાની શક્યતા તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ અથવા તો ઊપજમાં ઘટાડો થયો હોવાને કારણે પણ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં વધારાને ટેકો મળ્યો હતો.