નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારે કૂટનીતિક તણાવ જોવા મળ્યો છે. તાજેતરમાં મધ્ય પૂર્વમાં યુદ્ધને લઇને ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રતિનિધિ બેઠક દરમ્યાન અંદરોઅંદર ઝઘડી પડ્યા. ત્યારબાદ રશિયાએ બચાવમાં ઉતરવું પડ્યું. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ સંયુક્ત આરબ અમીરાત પર ઇરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલની મદદ કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ યુએઇએ પણ પલટવાર કર્યો.
કોણે શું આરોપ લગાવ્યો
યુએઇનો દાવો
યુએઇના પ્રતિનિધિઓનું કહેવું છે કે તાજેતરના ઇરાન સંઘર્ષ દરમિયાન તેમના દેશ પર સીધો હુમલો કરવામાં આવ્યો. તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા. યુએઇના ઉર્જા ઠેકાણાં પર હુમલાને લઇને ઇરાન અને યુએઇ વચ્ચે ઉગ્ર શાબ્દિક નિવેદનબાજી થઇ. જેના પગલે બ્રિક્સ પશ્ચિમ એશિયા સંકટ પર એક સર્વ સમંત નિવેદન જાહેર કરવામાં નિષ્ફળ રહ્યું.
ઇરાનનો પલટવાર
આના જવાબમાં ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ યુએઇ પર ઇરાન વિરુદ્ધ આક્રમકતામાં સીધી સંડોવણીનો આરોપ લગાવ્યો. ઇરાનનું કહેવું હતું કે યુએઇએ અમેરિકા અને ઇઝરાયેલને પોતાના સૈન્ય અડ્ડા, હવાઇ ક્ષેત્ર અને સીક્રેટ જાણકારી ઉપલબ્ધ કરાવી. ઇરાન તરફથી એવી પણ સ્પષ્ટતા કરાઇ કે તેણે યુએઇ પર હુમલો નહોતો કર્યો. પરંતુ પોતાની આત્મરક્ષામાં યુએઇની જમીન પર રહેલા અમેરિકાના સૈન્ય બેઝને નિશાન બનાવ્યું હતું.
સંમેલનના બે સેશનમાંથી એકમાં અરાધચી અને યુએઇના વિદેશ રાજ્ય મંત્રી ખલીફા શાહીન અલ મરાર વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ. અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવારોવે સ્થિતિને શાંત કરવા હસ્તક્ષેપ કર્યો. ઇરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધને લઇને બ્રિક્સ સભ્યો વચ્ચે તીવ્ર મતભેદોએ ગયા મહિને સમૂહના ઉપ વિદેશ મંત્રીઓ અને પશ્ચિમ એશિયા તથા ઉત્તરી અમેરિકા માટે વિશેષ દૂતોની બેઠક દરમ્યાન સંઘર્ષ પર સહમતી બનાવવાના ભારતના પ્રયાસોને રોકી દીધા.
સંયુક્ત આરબ અમીરાત અને ઇરાન વચ્ચે મતભેદોને કારણે આ સંઘર્ષ પર કોઇ સર્વસંમત નિવેદન બહાર ન પડી શક્યું.