Fri May 15 2026

Logo

અમદાવાદની કૉમનવેલ્થ ગેમ્સ માટેની મીટિંગમાં ઑલિમ્પિક્સના દાવા વિશે પણ થઈ ચર્ચા

2026-05-15 20:12:53
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ 2030માં અમદાવાદમાં 70 જેટલા દેશો વચ્ચે જે કૉમનવેલ્થ ગેમ્સ (CWG) રમાવાની છે એ સંબંધમાં થઈ રહેલી તૈયારીઓ બાબતમાં સમીક્ષા કરવા કેન્દ્રના ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા (MANDAVIYA) દ્વારા શુક્રવારે હોદ્દેદારો અને ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ)ના અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી અને એમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી વર્ચ્યૂઅલી જોડાયા હતા. વધુ રસપ્રદ બાબત એ છે કે કૉમનવેલ્થ ગેમ્સ માટેની આ મીટિંગમાં 2036ની ઑલિમ્પિક્સ યોજવા માટે ભારતે જે દાવો કર્યો છે એ દાવાને કેવી રીતે પ્રબળ બનાવવો એ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

હર્ષ સંઘવી ગુજરાતના ખેલકૂદ, યુવા બાબતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લગતા ખાતાના પ્રધાન પણ છે અને તેમની સાથે આ ઑનલાઇન મીટિંગમાં રાજ્ય સરકારના કેટલાક પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

આઇઓએના એક સૂત્રએ પીટીઆઇને જણાવ્યું હતું, `આગામી જુલાઈ-ઑગસ્ટમાં સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરમાં 2026ની કૉમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને એ રમતોત્સવની ક્લોઝિંગ સેરેમની દરમ્યાન 2030ના યજમાન અમદાવાદને આ રમતોત્સવની જે મશાલ સોંપવામાં આવશે એ સંબંધમાં માંડવિયા તથા અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે એ દરમ્યાન 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટેના ભારતના દાવા વિશે પણ ચર્ચા થઈ હતી.'

2036ની ઑલિમ્પિક્સ યોજવા માટે ભારત સહિત જે દેશોએ દાવો કર્યો છે એ સંદર્ભમાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી) દ્વારા ગયા વર્ષે જ નિર્ણય લેવાની હિલચાલ થઈ હતી, પણ ત્યારે ચર્ચા મોકૂફ રખાઈ હતી. જોકે હવે 2026ના અંત ભાગમાં અથવા 2027ની શરૂઆતમાં નિર્ણય લેવાશે એવી સંભાવના છે. ભારતે અમદાવાદમાં 2036ની ઑલિમ્પિક્સ યોજવા માટે ઑક્ટોબર 2024થી દાવો કર્યો છે અને સમયાંતરે ભારત એ વિશે આઇઓસીના મોવડીઓ સાથે વાટાઘાટ કરવા માટે પણ પ્રયત્નશીલ રહ્યું છે.